રાજકોટ
News of Wednesday, 8th February 2023

કુલપતિ ગીરીશ ભીમાણી - રજીસ્‍ટાર અમિત પારેખને ૧૧ કરોડની બદનક્ષીની નોટીસ ફટકારતા ભાજપ અગ્રણી નેહલ શુકલ

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ચકચારી પેપર લીક પ્રકરણમાં કાનુની યુદ્ધના મંડાણ : ફોજદારી કેસ કરવા તૈયારી

રાજકોટ, તા. ૮ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચિત પ્રશ્નપત્ર લીક પ્રકરણમાં વિવાદાસ્‍પદ કુલપતિ ગીરીશ ભીમાણી અને કાર્યકારી રજીસ્‍ટાર અમિત પારેખને ભાજપ અગ્રણી અને કોર્પોરેટર શુકલ કોલેજના મેનેજીંગ ટ્રસ્‍ટી નેહલ શુકલએ ૧૧ કરોડની બદનક્ષીની નોટીસ ફટકારતા ભાજપ વર્તુળ અને ઉચ્‍ચ શિક્ષણમાં ખળભળાટ મચી જવા પામેલ છે.

જાણીતા ધારાશાષાી શ્રી અંશ અભયકુમાર ભારદ્વાજે તેમના અસીલ ભાજપ અગ્રણી અને કોર્પોેરેટર ડો.નેહલભાઈ ચીમનભાઈ શુકલ વતી ટ્રસ્‍ટી અને અધિકૃત વ્‍યકિત હોય સમાજમાં ખૂબ પ્રતિષ્‍ઠા ધરાવે છે. શુકલ કોલેજની બે દાયકાની સફરમાં અનેક પરીક્ષાઓ લીધી છે. નેહલભાઈ શુકલ અનેક હોદ્દા ઉપર જવાબદારી સંભાળી રહ્યા છે. જાહેર જીવન રાજકીય ક્ષેત્રે મોટુ નામ ધરાવે છે. યુનિવર્સિટીની પરીક્ષામાં શુકલ કોલેજનું સેન્‍ટર હોય સદરહુ પેપર ૧૨/૧૦/૨૦૨૨ના રોજ પરીક્ષા હેતુ સીલ બંધ હાલતમાં પેપરો મોકલવામાં આવ્‍યા હતા. જે કોલેજમાં કામ કરતાં જીગરભાઈ ભટ્ટે પ્રશ્નપત્ર સ્‍વીકારી અને કોલેજ લોકરમાં મૂકી દીધેલ. ત્‍યારબાદ ૧૩/૧૦/૨૦૨૨ના વ્‍હેલી સવારે ૪ - ૫ વાગ્‍યાની આસપાસ યુનિવર્સિટી દ્વારા જીગરભાઈને પેપર પરત આપવાની સુચના આપતા તેઓએ કોલેજે જઈ સીલબંધ પેપર લોકરમાંથી કાઢી આપતા જે - તે અધિકારીને પરત કરી દીધેલા. જેનું સંપૂર્ણ વિડીયો રેકોર્ડીંગ યુનિવર્સિટીના અધિકારીએ કરેલ.

બદનક્ષીની ફરીયાદમાં વધુમાં જણાવ્‍યુ છે કે તા.૧-૨-૨૦૨૩ના અઢી મહિના બાદ રજીસ્‍ટાર દ્વારા કોલેજમાં કામ કરતા જીગરભાઈ ભટ્ટ વિરૂદ્ધ પેપર લીક કર્યા હોવાની તદ્દન ખોટા અને પાયા વિહોણા આરોપો સાથે ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. તે એફઆઈઆરમાં કોલેજનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવેલ. તે જોતા સ્‍પષ્‍ટ જણાવે છે કે કોલેજ વિરૂદ્ધ રાગદ્વેષ રાખી હિસાબ - કિતાબ કરવાનો હિન પ્રયાસ કરવામાં આવેલ છે.

બદનક્ષીની નોટીસમાં નેહલ શુકલએ જણાવ્‍યુ છે કે, રજીસ્‍ટાર અમિત પારેખ અને ગીરીશ ભીમાણી દ્વારા આ નોટીસ બજવાના દિવસ ૧૫માં નુકશાન વળતરની માંગણી કરવામાં આવી છે. અમારા અસીલની માફી અને કોલેજની માફી માંગવા તેમજ બદનક્ષીકારક કન્‍ટેપ છપાયા છે તે પરત ખેંચી લેવા માંગ કરી છે.

(4:20 pm IST)