રાજકોટ
News of Wednesday, 8th February 2023

હિરાસર એરપોર્ટમાં રસ્‍તા ઉપર નડતરરૂપ ૧પ મકાનો તોડી પાડતા મામલતદાર કરમટા : કરોડોની જમીન ખુલ્લી

વળતર ચુકવાઇ ગયુ છતા ખાલી નહોતા કરતાઃ ત્રણ મકાનોને વળતર આપવાનું બાકી : ઓપરેશન સમયે લોકોના ટોળાઃ પોલીસનો સઘન બંદોબસ્‍તઃ જુના હિરાસરની ગામ તળની જમીન

હિરાપર એરપોર્ટ માટે નડતરરૂપ બનેલ ૧પ મકાનો આજે તાલુકા મામલતદારશ્રી કરમટા અને તેમની ટીમે તોડી પાડી જમીન ખુલ્લી કરાવી તે નજરે પડે છે.

રાજકોટ, તા., ૮: શહેરથી ર૦ કી.મી. દુર બની ગયેલ અદ્યતન હિરાસર એરપોર્ટનું એપ્રીલમાં લોકાર્પણ છે. પરંતુ અંદર એરપોર્ટ સુધી જવા માટેના રસ્‍તા ઉપર અડચણરૂપ બની ગયેલ ૧પ જેટલા પાકા મકાનો ઉપર કલેકટરની સુચના બાદ મામલતદારશ્રી કરમટા, સર્કલ ઓફીસર સંજય કથીરીયા અને તેમની ટીમે  બુલડોઝર ફેરવી દઇ કરોડોની જમીન ખૂલ્લી કરાવી હતી, દબાણ હટાવ સમયે ભરવાડો તથા અન્‍ય લોકોના ટોળા એકઠા થયા હતા, પરંતુ સઘન પોલીસ બંદોબસ્‍ત હોય કોઇ ઘટના બની ન હતી, દબાણ હટાવ ઓપરેશન સમયે જીઇબી, ટીડીઓ, એરપોર્ટની ટીમ પણ સાથે રહી હતી, કુલ ર૦ હજાર ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઇ.

અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું કે જૂના હિરાસરના ગામતળની આ જમીન છે, આ તમામ ૧પ મકાનોના આસામીઓને જમીન સંપાદન સંદર્ભે ૯ થી ૧૦ લાખનું વળતર ચૂકવાઇ ગયું છે, છતાં ખાલી નહોતા કરતા, પરીણામે બૂલ ડોઝર ફેરવી દેવાયું છે, હજુ ૩ મકાનો બાકી રાખ્‍યા છે, તે લોકોનો વળતર પ્રશ્ન ઉકેલાયો નથી, વળતર ચૂકવાયે તે પણ મકાનો હટાવી દેવાશે.

(3:38 pm IST)