રાજકોટ
News of Saturday, 8th February 2020

લોહાણા યુવાનની હત્યાની કોશિષના ગુન્હામાં પકડાયેલ આરોપીની 'ચાર્જશીટ' બાદની જામીન અરજી નામંજુર

આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ છે : જામીન આપી શકાય નહિઃ અદાલત

રાજકોટ, તા. ૮ : લોહાણા યુવાનની હત્યાની કોશિષના ગુનામાં પકડાયેલ અને જેલમાં રહેલ આરોપી કપીલભાઇ કાનજીભાઇ વાંજા, રહે. રાજકોટ વાળા એ ચાર્જશીટ ફાઇલ થઇ જતા જામીન પર છુટવા માટે અરજી કરતા રાજકોટના અધિક સેસન્સ જજશ્રી વી.વી. પરમાર દ્વારા આરોપીને જામીન પર મુકત થવાની અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ બનાવ ગત તા. ૮-૧૧-૧૯ના રોજ બનેલ છે. આ કામના ઇજા પામનાર પોતાના ઘરેથી એકસેસ મોટર સાયકલ લઇને ધી કાંટા રોડ પર માલ બાબતે નીકળેલ ત્યારે આ કામના આરોપીએ તેમના કબ્જા વાળી ફોરચ્યુનર કાર નં.જી.જે.૦૩ ઇઆર ૧૧૧૧ વાળી લઇને ઇજા પામનારની પાછળ આવી સહજાનંદ માર્ગ મેઇન રોડ માલવીયાનગર શેરી નં. ૧ના ખૂણા પાસે, ગુરૂ આશિષ મકાનની સામે આવી જાઇ પામનારને રોકી શરીરના અલગ અલગ જગ્યાએ આડેધડ શરીરના ૧ર ઘા મારી લોહી લુહાણ કરી પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયેલ તેવી રીતે માર મારેલ તે મતલબની ફરીયાદ આ કામના ઇજા પામનાર તારેશભાઇ હીમતલાલ દક્ષીણીના પુત્ર એ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં કરેલ. સદરહું ફરીયાદના અનુસંધાને પોલીસે આઇ.પી.સી. કલમ-૩૦૭ વિગેરે હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલ અને જેલ હવાલે કરેલ જેથી ચાર્જશીટ બાદ આરોપીએ જામીન પર છુટવા અરજી કરી હતી.

ઉપરોકત દલીલ તેમજ આરોપી દ્વારા કરવામાં આવેલ દલીલ અને મુળ ફરીયાદીના એડવોકેટ દ્વારા રજૂ કરવામાં આવેલ લેખીત વાંધા તેમજ મૌખિક દલીલને ધ્યાનમાં લઇ અદાલત એવા મંતવ્ય પર આવેલ કે, ચાર્જશીટના પેપરો જોતા આરોપી સામેનો કેસ પ્રથમ દર્શનીય રીતે હોવાનું સ્પષ્ટ થાય છે, તેમજ હાલનો બનાવ તા. ૮-૧૧-૧૯ના રોજ બનેલ છે, ઇજા પામનારને સ્ટલીંર્ગ હોસ્પિટલમાંથી તા. ર૯-૧૧-૧૯ના ડીસ્ચાર્જ આપવામાં આવેલ છે, ત્યારબાદ તા. ૬-૧ર-૧૯ના આરોપી ફોરચ્યુનર ગાડી સાથે હાજર થયેલ છે અટક કરવામાં આવેલ છે, આ કામના આરોપીની સામે પ્રથમ દર્શનીય કેસ હોય આરોપીને જામીન પર મુકત કરી શકાય નહીં.

ઉપરોકત દલીલ તેમજ રજુ થયેલ ચુકાદાઓને ધ્યાનમાં રાખી રાજકોટના અધિક સેશન્સ જજશ્રી વી.વી. પરમારે આરોપીને ચાર્જશીટ પછી જામીન પર છોડવાની માટેની અરજી નામંજુર કરેલ છે.  આ કામમાં મુળ ફરીયાદી તારશભાઇ હીમતલાલ દક્ષીણી વતી રાજકોટના એડવોકેટ પીયુષભાઇ એમ. શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નીવિદભાઇ પારેખ, નીતેષભાઇ કથીરીયા, જીતેન્દ્રભાઇ ધુળકોટીયા, વિજયભાઇ પટગીર, હર્ષીલભાઇ શાહ, વિજયભાઇ વ્યાસ, રાજેન્દ્રભાઇ જોશી રોકાયેલા હતાં.

(3:35 pm IST)