રાજકોટ
News of Saturday, 8th February 2020

1BHK ૫૪૨ ફલેટ માટે ૧૦ હજાર ફોર્મ ઉપડયા

મ્યુ. કોર્પોરેશન દ્વારા અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના : ૧૫ ફેબ્રુઆરી સુધી વિતરણ : છેલ્લા ૭ દિ'માં ૫૦૫ ફોર્મ પરત આવ્યા : તંત્રને રૂ. ૧૦.૫૭ લાખની આવક

રાજકોટ તા. ૮ : મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નાનામૌવા, યુનિવર્સિટી રોડ, મવડી, ૧૫૦ ફુટ રીંગ રોડ સહિતના વિસ્તારમાં ૧થી ૩ બીએચકે ફલેટની આવાસ યોજના નિર્માણ કરવામાં આવી રહી છે. જેમાં મવડી ખાતે ૫૪૨ - ૧બીએચકે આવાસોના ફોર્મનું વિતરણ ૧ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા સાત દિવસમાં ૧૦,૫૭૪ ફોર્મ ઉપડયા છે. જેની સામે ૫૦૫ ફોર્મ પરત આવ્યા છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા ૧ થી ૩ બીએચકે ફલેટ યોજના અંતર્ગત અનુક્રમે ૫૪૨, ૧૨૬૮ અને ૧૨૬૮ મળી કુલ ૩૦૭૮ આવાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં અંબિકાટાઉનશીપ, મવડી વિસ્તારમાં ઇડબલ્યુએસ-૨નાં ૫૪૨ આવાસો માટેના ફોર્મનું વિતરણ ૧ ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરી સુધીમાં શહેરની આઇસીઆઇસીઆઇ બેંકની તમામ બ્રાંચ તથા મ્યુ. કોર્પોરેશનના સિવિક સેન્ટરોમાંથી થયું રહ્યું છે.

છેલ્લા સાત દિવસ એટલે કે તા. ૭ સુધીમાં સિવિક સેન્ટરમાંથી ૨૮૮૯ અને આઇસીઆઇસીઆઇ બેંકમાંથી ૭૬૭૬ સહિત કુલ ૧૦,૫૭૪ ફોર્મ ઉપડયા છે. આ ફોર્મની કિંમત રૂ. ૧૦૦ લેખે તંત્રને ૧૦.૫૭ લાખની આવક થવા પામી છે. ઇડબલ્યુએસ-૨નાં ૫૪૨ આવાસોના સાત દિવસમાં ૧૦ હજાર જેટલા ફોર્મ ઉપડયા છે પરંતુ તેની સામે ૫૦૫ ફોર્મ પરત આવ્યા છે.

(3:32 pm IST)