રાજકોટ
News of Saturday, 8th February 2020

રાજકોટ રેલ્વે મંડળની ટીમ આંતર ડીવીઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પીયન

રાજકોટઃ પશ્ચિમ રેલ્વેમાં દર વર્ષ દરેક ડીવીઝન અને વર્કશોપ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. હમણા જ પશ્ચિમ રેલવેના મુંબઇ સ્થિત મહાલક્ષ્મી ક્રિકેટ ગ્રાઉન્ડમાં વર્ષ-ર૦૧૯-ર૦ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઇનલમાં પરેલ વર્કશોપની ટીમને હરાવીને રાજકોટ મંડળની ક્રિકેટ ટીમ ચમ્પીયન બની હતી. આ ટુર્નામેન્ટમાં મુંબઇ, વડોદરા, અમદાવાદ, ભાવનગર, રતલામ, રાજકોટ, પરેલ વર્કશોપ, મહાલક્ષ્મી વર્કશોપ, ચર્ચગેટ, મુખ્ય કાર્યાલય, દાહોદ વર્કશોપ અને આરપીએફ સહિત કુલ ૧૧ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ૧૦ નોકઆઉટ મેચ રમાયા હતા. ફાઇનલ મેચમાં સૌ પ્રથમ દાવ લેતા રાજકોટ મંડળની ટીમે ૧પ ઓવરમાં ૧ વિકેટે ૧૬પ રન બનાવ્યા હતા. જેના જવાબમાં પરેલ વર્કશોપની ટીમ ૧૪૦ રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. ફાઇલન મેચમાં રાજકોટ મંડળની ટીમના પ્રતિક મહેતાએ ૪૩ દડામાં ઝડપી ૮૩ રન બનાવી ૩ વિકેટો પણ મેળવી હતી. જેમને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા હતા. સૌથી વધુ વિકેટો પણ રાજકોટ મંડળની ટીમના ફાસ્ટ બોલર ધનંજય ચતુર્વેદીએ ઝડપી હતી. તમામ ખેલાડીઓને ડીવીઝનલ રેલ્વે મેનેજર પરમેશ્વર ફુકવાલ દ્વારા તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બિરદાવવામાં આવ્યા હતા. આ સમયે ડીવીઝન સ્પોર્ટ એસોસીએશનના સેક્રેટરી અભિનવ જૈફ, કોમર્શીયલ મેનેજર રવિન્દ્ર શ્રીવાસ્તવ, ટીમ મેનેજર સી.બી.જાડેજા, પુર્વ રણજી ટ્રોફી ખેલાડી અને રેલ કર્મચારી સેન્ડીલ નટકન, હર્ષદ જોષી, ફિરોજ બાંભણીયા, પ્રતિક મહેતા, સંદીપ જોબનપુત્રા, અતુલ કારીયા અને દેવેન્દ્રસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહયા હતા.

(3:21 pm IST)