રાજકોટ
News of Saturday, 8th February 2020

ચલો ગાંવ કી ઓર...જિલ્લા પંચાયતની ટીમ દર અઠવાડિયે ૪૨ ગામોમાં જશે

લોકોની વચ્ચે જઈ જાણકારી મેળવવાનો અને આપવાનો ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયાનો પ્રયોગ : લાભાર્થીઓની મુલાકાત, યોજનાઓની સમીક્ષા, ગ્રામસભા વગેરેનું આયોજન

રાજકોટ, તા. ૮ :. જિલ્લા પંચાયતના વિકાસ અધિકારી શ્રી અનિલકુમાર રાણાવાસિયાએ જિલ્લાના ગામડાઓની પરિસ્થિતિની જાણકારી મેળવવા અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા જિલ્લા પંચાયતની ટીમ ગામેગામની મુલાકાત લ્યે તેવો નૂતન પ્રયોગ હાથ ધર્યો છે. જેના માટે વિસ્તરણ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આવતા અઠવાડિયાથી આ અભિયાનના શ્રીગણેશ થશે.

ડી.ડી.ઓ. શ્રી અનિલકુમાર રાણાવાસિયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં ૫૯૫ ગામડાઓ આવે છે. પંચાયતના ૨૧ વિસ્તરણ અધિકારીઓ છે. આ અધિકારીઓ દર અઠવાડીયે અગાઉથી નક્કી કર્યા મુજબ બબ્બે ગામની મુલાકાત લેશે. એક અઠવાડીયામાં ૪૨ ગામનો પ્રવાસ થશે. સાંજના સમયે વિસ્તરણ અધિકારી તેમજ ગ્રામિણ યોજનાઓ અને વિકાસને લગતા અન્ય અધિકારીઓ, કર્મચારીઓ ગામની મુલાકાતે જશે. ત્યાં ગામના પ્રશ્નો જાણવામા આવશે. આંગણવાડી, શાળા, આરોગ્ય કેન્દ્ર, પંચાયત કચેરી વગેરે અંગે માહિતી મેળવવામાં આવશે. યોજનાઓની સમીક્ષા કરી સરકારી યોજનાઓના લાભાર્થીઓના ઘરે જઈ તેમના પ્રતિભાવો જાણવામાં આવશે. ત્યાર બાદ ગ્રામસભા જેવો કાર્યક્રમ યોજી સીધો લોકો સાથે સંવાદ કરવામાં આવશે. ગ્રામિણ પ્રશ્નોના નિકાલની સાથે વિકાસને વેગ મળે તે ઉદ્દેશ્ય છે. આ પ્રયોગથી જિલ્લા પંચાયતનું તંત્ર અને ગ્રામિણ લોકો વચ્ચેનો સંપર્ક સેતુ વધુ દ્રઢ બનશે. તાલુકા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લાના અન્ય અધિકારીઓ આ કાર્યક્રમ દરમિયાન ગમે ત્યારે ગમે તે ગામની મુલાકાત લેશે. ચૂંટાયેલા પદાધિકારીઓને પણ આમંત્રણ આપવામાં આવશે. આ અભિયાનનો પ્રારંભ આવતા અઠવાડીયે થશે. ચાર મહિનામાં સમગ્ર જિલ્લાના તમામ ગામોને આવરી લેવાની ગણતરી છે. પંચાયતની ટીમની મુલાકાત વખતે આવતી ફરીયાદો, માહિતી અને સૂચનોને ગંભીરતાથી લઈ આગળની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

(12:53 pm IST)