રાજકોટ
News of Saturday, 8th February 2020

સેસન્સ કોર્ટ પાસે કારની ઠોકરે ૭૫ વર્ષિય વકિલ નટવરલાલ ભટ્ટને માથામાં ફ્રેકચર

એડવોકેટ પોૈત્ર ધૈર્યવાન (પ્રતિક) સાથે રસ્તો ઓળંગતા હતાં ત્યારે બનાવ

રાજકોટ તા. ૮: મોચી બજાર સામે સેસન્સ કોર્ટ નજીક વકિલ પોૈત્રની સાથે રસ્તો ઓળંગી રહેલા ૭૫ વર્ષિય એડવોકેટને કારના ચાલકે ઉલાળી દેતાં માથામાં ફ્રેકચર થઇ જતાં અને શરીરે ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે નિર્મલા કોન્વેન્ટ રોડ પર પાણીના ટાંકા સામે સોજીત્રા નગરમાં યોગી અમૃત એપાર્ટમેન્ટમાં રહેતાં અને વકિલાતની પ્રેકટીસ કરતાં ધૈર્યવાન (પ્રતિક) ધીમંતભાઇ ભટ્ટ (ઉ.૨૬)ની ફરિયાદ પરથી કાળા રંગની  હુન્ડાઇ વર્ના કાર નં. જીજે૦૩એલબી-૦૩૧૦ના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

ધૈર્યવાન ભટ્ટે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા દાદા નટવરલાલ લાલશંકરભાઇ ભટ્ટ (ઉ.વ.૭૫) સાથે રહુ છું. મારા પિતાજીનું અવસાન થયેલ છે. હું તથા મારા દાદા બંને સાથે વકિલાતની પ્રેકટીશ કરીએ છીએ. બપોરે અમે બંને સેસન્સ કોર્ટમાંથી કામ પતાવી મિડીએશન સેન્ટરમાં ગયા હતાં. ત્યાંથી બહાર નીકળી જુના ખટારા સ્ટેન્ડ તરફ જવાનો રસ્તો છે એ ઓળંગતા હતાં ત્યારે હોસ્પિટલ ચોક તરફથી એક કાર મારંમાર આવી હતી અને મારા દાદાને અડફેટે લઇ લીધા હતાં. હું સાઇડમાં ખસી ગયો હતો.

મારા દાદા પડી જતાં માથા-હાથ-પગ-શરીરે ઇજાઓ થઇ હતી. આ કારવાળો આગળ જઇને સાઇડમાં કાર પાર્ક કરી ઉભો રહ્યો હતો. એ પછી તે સાથે આવ્યો હતો અને મારા દાદાને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. દાદાને અકસ્માતમાં માથામાં ફ્રેકચર જેવી ઇજા થઇ છે. એએસઆઇ રાજેશભાઇ આર. સોલંકીએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)