રાજકોટ
News of Saturday, 8th February 2020

જીલ્લા ગાર્ડન નજીક બાપુનગરમાં પટેલ વેપારીના બાઇકની ડેકીમાંથી ૧.૪૩ લાખની રોકડ 'છૂ': ઘટના સીસીટીવીમાં કેદ

ગોંડલ રોડ પર પ્લેનરી આર્કેડની કાંતિલાલ આંગડિયા પેઢીમાંથી રૂપિયા ઉપાડી ડેકીમાં રાખ્યા એ પછી બંસીધર પ્લાસ્ટીક નામના ડેલામાં ગયાઃ ૧૫ મિનીટમાં પાછા આવ્યા ત્યાં 'કળા' થઇ ગઇઃ ભકિતનગર પોલીસે તપાસ આરંભી : એક ગઠીયાએ સામેના કારખાનેદારને વાતોએ વળગાડ્યા, બીજાએ પળવારમાં ડેકી તોડી ને ચાલતો થયોઃ પછી બીજો પણ રવાના થઇ ગયો!

જ્યાં ઘટના બની તે સ્થળ, એક ગઠીયો કારખાનેદાર સાથે વાત કરતો, સામે બીજો ડેકી તોડતો અને બાદમાં બંને ચાલતાં થઇ ગયા તે દ્રયો જોઇ શકાય છે

રાજકોટ તા. ૮: વાહનની ડેકી તોડી રોકડ ચોરી કરવાના બનાવ ફરી શરૂ થયા છે. જીલ્લા ગાર્ડન પાસે બાપુનગર રોડ પર ભીલાઇ વે બ્રીજવાળી શેરીમાં પટેલ વેપારીના બાઇકની ડેકી તોડી એક ગઠીયો રૂ. ૧,૪૩,૦૦૦ની રોકડ ચોરી જતાં પોલીસે તપાસ શરૂ કરી છે. બે શકમંદ સીસીટીવી કેમેરામાં દેખાતાં તપાસ થઇ રહી છે. બંનેએ ગોંડલ રોડ પર આવેલી આંગડિયા પેઢીએથી જ વેપારીનો પીછો કર્યાની શકયતા છે.

ભકિતનગર પોલીસે બનાવ બારામાં કોઠારીયા રોડ સ્વાતિ પાર્ક-૩ બી-૧૩૫માં રહેતાં કાંતિભાઇ લક્ષમણભાઇ ગામી (પટેલ) (ઉ.૫૬)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૭૯, ૪૬૧ મુજબ ગુનો નોંધ્યો છે. કાંતિભાઇ પ્લાસ્ટીકના દાણાનો વેપાર કરે છે. તેમને પૈસાની જરૂર પડતાં કેશોદ રહેતાં સાળા શશિકાંતભાઇ પાસેથી રૂ. ૧,૪૩,૦૦૦ મંગાવતાં તેમણે ગઇકાલે આ રકમ ગોંડલ રોડ પ્લેનરી આર્કેડમાં આવેલી કાંતિલાલ આંગડિયા પેઢીમાં મોકલી આપી હતી.

સાંજે પાંચેક વાગ્યે કાંતિભાઇ ગામીને ફોન આવતાં તેઓ પૈસા લેવા આંગડિયા પેઢીએ પોતાનું બાઇક જીજે૧૧એજે-૩૧૪૭ લઇને ગયા હતાં. રકમ હસ્તગત કરી બાઇકમાં સાઇડમાં ફીટ કરેલી પેટીમાં મુકી હતી. એ પછી તેઓ બાપુનગર રોડ પર બંસીધર પ્લાસ્ટીક નામના ડેલે મિત્રને મળવા ગયા હતાં. બાઇક ઉભુ રાખી તેઓ અંદર ગયા હતાં. એ પછી એક શખ્સ જાકીટ પહેરીને આવ્યો હતો અને બંસીધરની સામેના કારખાના બહાર એક ભાઇ ઉભા હોઇ તેની સાથે વાતો કરી બાજુની દૂકાન કે જે બંધ હતી ત્યાં ફલાણો-ફલાણો કામ કરે છે કે કેમ? તેની પૃછા કરી તેમને વાતોમાં વળગાડી રાખ્યા હતાં. ત્યાં બીજો શખ્સ આવ્યો હતો અને બંસીધર ડેલા બહાર રાખેલા બાઇકની ડેકીનું લોક માત્ર બે-થી ત્રણ સેકન્ડમાં તોડીને રોકડની થેલી લઇ ચાલતો થઇ ગયો હતો. એ પછી સાગ્રીત કે જે સામેના કારખાનેદારનું ધ્યાન ભંગ કરાવવા ઉભો હતો એ પણ ચાલતો થઇ ગયો હતો.

ફૂટેજને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. શકયતા છે કે આંગડિયા પેઢીમાંથી વેપારીએ પૈસા ઉપાડી ડેકીમાં મુકયા ત્યારે ત્યાં જ વોચમાં રહેલા બંને ગઠીયાઓએ પીછો કરી તક મળતાં જ કામ પાર પાડી લીધું હશે. અગાઉ પણ આવી જ એમઓથી ડેકી તોડવાના બનાવ બની ચુકયા છે.

(11:42 am IST)