રાજકોટ
News of Thursday, 8th February 2018

ત્રણ મહિનાથી રાજકોટ ગેસ્ટ હાઉસમાં રહેતાં અમદાવાદના બ્રાહ્મણ પ્રોૈઢનું મોત

જુના બસ સ્ટેશન પાછળ શિવ ગેસ્ટ હાઉસમાં બાથરૂમમાં પડી ગયા

રાજકોટ તા. ૮: અમદાવાદ ગોતા વિસ્તાર સત્યમેવની પાછળ વિશેષ રેસિડેન્સી સી-૪૦૩માં રહેતાં હિમાંશુભાઇ કાંતિલાલ રાવલ (ઉ.૫૬) નામના બ્રાહ્મણ પ્રોૈઢ ત્રણેક મહિનાથી રાજકોટ જુના બસ સ્ટેશન પાછળ શિવ ગેસ્ટ હાઉસમાં રહેતાં હોઇ અહિ રાત્રીના બાથરૂમમાં પડી જતાં બેભાન થઇ જતાં ૧૦૮ને જાણ કરાઇ હતી. તેના ઇએમટી દિપકભાઇએ તેમને મૃત જાહેર કર્યા હતાં.

એ-ડિવીઝન પોલીસને જાણ થતાં પી.એસ.આઇ. કે. એ. જાડેજાએ ત્યાં પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક ચાર ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં અને નિવૃત જીવન ગાળતાં હતાં. સંતાનમાં એક પુત્રી છે. પ્રોપર્ટીનો વિવાદ ચાલતો હોઇ તેના કામ સબબ તેઓ ત્રણેક માસથી રાજકોટ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતાં અને જરૂર પડ્યે અમદાવાદ જતાં હતાં. હાર્ટએટેકથી મોત થયાનું પોલીસનું પ્રાથમિક તારણ છે.

ભકિતનગરના ભાવનાબેન સોનીનું બેભાન હાલતમાં મોત

ભકિતનગર સોસાયટી બગીચાવાળી શેરીમાં રહેતાં ભાવનાબેન શશિકાંતભાઇ રાણપરા (ઉ.૫૨) નામના સોની મહિલા બિમાર હોઇ ગઇકાલે અચાનક શ્વાસ ચડતાં બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ સોની કામ કરે છે. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

નવલનગરના રમેશભાઇ જાગાણીનું ઉલ્ટી બાદ મોત

નવલનગર-૩માં રહેતાં રમેશભાઇ મોહનભાઇ જાગાણી (ઉ.૪૫)ને બપોરે સાડા ત્રણેક વાગ્યે સુઇને ઉઠ્યા બાદ ઉલ્ટીઓ શરૂ થઇ જતાં દોશી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્યાં મોત નિપજ્યું હતું. માલવીયાનગર પોલીસને જાણ થતાં એએસઆઇ જી. કે. પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી.

ઇમિટેશનમાં વપરાતું પ્રવાહી ગરમ કરી સુંઘતા સુરજજીતની તબિયત બગડી

સંત કબીર રોડ પર કનકનગર-૪માં રહેતાં અને ઇમિટેશનનું કામ કરતાં મુળ બંગાળના સુરજજીત સુશાંત રાણીક (ઉ.૧૫)એ ઇમિટેશનમાં વપરાતા ખાર નામના પ્રવાહીને ગરમ કરી તેનો ધૂમડાો સુંઘતા ચક્કર આવતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

(12:54 pm IST)