રાજકોટ
News of Wednesday, 8th January 2020

આયુષ્યમાન કાર્ડ કૌભાંડમાં ભરૂચના તબીબ કેશવ સિંગ અને કલાર્ક અમીષા જેલ હવાલે

રાજકોટ તા.૮: સદર બજારમાં આવેલી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયમાં મોઢ વણીક જ્ઞાતીના લાભાર્થે આયુષ્યમાન કાર્ડ કઢાવવાના કેમ્પમાં થયેલા કૌભાંડમાં એસઓજીની ટીમે વધુ બે આરોપી ભરૂચ જીલ્લા તાલુકા હેલ્થ સેન્ટરના તબીબ અને મહિલા કલાર્કની ધરપકડ કર્યા બાદ બંનેને કોર્ટમાં રજૂ કરતાં જેલ હવાલે થયા છે.

સદર બજારમાં આવેલી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયમાં તા.૨૪-૧૧-૧૯ના રોજ મોઢ વણીક જ્ઞાતિના લાભાર્ર્થે આયુષ્યમાન કાર્ડ કઢાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કેમ્પનો લાભ લેવા માટે શ્રી ન્યુ દશા સોરઠીયા વણીક મહાજન રાજકોટના નામે વોટ્સએપ ગૃપમાં આ મેસેજવાઇરલ કર્યો હતો. બાદમાં અરજદારોના દસ્તાવેજો ચકાસી ફોટા પાડીને તેમના પાસેથી કાર્ડ દીઠ રૂ.૭૦૦ અને રૂ.૧૦૦ ઉઘરાવવામાં આવતા હતા. આ અંગે આરોગ્ય સમિતિના ચેરમેનને જાણ થતા તેણે દરોડો પાડ્યો હતો. અને આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. બાદમાં આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળપર પહોંચી વણીક સમાજના પ્રમુખ સહિત સાત શખ્સોની ધરપકડ કરી હતી. બાદમાં તેમની પાસે થી કબ્જે કરાયેલા સાધનોના રિપોર્ટ માંગતા આ  પહેલા પણ અમદાવાદ, મહુવા સહિતના સ્થળો પર આ રીતે જ કામ કરવામાં આવ્યુ હોવાનુ સામે આવતા એસઓજીના પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એચ. એમ. રાણા સહિતના સ્ટાફે ભરૂચ તાલુકા હેલ્થ સેન્ટરના ડો.કેશવ રામરૂપપ્રસાદ સિંગ (ઉ.વ.૫૪) (રહે. બી.૧૦ અધરજયોત ડુપ્લેક્ષ ચાણકયપુરી ચાર રસ્તાની પાસે વડોદરા) અને લાલ બજાર અર્બન હેલ્થ સેન્ટરના કલાર્ક કમઓપરેટર તરીકે ફરજ બજાવતા અમીષા જયનીશભાઇ મહેતા (રહે ૯ શ્રીમદ રેસીડેન્સી ચામુંડા માતાજીનું મંદિર જળેશ્વર ભરૂચ)ની ધરપકડ કરી હતી. પોલીસે ડો. કેશવ સિંગના કોમ્પ્યુટરના ઇ-મેઇલ ડેટા કબ્જે કર્યા હતા. બંનેને કોર્ટમાં રજુકરવામાં આવતા જેલ હવાલે કરવામાં આવ્યા છે.

(4:29 pm IST)