રાજકોટ
News of Wednesday, 8th January 2020

અમદાવાદમાં NSUIના કાર્યકર્તાઓ ઉપર ABVPનો હિંસક હુમલાના વિરોધમાં રાજકોટમાં કોંગ્રેસ - NSUI કાર્યકરોના ધરણા

પ્રમુખ અશોક ડાંગરના નેતૃત્વમાં ૧૦૦થી વધુ કાર્યકરો ધરણામાં જોડાયા : સૂત્રોચ્ચાર

રાજકોટ : રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણબાગ ચોકમાં અમદાવાદ એનએસયુઆઈના કાર્યકરો ઉપર હુમલાના વિરોધમાં રાજકોટ ખાતે ધરણા યોજાયા હતા. તે સમયની તસ્વીર. પ્રમુખ અશોકભાઈ ડાંગર, મહેશભાઈ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, વશરામભાઈ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા, આદિત્યસિંહ ગોહીલ, મયુરભાઈ વાંક, પ્રવિણભાઈ ડોડીયા સહિતના નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૮ : અમદાવાદના એનએસયુઆઈના કાર્યકરો ઉપર એબીવીપી દ્વારા કરવામાં આવેલ હિંસક હુમલાના વિરોધમાં રાજકોટ શહેર કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા રાજકોટમાં ધરણા કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસ એનએસયુઆઈની યાદીમાં જણાવાયુ છે કે અમદાવાદમાં ગુજરાત એનએસયુઆઈના કાર્યકર્તાઓ દિલ્હીમાં જેએનયુમાં વિદ્યાર્થીઓ પર થયેલા હિંસક હુમલાનો વિરોધના કાર્યક્રમ સમયે એબીવીપી અને યુવા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હિંસક હુમલો કર્યો જેથી એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી નિખિલ સવાણી સહિત અનેક કાયકર્તાઓ ઘાયલ થયા છે. પોલીસ ઘટનાસ્થળે હોવા છતાં પ્રેક્ષક બની ભાજપ અને એબીવીપીના કાર્યકર્તાઓને રોકવાને બદલે એનએસયુઆઈના કાર્યકર્તા પર લાઠીઓનો વરસાદ કરવામાં આવ્યો તે નીંદનીય છે. પોલીસને ખાખીની ગરીમા પણ ન જાળવી તે અત્યંત દુઃખદ વાત કહી શકાય. ભાજપ સરકાર દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોના આંદોલન પર હિંસક હુમલાઓ કરાવી વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાની ભૂતકાળની વૃતિ થઈ છે.

જે રીતે સમગ્ર ઘટનામાં યુવા ભાજપના અધ્યક્ષ ઋત્વિજ પટેલ, ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલા સહિત એબીવીપીના પ્રદેશ આગેવાનો દ્વારા પૂર્વ આયોજીત કાવતરારૂપ આ હુમલો કરાવવામાં આવ્યો છે તે તમામ વિડીયો ફૂટેજમાં પ્રત્યક્ષ રીતે જોઈ શકાય છે ત્યારે સવાલ ઘણા ઉદ્દભવે છે કે જો અચાનક જ બંને સંગઠનો વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ થયુ તો ધોકા, પાઈપ, દંડાઓ કયાંથી આવ્યા? શું બાળમૃત્યુદરનો મુદ્દો ભટકાવવા હુમલો કરાવ્યો? કે પછી ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ અને સ્ટુડન્ટ વેલફેર ચૂંટણી હાર થવાનો ભય હતો? ભાજપ એવુ ન સમજે કે સતાના દુરૂપયોગથી યુવાનો ડરી જશે, પરંતુ એનએસયુઆઈ હરહંમેશની જેમ યુવાનો અને વિદ્યાર્થીઓને પ્રશ્નોમાં લડતો ચાલુ જ રાખશે.

કોંગ્રેસ પક્ષ અને એનએસયુઆઈની સ્પષ્ટ માંગ છે કે આ ઘટનામાં સંડોવાયેલા તમામ ભાજપ અને એબીવીપીના કાર્યકરો પર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ઘટનાસ્થળે રહેલી જે પોલીસ અધિકારીઓની ભાજપ સરકારના ઈશારે યુવાનો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો તે તમામ જવાબદારો પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

આ કાર્યક્રમમાં રાજકોટ શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર, મહેશભાઈ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, વશરામ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા સહિત પ્રદેશ આગેવાનો તેમજ કોર્પોરેટર અને કાર્યકરો યુવાનોના સમર્થનમાં હાજર રહ્યા હતા તેમજ સુરજ ડેર, આદિત્યસિંહ ગોહીલ, મયુર વાંક, પ્રદિપ ડોડીયા, જીલ્લા પ્રમુખ રોહિત રાજપૂત, શહેર પ્રમુખ નરેન્દ્ર સોંલંકી, અફઝલ જુણેજા, અભિ તલાટીયા, વિક્રમ બોરીચા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ધરણા કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

(4:23 pm IST)