રાજકોટ
News of Wednesday, 8th January 2020

મુંજકાની પ્રાથમિક શાળામાં રૂમની સફાઇ બાબતે છાત્રની ધોલધપાટ

૧૨ વર્ષનો મહિપાલ સારવારમાં: શિક્ષકાએ માર માર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૮: મુંજકામાં ચામુંડા માતાજીના મંદિર પાસે રહેતાં અને ગામમાં જ આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ-૬માં અભ્યાસ કરતાં ૧૨ વર્ષના વિદ્યાર્થી મહિપાલ ઘુઘાભાઇ રાતડીયાને બે દિવસ પહેલા શિક્ષીકાએ મારકુટ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.

મહિપાલે પોતાને બે દિવસ પહેલા શાળામાં શિક્ષીકા દ્વારા મારકુટ થયાનું અને હજુ દુઃખાવો થતો હોવાની ફરિયાદ કરતાં  તબિબે તેને સારવાર માટે દાખલ કરી પોલીસ કેસ જાહેર કર્યો હતો. આ અંગે હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. છાત્રના પરિવાર તરફથી આક્ષેપ કરાયો હતો કે બે દિવસ પહેલા વર્ગખંડની સફાઇ કરવા માટે શિક્ષીકાએ કહેતાં મહિપાલ બરાબર સાંભળ્યો ન હોઇ તેણે સફાઇ ન કરતાં શિક્ષીકાએ ખાર રાખી મારકુટ કરી હતી. પોલીસ આક્ષેપો અંગે તપાસ કરી રહી છે.

(4:08 pm IST)