રાજકોટ
News of Wednesday, 8th January 2020

ધર્મેન્દ્ર રોડ પર ડ્રેસવાલામાં ૮ લાખની ચોરી

રાતે ૧૨:૫૫ કલાકે ટોપીવાળા જાકીટ પહેરીને આવેલા બે શખ્સ અડધી કલાક સુધી ખાખાખોળા કરે છેઃ સીસીટીવી કેમેરામાં કેદઃ અગાસીના ભાગેથી ત્રીજા માળે પહોંચેલા તસ્કર સામાન હેરફેરની લિફટ મારફત ગ્રાઉન્ડ ફલોરમાં આવી ચાવીથી ખાનુ ખોલી રોકડ ચોરી ગયાઃ જાણભેદૂ હોવાની શંકાઃ ચાલાક ચોરે ગ્રાઉન્ડ ફલોરમાં આવી સીસીટીવી કેમેરાના તમામ કેબલ ડિસમીસથી કાપી નાંખ્યાઃ રોકડ કાઢી ખાલી પોર્ટફોલીયો બીજા માળે ફેંકી દેવાયોઃ માલિક હરિશભાઇ અનડકટ ઓસ્ટ્રેલિયા ગયા છે, તેમના ભાઇ કેતનભાઇની ફરિયાદ નોંધવા તજવીજ

હાથફેરોઃ ધર્મેન્દ્ર રોડના જાણીતા રેડિમેઇડ કપડાના શો રૂમ ડ્રેસવાલામાં મોડી રાત્રે અગાસીના ભાગેથી ત્રાટકેલા બે તસ્કર રૂ. આઠેક લાખની રોકડ ચોરી જતાં બજારમાં ચકચાર મચી ગઇ છે. બંને તસ્કર માથે ટોપીવાળા જાકીટ પહેરીને આવ્યા હતાં અને ત્રણ માળના શો રૂમમાં ખાખાખોળા કર્યા હતાં. છેલ્લે ગ્રાઉન્ડ ફલોરમાં આવેલા કાઉન્ટરમાંથી અંદર જ રાખેલી ચાવી શોધી રૂ. આઠ લાખની રોકડ ચોરી ગયા હતાં. આ બંને તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. કોઇ જાણભેદૂની સંડોવણી હોવાની શંકા સાથે તપાસ શરૂ થઇ છે. તસ્વીરમાં જ્યાં ચોરી થઇ તે શો રૂમ, તપાસાર્થે પહોંચેલી પોલીસ ટૂકડીઓ, શો રૂમના સંચાલકો, કર્મચારીઓ અને સીસીટીવીના દ્રશ્ય જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૮: તસ્કરોએ ફરી તરખાટ મચાવવાનું શરૂ કર્યુ છે. ધર્મેન્દ્ર રોડ પર આવેલા ખુબ જાણીતા રેડીમેઇડ કપડાના શો રૂમમાં મોડી રાત્રીના ત્રાટકી બે તસ્કર રૂ. આઠેક લાખની રોકડ ચોરી જતાં બજારના વેપારીઓમાં ચકચાર મચી ગઇ છે. બે તસ્કર ત્રણ માળના શો રૂમની અગાસીથી ત્રીજા માળે આવી ત્યાંથી સામાન હેરફેરની લિફટ મારફત ત્રણેય માળે આવ-જા કરી ખાખાખોળા કરી છેલ્લે ગ્રાઉન્ડ ફલોરના કાઉન્ટરમાંથી ચાવીથી લોક ખોલી હાથફેરો કરી ગયા હતાં.  સીસીટીવીના મુખ્ય કેબલ આ ચબરાક ચોરોએ કાપી નાંખ્યા હતાં. પણ બહારના એક કેમેરામાં જાકીટ અને ટોપી પહેરેલા આ બે તસ્કર કેદ થઇ ગયા હતાં. પણ તેમાં તેના મોઢા દેખાતા નથી. કોઇ જાણભેદૂની સંડોવણીની શંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધર્મેન્દ્ર રોડ પર આવેલા ત્રણ માળના ડ્રેસવાલા શો રૂમમાં ચોરી થયાની જાણ થતાં એ-ડિવીઝનના પીઆઇ એન. કે. જાડેજા, પીેએસઆઇ વી. એમ. ડોડીયા, રવિભાઇ, પ્રવિણભાઇ, મોૈલિકભાઇ અને ડી. સ્ટાફની ટીમ દોડી ગઇ હતી. પોલીસને આ ચોરીની જાણ શો રૂમના માલિક હરિશભાઇ ચીમનલાલ અનડકટના ભાઇ કેતનભાઇ અનડકટે કરી હતી. હરિશભાઇ હાલ કામ સબબ ઓસ્ટ્રેલિયા ગયા છે. શો રૂમમાંથી રૂ. આઠેક લાખની રોકડ કે જે આખા મહિનાનો વકરો હતો તે ચોરાઇ ગયાનું કહેવાતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

વેપારી હરિશભાઇ અનડકટ અને કેતનભાઇ અનડકટ અમીન માર્ગ પર સાગર ટાવર-૯૧માં વસવાટ કરે છે. આ ભાઇઓને યાજ્ઞિક રોડ પર પણ ડ્રેસવાલા નામે શો રૂમ છે. બીજો ત્રણ માળનો શો રૂમ ધમેન્દ્ર રોડ પર છે. આ શો રૂમમાં ચોરી થઇ છે. પોલીસે તપાસ કરતાં અને સીસીટીવી કેમેરા ચેક કરતાં મુખ્ય કેમેરાઓના કેબલ કાપી નખાયાનું જણાયું હતું. બહારના ભાગના એક કેમરામાં ટોપી જાકીટ પહરેલા બે શખ્સ જોવા મળ્યા હતાં. આ બંને કેબલ કાપતા દેખાયા હતાં. જો કે તેના ચહેરા દેખાતા નથી.

બંને ત્રીજા માળે છત પરથી કોઇપણ રીતે પહોંચી ત્યાંથી સામાન હેરફેરની લિફટ મારફત નીચે આવ્યા હતાં અને ગ્રાઉન્ડ ફલોરમાં આવેલા કાઉન્ટરના ખાનામાંથી ચાવી શોધી સોૈથી નીચેના ખાનામાં લોકમાં રાખેલી રોકડ તાળુ ખોલીને ચોરી ગયા હતાં.  આ રોકડ પોર્ટફોલિયામાં રાખી હતી અને આખા મહિનાનો વકરો થયો હતો તેની હતી.  આ શો રૂમ હરિશભાઇ અનડકટ સંભાળે છે. શો રૂમમાં ૨૦ કર્મચારીઓ કામ કરે છે. સવારે દૂકાન ખોલવામાં આવી ત્યારે ચોરી થયાની ખબર પડતાં કર્મચારીઓએ શેઠ હરિશભાઇ વિદેશ ગયા હોઇ તેમના ભાઇ કેતનભાઇને જાણ કરતાં તેણે પોલીસ મથકે આવી ચોરીની જાણ કરી હતી.

ક્રાઇમ બ્રાંચનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય માળ ચેક કરતાં બીજા માળેથી ખાલી પોર્ટફોલીયો મળી આવ્યો હતો. આ પોર્ટફોલીયોમાં જ રોકડ હતી. તસ્કરો રોકડ કાઢી ખાલી બેગ ફેકતા ગયા હતાં. કોઇ જાણભેદૂની સંડોવણી હોવાની શકયતા છે. ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોની મદદથી પોલીસે તપાસ શરૂ કરી છે.

(3:19 pm IST)