રાજકોટ
News of Wednesday, 8th January 2020

રાજકોટની નારી શકિતને સો-સો સલામ

મેગા સફાઇ અભિયાન મહિલાઓએ નોંધાવ્યો રેકોર્ડ

૧૮ વોર્ડમાં પ૪ સ્થળોએ બહોળી સંખ્યામાં બહેનો જોડાઇઃ મેયર બિનાબેન આચાર્ય-અંજલીબેન રૂપાણીએ સ્વચ્છતામાં રાજકોટને નંબર-૧ બનાવવા સંકલ્પ વ્યકત કર્યોઃ ભાનુબેન બાબરીયા, રક્ષાબેન બોળીયા, નયનાબેન પેંઢરીયા, કાશ્મીરાબેને લીધી આગેવાનીઃ શહેરની અનેક મહિલા મંડળોની બહેનો અભિયાનમાં જોડાઇઃ શહેરને કર્યુ ચોખ્ખુ ચણાંક

૫૪ સ્થળોએ મહિલાઓએ કરી સફાઇઃ સ્વચ્છતા માટે લીધો સંકલ્પઃ રાજકોટઃ મ્યુ.કોર્પોરેશન દ્વારા આજે સવારેે  શહેરનાં વિવિધ ૫૪ સ્થળોએ એક સઘન સફાઈ અભિયાન યોજાયું હતું. આ મેગા સફાઈ અભિયાનની ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે તેમાં શહેરના માત્ર મહિલાઓ દ્વારા જ હાથ ધરવામાં આવેલ. આ આયોજન હેઠળ શહેરના તમામ ૧૮ વોર્ડમાં ૫૪ સ્થળોએ બહોળી સંખ્યામાં બહેનો અભિયાનમાં જોડાઇ રેકોર્ડ નોંધાવવા કટીબધ્ધ બન્યા હતા.આ અભિયાનમાં મેયર બીનાબેન આચાર્ય તથા શહેર ભાજપ મહિલા પ્રભારી અંજલીબેન રૂપાણી સહિત હજારો બહેનો આ અભિાયનમાં જોડાઇને સ્વચ્છતાનાં સંકલ્પ લીધા હતા. તે વખતની તસ્વીર(તસ્વીર-અશોક બગથરીયા)

રાજકોટ,તા.૮: મહાનગરપાલિકા દ્વારા આજે સવારે ૧૦ વાગ્યે સમગ્ર રાજકોટ શહેરને આવરી લેતું એક સઘન સફાઈ અભિયાન યોજાયું હતું. આ મેગા સફાઈ અભિયાનની ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે તેમાં શહેરના માત્ર મહિલાઓ દ્વારા જ હાથ ધરવામાં આવેલ. આ આયોજન હેઠળ શહેરના તમામ ૧૮ વોર્ડમાં ૫૪ સ્થળોએ બહોળી સંખ્યામાં બહેનો અભિયાનમાં જોડાઈ રેકોર્ડ નોંધાવ્યો હતો.

મ્યુ.કોર્પોરેશનનાં મેગા સફાઇ અભિયાન  પ્રારંભ જી.ટી.શેઠ હાઇસ્કુલ કે.કે.વી. ચોકમાં  મેયર બિનાબેન આચાર્ય તથા કોટેચા ચોક વિસ્તારમાં  અંજલીબેન રૂપાણીએ  કરાવ્યો હતો. જયારે વોર્ડ નં.૧૩માં સ્વામિનારાયણ ચોક ખાતે ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરીયા, ગુંદાવાડી પોલીસ ચોકી, કેનાલ રોડ ખાતે ભૂતપૂર્વ મેયર શ્રી રક્ષાબેન બોળીયા, ગોવિંદ બાગ શાકમાર્કેટ ખાતે  નયનાબેન પેઢડીયા અને જયુબેલી રોડ. નાગરિક બેંક ચોક ખાતે  કાશ્મીરાબેને ઉપસ્થિત રહ્યા હતા. ૧૮ વોર્ડના ૫૪ સ્થળોએ હાથ ધરવામાં આવનાર આ અભિયાનમાં ભાગ લેનાર બહેનોએ સ્વચ્છતા સંકલ્પ પણ કર્યો હતો. આ અભિયાનમાં રઘુવંશી મહિલા મંડળ, પી.ડી.યુ. મેડીકલ કોલેજ કેમ્પસ, દીક્ષિતબેન મહિલા મંડળ,  સદગુરુ લોહાણા મહિલા મંડળ, પોલીસ મહિલા મંડળ, મોડલ સ્કુલ, સેવિકા મહિલા સમિતિ, રદ્યુવંશી સહિયર ગ્રુપ, બ્રહ્માકુમારીઝ ગાયકવાડી સેન્ટર, ન્યુ જાગનાથ બ્રહ્માકુમારીઝ સેન્ટર, લોહાણા મહિલા મંડળ, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, મહિલા મોરચા, કરણપરા મહિલા મંડળ, પંચશીલ બ્રહ્માકુમારીઝ સેન્ટર, ખોડલધામ, પતંજલિ યોગ સમિતિ, પદ્મકુંવરબા હોસ્પિટલ, ઝાલાવાડી મહિલા મંડળ, કેવડાવાડી અને બ્રહ્માકુમારીઝ સેન્ટર, વિરાણી બહેરા મૂંગા સ્કુલ, મૈત્રી મહિલા મંડળ, પતંજલિ મહિલા ગ્રુપ, મહિલા મિલન કલબ, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ, લાયન્સ કલબ, સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ, કણસાગરા મહિલા કોલેજ, આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ, ઉમિયા સમાજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ, કોર્પોરેશન સ્કુલ એન્ડ બોર્ડ, અવધપુરી બ્રહ્માકુમારીઝ સેન્ટર, ભોજલરામ બ્રમ્હાકુમારીઝ સેન્ટર, લુહાર જ્ઞાતિ મહિલા મંડળ તેમજ બ્રહ્માકુમારીઝ સેન્ટર ન્યુ ગોપવંદના ્રૂ કોઠારીયા વિગેરે સંસ્થાઓએ ભાગ લીધો હતો.

રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત શહેરની વિવિધ સરકારી કચેરીઓ જેવી કે રેલ્વે, કલેકટર ઓફીસ, બહુમાળી ભવન, પીજીવીસીએલ, પોલીસ કમિશનર કચેરી વિગેરેના મહિલા કર્મચારીઓ પણ આ અભિયાનમાં જોડાયા હતા.

 મેયર  બિનાબેન આચાર્યે એમ કહ્યું હતું કે, આપણા દ્યર સ્વચ્છ અને સુંદર રાખવામાં બહેનોની જ મુખ્ય ભૂમિકા હોય છે ત્યારે જો બહેનો ધારે તો સમગ્ર શહેર પણ સ્વચ્છ અને સુદ્યડ રાખવામાં અને તે માટેની જનજાગૃતિ કેળવવામાં પણ મહત્વનો ભાગ બજવી શકે એમ છે. થોડા સમય પૂર્વે જ દેશના માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમ કહ્યું હતું કે, રાજકોટ શહેર સૌથી સ્વચ્છ શહેર બની નંબર વન કેમ ણા બની શકે? તેમની આ ટકોર બાદ રાજકોટ શહેરે સ્વચ્છતા ક્ષેત્રે ખુબ સારી પ્રગતિ કરી છે અને અત્યારે આપણે દેશમાં બીજા ક્રમે પહોંચી ગયા છીએ ત્યારે હવે રાજકોટને નંબર વન બનવા આડે માત્ર એક જ કદમની દુરી છે.  આપણે એવું કહીએ છીએ અને સાંભળીએ પણ છીએ કે, જયાં સ્વચ્છતા ત્યાં લક્ષ્મી અને પ્રભુનો વાસ. રાજકોટમાં કાયમ માટે લક્ષ્મીજી અને પ્રભુનો વાસ બની રહે તે માટે સૌ બહેનો સમગ્ર રાજકોટ શહેરને વધુ ને વધુ જાગૃત કરે તેવા પ્રયાસો કરે તે જરૂરી છે. મારૂ એવું સ્પષ્ટ માનવું છે કે, જો બહેનો એક વખત ધારે તો ધાર્યા પરિણામો હાંસલ કરીને જ ઝંપે છે. હવે રાજકોટ શહેરનો લક્ષ્યાંક દેશમાં નંબર વન બનવાનો છે અને બહેનો સમગ્ર રાજકોટને આ મેગા અભિયાનમાં જોડીને એ લક્ષ્યાંક હાંસલ કરશે એવી મને શ્રધ્ધા છે.

ઈસ્ટઝોનમાં ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા વોર્ડ નં.૦૪, ૦૫ અને ૦૬ના તમામ પોઈન્ટ પર મુલાકાત લીધેલ. મેગા સફાઈ અભિયાનમાં બેહનોએ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. સેન્ટ્રલઝોનમાં દંડક અજયભાઈ પરમારે પણ જુદા જુદા પોઈન્ટસનુ મુલાકાત લીધેલ હતી.

 તમામ વોર્ડમાં સદ્યન સફાઈ અને લોકજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવેલ. જેમાં દરેક વોર્ડમાં ત્રણથી ચાર સ્થળે આ અભિયાન હેઠળ સ્વચ્છતા સંબંધી કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત, બહેનોએ ચા-પાનની દુકાને જઈ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા આગ્રહ કર્યો હતો. તેમજ શહેરના જે તે વોર્ડના હોકર્સ ઝોન, મુખ્ય ચોક, રસ્તાઓ ન્યુસન્સ પોઈન્ટ વગેરેને આ મેગા સફાઈ અભિયાનમાં આવરી લેવામાં આવ્યા હતા.

આ અભિયાનને સફળ બનાવવા સેનિટેશન ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓએ જેહમત ઉઠાવી હતી.

(3:18 pm IST)