રાજકોટ
News of Wednesday, 8th January 2020

અટિકાના કારખાનામાં મજાક-મજાકમાં ૧૯ વર્ષના પ્રિન્સે પંદર વર્ષના મિત્રના ગુદ્દામાં કમ્પ્રેશરથી હવા ભરી દીધી!

મુળ યુપીના તરૂણની હાલત બગડી જતાં તાત્કાલિક સારવાર માટે દાખલ કરવો પડ્યોઃ પ્રિન્સ પોતે સારવાર માટે લાવ્યોઃ તેણે કહ્યું પહેલા એણે મશ્કરી કરી પછી મેં પણ કરી

રાજકોટ તા. ૮: અટિકા વિસ્તારમાં આવેલા એક કારખાનામાં મુળ બિહારના ૧૯ વર્ષના યુવાને સાથે જ કામ કરતાં મુળ યુપીના તેના ૧૫ વર્ષના મિત્રના ગુદ્દા માર્ગે મજાક-મજાકમાં કારખાનાની સફાઇ માટે રાખેલા એર કમ્પ્રેશરની નળીથી હવા ભરી દેતાં આ તરૂણની હાલત ખરાબ થઇ જતાં તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.

કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રૂમ રાખી રહેતો ૧૫ વર્ષનો યુપીનો તરૂણ અટીકા વિસ્તારના દિશા પાવડર કોટીંગ નામના કારખાનામાં કામ કરે છે. અહિ પાવડરની સફાઇ માટે એરકમ્પ્રેશર રખાયું છે. આ તરૂણ સાથે બિહારની વતનો ૧૯ વર્ષનો પ્રિન્સ પણ સાથે કામ કરે છે. સાંજે સાડા છએક વાગ્યે બંને મિત્રો કામ કરતી વખતે મજાક-મશ્કરીએ ચડી ગયા હતાં. જેમાં પ્રિન્સે પાવડર સાફ કરવાના કમ્પ્રેશરની નળી ૧૫ વર્ષના મિત્રના ગુદ્દા માર્ગે રાખી  દઇ પ્રેશર આપતાં તરૂણની હાલત બગડી ગઇ હતી.

હવાના દબાણને કારણે તેનું મોઢુ ફુલાઇ ગયું હતું અને પેટમાં દુઃખાવો ઉપડી જતાં તરૂણ બૂમબરાડા પાડવા માંડ્યો હતો. તેને બીજા કર્મચારીઓ ભેગા થઇ જતાં અને શેઠ પણ દોડી આવતાં તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તબિબે એમએલસી કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ ભકિતનગર પોલીસને જાણ કરી હતી. પ્રિન્સ હોસ્પિટલમાં મિત્રની દેખરેખ માટે હાજર હતો. તેણે કહ્યું હતું કે પહેલા તેણે નળીથી મારા તરફ હવા ફેંકી હતી અને મશ્કરી કરી હતી. બાદમાં મેં પણ મજાક-મજાકમાં તેની બેઠકની પાછળ નળી રાખી દીધી હતી. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(1:14 pm IST)