રાજકોટ
News of Saturday, 7th December 2019

શ્રમયોગી સંમેલનઃ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ૬ લાખની આર્થિક સહાયના ચેકનું વિતરણ

રાજકોટઃ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ધી બોમ્બે લેબર વેલ્ફેર ફંડ એકટ ૧૯પ૩ની કલમ ૭ હેઠળ નિદિષ્ટિ કલ્યાણકારી પ્રવૃતિઓ સંંગઠીત ક્ષેત્રે કામ કરતા શ્રમયોગીઓ અને તેમના આશ્રીતો માટે હાથ ધરવામાં આવે છે તેના ભાગરૂપે હેમુ ગઢવી ઓડીટોરીયમ (નાટયગૃહ) રાજકોટ ખાતે શ્રમયોગી સંમેલન અને ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અંદાજે ૧૫૦૦ જેટલા  લાભાર્થીઓ હાજર રહયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત બોર્ડની વિવિધ યોજનાઓની માહીતી સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા સૌની સમક્ષ  રજુઆત કરવામાં આવી હતી. ઉપરાંત બોર્ડની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ૬ લાખની આર્થિક સહાયના ચેકોનું સીધુ વિતરણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં શ્રી સુનીલ સિંધી અધ્યક્ષશ્રી ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ અમદાવાદ, શ્રીમતી બીનાબેન આચાર્ય મેયર રાજકોટ મહાનગર પાલીકા, ધનસુખભાઇ ભંડેરી અધ્યક્ષશ્રી ગુજરાત મ્યુનિસીપલ નાણાકીય નિગમ,રમેશભાઇ ટીલાળા ચેરમેન વેરાવળ શાપર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન, બીપીનભાઇ હડવાળા પ્રમુખશ્રી લોધીકા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન, નરેન્દ્રભાઇ ઝિબ્બા વ્યવસ્થાપક ફુલછાબ ઉપરાંત શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન કીશોરભાઇ ટીલાળા, ડેપ્યુટી મેયર કંપની પ્રતિનિધિઓ, એચ.આર.મેનેજર તેમજ શ્રમયોગીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહયા હતા.

(4:18 pm IST)