રાજકોટ
News of Saturday, 7th December 2019

ભોગના નિમિતને પણ યોગનું આલંબન બનાવી લે, એ જ યોગીની અસ્મિતા : પૂ.પારસમુનિ

પૂ.પારસમુનિ મ.સા.ની જેતપુરમાં પધરામણી : બુધવાર સુધી સ્થિરતા

રાજકોટ, તા. ૭ : ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ. સા.ના સુશિષ્ય સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા. તા.૫ના બળવંતભાઈ ધામીની આગ્રહભરી વિનંતીને માન આપી તેના વિશાલ લોડ્ર્સ ગ્રીન વુડ્સ રીસોર્ટ - મલણકા શાસણગીરમાં પધારતા તથા મુંબઈ, અમદાવાદ, ચલાલા, વિસાવદર, સુરત વગેરે ગામોથી સાધકો પૂ. સદ્દગુરૂદેવના દર્શન - વંદન સત્સંગ અર્થે પધારેલ.

ત્યાંથી તા.૬ના આલિન્દ્રા ચૈતન્યધામ થઈને ગીરનાર પર્વતની તળેટીમાં ગોંડલ સંપ્રદાય સંરક્ષક સમિતિના સભ્ય સુરેશભાઈ કામદારના પ્રભુદર્શન ધ્યાનાલયમાં પધારતા તેઓ અતિ આનંદીત થયેલ.

પૂ.ગુરૂદેવે જણાવેલ કે ગીરનાર પર્વતની અલૌકિક અને અદ્વિતિય પોઝીટીવ એનર્જી આત્મા અને મનને શાંત, પ્રશાંત કરનારી છે. અવધૂત યોગીઓ અને અઘોર યોગીના તપથી સતત તપી રહી છે ભૂમિ. આ ભૂમિ પર બાવીસમાં જૈન તીર્થકર નેમનાથ ભગવાન થયા. તેમના સાધનાના પુનિત પરમાણુથી આ ભૂમિ પાવન - પવિત્ર બની છે. ગરવો ગઢ ગીરનાર - વાદળ સાથે વાતો કરે. ભૂમિનો સ્પર્શ માત્ર આત્મામાં સ્પંદનાઓ જગાડનાર છે. ગીર અને ગીરનારને જોતા લાગે કે પ્રકૃતિ સોળે શણગાર સજીને ખીલી ઉઠી છે. પ્રકૃતિની ગોદમાં આત્મા પરમાનંદને પામે છે.

આજે તા.૭ના શૈલેષભાઈ કનુભાઈ મહેતાના નિવાસસ્થાને રાજેશ્વરી સોસાયટી - જેતપુર પધારેલ. તા.૮ થી તા.૧૧ તપસ્વી માણેકચદજી ગુરૂદેવ સમાધિસ્થાન તપસીજીની ઓરડીએ જેતપુર બીરાજશે.

પૂ.ગુરૂદેવ જૂનાગઢ સંઘ પ્રમુખ લલીતભાઈ દોશી આદિ સમસ્ત કમીટીની ભાવભરી વિનંતી સ્વીકારી ૨૨ વર્ષે જગમાલ ચોક ઉપાશ્રયમાં આજે પધાર્યા અને પ્રવચન ફરમાવ્યુ. પૂ.ગુરૂદેવે જણાવ્યુ કે ૨૨ વર્ષ પૂર્વે આ ભૂમિ પર સંયમ સાધનાનું પ્રથમ પગથીયુ મંડાયુ હતું. આ એ ભૂમિ છે જયાં અમારા મિથ્યાત્વના તિમિર દૂર થયા હતા અને જ્ઞાનરૂપ પ્રકાશ અમને પ્રાપ્ત થયો હતો. આ ભુમિ સાથે અનેક સંસ્મરણો જોડાયેલા છે.

ભોગના નિમિતને પણ યોગનું આલંબન બનાવી લે એ જ યોગીની અસ્મિતા છે. સ્નેહરાગના કારણને પણ સ્વાનુરાગનો આધાર બનાવી લે, એ જ યોગીની સહજતા છે. વિશ્વમાં એવું કશુ જ નથી જે તમને આત્માનુભૂતિની દિશામાં આગેકૂચ ન કરાવી શકે. આ સત્યનું સમર્થન કરે તેનું નામ યોગી છે.

જોગી અને જતીઓની આ પવિત્ર ભૂમિમાં પ્રેમ, વાત્સલ્ય, પોતાના પણાની લાગણીઓને જન્મ આપી સૌ મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય, માધ્યસ્થ ભાવથી રહો એ આત્મ કલ્યાણ કરો.

(4:05 pm IST)