રાજકોટ
News of Saturday, 7th December 2019

'હમ કિસીસે કમ નહિં' : રાજકોટના થેલેસેમીયાગ્રસ્ત રાહુલ મલસાતરને દિવ્યાંગ સશકિતકરણ કેટેગરીમાં રાષ્ટ્રપતિચંદ્રક

રાજકોટઃ તા.૭, શારીરીક ક્ષતિને અવગણી સર્જનાત્મકતા પુરવાર કરવાનું દમદાર કાર્ય રાજકોટના થેલેસેમીયા પીડીત રાહુલ ભરતભાઇ મલસાતરે કરી બતાવી રાષ્ટ્રપતિ ચંદ્રક હાંસલ કરેલ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાહુલ અને તેના પિતાશ્રીએ ટીમ 'પ્રયાસ' તથા વિવેકાનંદ યુથ કલબના આગેવાનો સાથે જણાવેલ કે તાજેતરમાં દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતેના સમારોહમાં આ ચંદ્રક મહામહીમ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજી અને ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુજીના હસ્તે એનાયત થયો હતો.

મીનીસ્ટ્રી ઓફ સોશ્યલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ દ્રારા ''દિવ્યાંગ— સશકિતકરણ હેતુ રાષ્ટ્રીય  પુરસ્કાર-૨૦૧૯''દરવર્ષે અર્પણ થાય છે જે આ વર્ષે આદર્શ કર્મચારી તરીકે થેલેસેમીયા પીડીત યુવાન રાહુલ મલસાતરને અર્પણ કરાયો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતમાંથી ૮૫૦ જેટલા આવેદકમાંથી જયરી કમિટીએ રાહુલની પસંદગી કરી. આ અંગે રાજકોટની ૨૦૦ જેટલા દિવ્યાંગ બાળકોની સ્કૂલ ''પ્રયાશ સંસ્થાના પુજાબેન પટેલે પણ વિશેષ જહેમત ઉઠાવી હતી. રાજકોટના રોજગાર ખાતાએ પણ સુંદર સહકાર આપી રાહુલની ફાઈલ તૈયાર કરવામાં વિશેષ રસ દાખવ્યો હતો. થેલેસેમીયા પીડીત બાળકોના સર્વાંગી કલ્યાણ માટે છેલ્લા ર દાયકાથી સતત કાર્યરત વિવેકાનંદ યુથ કલબના અનુપમ દોશી, મિતલ ખેતાણી, ઉપેનભાઈ મોદી, હસુભાઈ રાચ્છ, રમેશભાઈ ઠકકર તેમજ સંસ્થાના માર્ગદર્શકો મુકેશભાઈ દોશી, સુનીલભાઈ વોરા, નલીનભાઈ તન્ના, ડો. રમેશભાઈ ભાયાણી, જીતુલભાઈ કોટેચા સહીતની  સાથી ટીમે પણ રાહુલ અને તેના સમગ્ર પરીવારને ખોબલે ખોબલે અભિનંદન આપ્યા છે.

 રાહુલનો જન્મ રાજકોટના ગરીબ કુટુંબમાં થયો પરંતુ કુદરતે જન્મતાની સાથે આનંદના તમામ રંગો છીનવી લીધા. ભગવાને રાહુલને થેલેસેમીયા રોગની ભેટ આપી. આજે ૨૪ વર્ષથી થેલેસેમીયા મહારોગથી રાહુલ સતત પીડાઈ છે.

 નાના એવા પરીવારમાં માતા રેખાબેન અને પિતા ભરતભાઈ તેમજ રાહુલના બે મોટા ભાઈઓ કશ્યમ અને રવી છે. પિતા ભરતભાઈ લોન્ડ્રી કામની આવકમાં દ્યરનું ગુજરાન ચલાવે છે. માત્ર ત્રણ મહિનાની નાની ઉમરમાં જ થેલેસેમીયા રોગ રાહુલને છે તેવો ખ્યાલ આવતા પરીવાર પર આપતીના આભ તુંટી પડયા. આમ છતાં રાહુલના   ગુરુ એવા રાહુલન પિતાશ્રીએ દ્યરના દરેક સભ્યને આવેલી આપતિને કુદરતની ભેટ સમજીને સ્વીકારી લેવા જણાવ્યું અને દ્યરના દરેક સભ્યે રાહુલનું પાલન પોષણ અન્ય બાળકોની જેમ જ કર્યું. વર્ષ ૨૦૦૧માં પ્રાથમીક શિક્ષણ મેળવવા માટે કિશોરસિંહજી પ્રાથમીક શાળા નં.૧, માં પ્રવેશ મેળવ્યો નબળાઇ ભુલીને ખુબ હિંમત દાખવી.

  પ્રાથમિક શિક્ષણ દરમ્યાન શાળામાં યોજાતા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના અન્ય બાળકોને ડાન્સ કરતા જોયા ત્યારે રાહુલ પણ મનમાં વિચાર આવ્યો કે હું પણ આવું 'કેમ ન કરી શકું',બીજા વર્ષે જયારે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ત્યારે રાહુલે શાળાના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને હરીફાઇમાં ભાગ લેવાન શરૂ કયું જેમા   ચિત્ર સ્પર્ધા, રાખડી સ્પર્ધા, ડાન્સ વિગેરે કાર્યક્રમમાં ભાગ લેવાનું શરૂ કર્યુ. તેમાયે ડાન્સમાં આગળ વધ્યો અને સફળતા મેળવતો ગયો.

 રાહુલ માત્ર એક સારો ડાન્સર જ નહી પરંતુ કોરીયોગ્રાફર પણ બની ગયો. છે. આ ડાન્સ કરવાના હુનરને કારણે જી-ટીવી માં 'ડાન્સ ઈન્ડીયા ડાન્સ-૨૦૧૧' સુધી જઈ કોરીયોગ્રપ્ફર  રેમો ડીસુઝા અને   ટેરેન્સને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે. અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પણ રાહુલને પ્રોત્સાહિત કર્યો છે.

રાજકોટના કલેકટર, મ્યુનીસીપલ કમિશ્નર તેમજ પોલીસ કમિશ્નર તથા પૂ. રમેશભાઈ ઓઝા અને સાંઈરામ દવે જેવા શ્રેષ્ઠીઓ, અધીકારીઓ, પદાધીકારીઓ, સંતોએ રૂબરૂ મળી પ્રોત્સાહિત કર્યો.

હાલમાં રાહુલ મ્યુનીસીપલ કોર્પોરેશન રાજકોટમાં સેનેટરી ઇન્સપેકટર તરીકે કાર્ય કરે છે. પોતાના પરીવારને નાણાકીય મદદ  પણ કરે છે. પોતે જે કંઇપણ છે અને ભવિષ્યમાં જે કંઇ બનશે તેનો સમગ્ર શ્રેય રાહુલ પોતાના પરીવારને આપે છે. 'અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી' તેમ મકકમ પણે રાહુલનું કહેવાનું છે. આગળ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને મળવાની દ્રઢ ઇચ્છા રાહુલે વ્યકત કરી છે.

રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા રાહુલ ભરતભાઈ મલસાતર (મો.૯૦૯૯૭૮૫૦૪૦)ની રૂબરૂ મુલાકાત સમયે તેના પિતા ભરતભાઈ મલસાતર, માતા રેખાબેન, ભાઈઓ કશ્યમ અને રવી, પરીવારજનો રણજીત રાજુભાઈ મલસાતર વિવેકાનંદ યુથ કલબના અનુપમ દોશી, મિતલ ખેતાણી, ઉપેનભાઈ મોદી, હસુભાઈ રાચ્છ, આ ચદ્રક મેળવવામાં જેમણે ખૂબ વિશેષ જહેમત ઉઠાવી છે તેવા પ્રયાસ સંસ્થાના પુજાબેન પટેલ, ભાસ્કરભાઈ પારેખ, ડો. રવી ધાનાણી, હસુભાઈ શાહ, દિનેશભાઈ ગોવાણી, પરીમલભાઈ જોષી, હિતેશ ખુશલાણી, પ્રદિપભાઈ જાની, ભનુભાઈ રાજગુરૂ સાથે રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:02 pm IST)