રાજકોટ
News of Saturday, 7th December 2019

પાનસૂરિયા અને અકબરી પરિવારનું સરાહનીય કાર્યઃ ચાંદલાની સંપૂર્ણ રકમ સદ્ભાવના વૃધ્ધાશ્રમના વૃધ્ધોને સમર્પિત

રાજકોટ,તા.૭: લગ્નપ્રસંગ કોઈપણ પરિવાર માટે કાયમનું સંભારણું બની રહેતું હોય છે. ત્યારે પાનસૂરિયા પરિવાર અને અકબરી પરિવાર દ્વારા પ્રેરણાદાયી અને સ્તુત્ય બની રહે તેવી અનોખી પહેલ કરવામાં આવી છે.

તાજેતરમાં જ રાજકોટ ખાતે સુરેશભાઈ મોહનભાઈ પાનસૂરિયાના પુત્ર તૃપલ અને અશોકભાઈ નાથાભાઈ અકબરીની પુત્રી શૈલાના શુભ પરિણય આયોજિત સત્કાર સમારંભ સમાજ અને માનવતા માટે અનુકરણીય અને પ્રેરણારૂપ બની રહેવા પામ્યો હતો. બંને પરિવારોની તેમજ નવદંપતિની મહેચ્છાથી આ પ્રસંગમાં પધારેલ મહેમાનોએ લખાવેલ ચાંદલાની પુરેપુરી રકમ ગુજરાતના સૌથી વિશાળ અને ૨૦૦થી વધુ વડિલોની સંખ્યા ધરાવતા રાજકોટના સદ્દભાવના વૃધ્ધાશ્રમને સમર્પિત કરી વડીલોના ખરા અર્થમાં આશિર્વાદ મેળવ્યા હતા.

આ તકે સદ્દભાવના વૃધ્ધાશ્રમ વિશે મહેમાનોને માહિતગાર કર્યા. જેના પરિણામ સ્વરૂપે મહેમાનોને ખ્યાલ આવ્યો કે પોતે લખાયેલ ચાંદલાની રકમ માનવસેવાના કાર્યમાં અર્પિત થવા જઈ રહી છે. ત્યારે પાનસૂરિયા પરિવાર અને અકબરી પરિવારના નિર્ણયને વધાવી લેતા મહેમાનોએ બમણી રકમના ચાંદલા તથા અનામી રકમ પણ ભેટ કરી. ચાંદલાની માતબર રકમની ભેટ સામે સદ્દભાવના વૃધ્ધાશ્રમના ટ્રસ્ટીઓએ બંને પરિવારના મોભીઓનો હૃદયપૂર્વક આભાર માની તેઓને આવા અનુકરણીય અને સરહાનીય પગલાં માટે સંસ્થા તરફથી મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા.

માનવજીવનની અંતિમ અવસ્થા એટલે વૃધ્ધાવસ્થા. આ અવસ્થામાં કોઈપણ વ્યકિત પ્રેમ- સ્નેહ, સહકાર અને સન્માનની ઝંખના રાખે છે. આવ નિસહાય, અશકત, બિમાર અને નિરાધાર વડિલો- વૃધ્ધો માટે રાજકોટ ખાતે વિજયભાઈ ડોબરિયાના પ્રમુખ સ્થાને ચાલતા સદ્દભાવના વૃધ્ધાશ્રમ દ્વારા અવિરત પણે માનવસેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

આ વૃધ્ધાશ્રમમાં નાત- જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરિયાતમંદ વૃધ્ધોને શ્રેષ્ઠ કક્ષાની તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં  આવે છે. જેમાં હવા- ઉજાસ સાથે વિશાળ રૂમ, વૃધ્ધોની સાર- સંભાળ માટે તાલીમબધ્ધ કેર- ટેકર, સવાર- બપોરે- સાંજ- રાતનું નાસ્તો અને સ્વાદિષ્ટ ભોજન, સ્વચ્છતા તો જાણે ઉડીને આંખે વળગે એવી. ટૂંકમાં ફાઈવસ્ટાર હોટલમાં મળતી તમામ સુવિધાની સમકક્ષ ફેસિલિટી થકી અહીં રહેતા તમામ વૃધ્ધોના મુખ પર અપાર આનંદ અને સંતોષપુર્ણ સ્મિત જોઈ શકાય છે. આવુ મધુર સ્મિત જોઈને મુલાકાતીઓની આંખો ગર્વ અને હર્ષથી છલકાય ઉઠે છે.

રાજકોટમાં આ પ્રકારનું ઉદાહરણરૂપ માનવસેવાનું કાર્ય બીજીવાર સમાજ સમક્ષ ઉભરીને આવ્યું છે. અગાઉ પણ આ રીતે નવદંપતીએ લગ્નમાં આવેલ ચાંદલાની માતબર રકમ સદભાવના વૃધ્ધાશ્રમના વડિલોને અર્પણ કરી ઐતિહાસિક અને પ્રેરણાદાયી પરિણય પ્રસંગ બનાવ્યો હતો.

(4:00 pm IST)