રાજકોટ
News of Saturday, 7th December 2019

૮૫ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે : ઉદ્યોગપતિ મયુરધ્વજસિંહ જાડેજા એકમાત્ર દાતા

ગુરૂવારે રાજકોટના આંગણે સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવ : ૮૫ દીકરીઓને લગ્નગ્રંથીથી જોડવાના સંકલ્પની સાથે દાતા મયુરધ્વજસિંહ જાડેજાના પણ લગ્ન યોજાશે : જાન સામૈયું, મહેમાનોનું સન્માન, સંતો-મહંતોના આશિર્વચન અને ભોજન સમારંભના પ્રસંગો ઉજવાશે : દશ હજારથી વધુ લોકો ભાગ લેશે : દરેક દીકરીને કરિયાવરની ભેટ અપાશે : સમાજ શ્રેષ્ઠીઓ, રાજકીય મહાનુભાવો, સર્વ સમાજના રાજેસ્વીરત્નો સહિત મોંઘેરા મહેમાનો ઉપસ્થિત રહેશે : આગામી તા.૧૨ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ રાજકોટના આંગણે ભવ્યાતિભવ્ય વિનામુલ્યે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું જે.એમ.જે. ગ્રૂપ દ્વારા અનેરૂ આયોજન

રાજકોટ, તા. ૭ : આજના મોંઘવારીના જમાનામાં એવા અનેક પરિવારો છે જેમને દીકરીઓના લગ્નનો સામાન્ય ખર્ચ પોષાય તેમ નથી. આવા પરીવારોની દીકરીઓનું ઘર વસાવવાનો અનોખો સંકલ્પ કર્યો છે. રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ જે.એમ.જે. ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજાએ તેઓ એકમાત્ર દાતા ઉપરાંત ૮૫ દીકરીઓને લગ્નગ્રંથીથી જોડવાના સંકલ્પની સાથે પોતે પણ પ્રભૂતામાં પગલા પાડી સમાજ માટે એક ઐતિહાસિક ઘટનાની દિશા કંડારી છે.

આજના મોંઘવારી અને મંદિના સમયમાં લગ્નનો પ્રસંગ ઉકેલવો એ જરૂરિયાતમંદ પરિવાર અને દરેક સમાજમાં માતાપિતા માટે પડકારરૂપ બની જાય છે. એ સમયે સમૂહલગ્નના આયોજનથી જરૂરિયાતમંદ લોકો માટે એક મોટો ખર્ચ બચી જાય છે અને તેઓ પણ પોતાના સંતાનોને ધામધૂમ પૂર્વક પરણાવી શકે છે. આગામી ૧૨ ડિસેમ્બર ૨૦૧૯ ને ગુરૂવારના રાજકોટના આંગણે ભવ્યાતિભવ્ય વિનામુલ્યે સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવનું અનેરૂ આયોજન થવા જઇ રહ્યું છે. જેનો સંપૂર્ણ શ્રેય જાય છે જે.એમ.જે ગ્રૂપ રાજકોટના શ્રી મયૂરધ્વજસિંહ એમ.જાડેજાને કે જેઓ આ સમૂહ લગ્નોત્સવના એકમાત્ર દાતા છે.

શ્રી મયૂરદ્વજસિંજ જાડેજાએ જણાવ્યું હતું કે, મેં એક સંકલ્પ કરેલો કે મારા લગ્નની સાથો સાથ સમાજની દીકરીઓ જેમના માતા-પિતાને લગ્નનો સામાન્ય ખર્ચ પણ પોસાય તેમ નથી તેવા પરિવારની દીકરીઓને સંસાર વસાવવામાં મદદરૂપ થવું જે મારી દ્રષ્ટીએ સૌથી શ્રેષ્ઠ સામાજિક કાર્ય છે. જે.એમ.જે.ગ્રૂપ રાજકોટ દ્વારા આયોજીત આ ભવ્યાતિભવ્ય વિનામુલ્યે સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભર માંથી ૮૫ લગ્નોત્સુક જોડાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તા.૧૨.૧૨.૨૦૧૯ ને ગુરૂવારે જાનનું આગમન અને સામૈયા, માનવંતા મહેમાનોનું સન્માન, કલાકે હસ્તમેળાપ, સંતો-મહંતોના આશિર્વચન અને ભોજન સમારંભ યોજાશે. જેમાં વર-કન્યા બંને પક્ષના દશ હજારથી વધુ લોકો ભાગ લેશે. દરેક દીકરીઓને જે.એમ.જે.ગ્રૂપ દ્વારા કરિયાવર અપાશે.

આ અવસરના આંગણે સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવના સાક્ષી બનવા આમંત્રીત રાજકીય મહાનુભાવો, સર્વ સમાજના રાજેસ્વીરત્નો, સમાજ શ્રેષ્ઠીઓ, સંતો-મહંતો સહિત અનેક માનવંતા-મોંઘેરા મહાનુભાવો મહેમાનો ઉપસ્થિત રહેશે.

શિવ માનવ સેવા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટની ટીમ દ્વારા આ ભવ્ય સમૂહ લગ્નસમારોહની વ્યવસ્થાની કામગીરીનો કાર્યભાર સંભાળાયો છે. સૌરાષ્ટ્રમાં ૮૫ દીકરીઓ એકસાથે સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં પ્રભૂતામાં પગલાં પાડશે તે પ્રથમવાર બની રહ્યું છે. તેમાંય એકમાત્ર દાતા હોય અને તે પણ આજ લગ્નોત્સવમાં લગ્નગ્રંથીથી જોડાશે તે વિરલ અને ઐતિહાસિક ઘટના છે. આ સમગ્ર કાર્યક્રમનો જીટીપીએલ પરથી લાઇવ ટેલિકાસ્ટ થશે જેનો આ દેશ સાક્ષી બનશે. (શ્રી મયુરધ્વજસિંહ જાડેજા - મો. ૯૫૩૭૯ ૦૦૦૭૭)

દીકરીઓને જે.એમ.જે. ગ્રુપ તરફથી અપાશે કરિયાવર

રાજકોટ : સોનાની બુટ્ટી, ચાંદીના સાંકળા, નાકની ચૂંક, લોખંડની સેટી, ખુરશી, કબાટ, ગાદલું, ઓસિકા.

આ ઉપરાંત સ્ટીલના બે ડબ્બા, સ્ટીલના લોટા, ભાતીયું, તપેલી, દૂધની પવાલી, ડીશ, કોઠી, ચા-ખાંડ ડબ્બા સેટ, બાથરૂમ સેટ, ચમચા-૬ સેટ, કાથરોટ, મીલકન, ગરણી, તાવિથો, સાણસી, ચીપીયો, તાંબાનો લોટા, કંકાવટી, જાકરિયો, કિટલી, ત્રાંસ, મસાલિયું, પવાલી, જગ, સ્ટીલની ડોલ, કડાઇ, સ્ટીલના બેડા, ટીનના તપેલા, કાંસાની થાળી, ટીનનો ડબ્બો, થાળી, વાટકા, ગ્લાસ અને ચમચી.

સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક શહેરો અને ગામડાઓમાંથી રજીસ્ટ્રેશન થયા

સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં રાજકોટ ઉપરાંત સુરત, તાપી, જુનાગઢ, અમદાવાદ, કચ્છ, પાલનપુર, અમરેલી, જામનગર, મોરબી, દ્વારકા, ચોટીલા, ભંડારિયા, વેજાગામ, બાંટવા, કપળવંજ, જસદણ, વિંછીયા, ગોંડલ, સરધાર, ચલાલા, ગડૂ, સુરેન્દ્રનગર, બગસરા, વાંકાનેર, દાદરાનગર, ભીપોર, મોટી મારડ, ધ્રોલ, કુવાડવા, જસાપર, રામોદ, ભેંસાણ, મસ્તતાબા, મોટી મારડ, નારીચાણા, ચાવંડ, આટકોટ, જાલણસર, ચણોણ, જીરાગઢ, ત્રાકુડા, ખાચરીયા, વનાળા ઉપરાંત અનેક ગામડાઓમાંથી પણ રજીસ્ટ્રેશન થયા છે.

આ સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં ખાસ કરીને પરિવારોની આર્થિક સ્થિતીને ધ્યાનમાં લેવાઇ હતી. જેથી એવા પરિવારો કે જેને સામાન્ય ખર્ચ પોષાય તેમ ન હોય તેને લાભ આપવાનો અમારો આ પ્રયાસ છે.

(1:04 pm IST)