રાજકોટ
News of Saturday, 7th December 2019

ત્રંબા પાસે રેકડીએ ઇંડા ખાવાના વારા બાબતે સાગર સરવૈયાને છરી ઝીંકાઇ

જયસુખ કોળી અને ભરત કોળી સામે ગુનો

રાજકોટ તા. ૭: ત્રંબા ગામ પાસે ખોડીયાર હોટલની પાછળ ઇંડાની રેકડીએ ઇંડા ખાવાના વારા બાબતે કોળી યુવાન પર બે શખ્સોએ છરી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કાળીપાટ ગામમાં પ્રાથમીક શાળાની બાજુમાં રહેતા સાગર બાબુભાઇ સરવૈયા (ઉ.વ. ર૩) રાત્રે ત્રંબા ગામ પાસે ખોડીયાર હોટલની પાછળ સલીમભાઇની ઇંડાની લારીએ નાસ્તો કરવા માટે ગયો હતો ત્યારે જયસુખ વલ્લભભાઇ કોળી અને ભરત રાઘવભાઇ કોળી બંને શખ્સો રેંકડીએ નાસતો કરવા આવ્યા હતા અને રેંકડીએ ઇંડા ખાવાના વારા બાબતે જયસુખ અને ભરતે ઝઘડો કરી સાગરને ગાળો આપતા બંનેને ગાળો આપવાની ના પાડતા બંને શખ્સોએ ઉશ્કેરાઇને સાગરને ઢીકાપાટુનો માર મારી સાગરને ડાબા ખંભા નીચે પડખામાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ જતા બંને શખ્સો ભાગી ગયા હતા. બાદ સાગરને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે આજીડેમ પોલીસે સાગરની ફરિયાદ પરથી જયસુખ અને ભરત વિરૂધ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ આર. જે. જાડેજાએ તપાસ હાથ ધરી છે. જયારે સામાપક્ષે જયસુખ વલ્લભભાઇ વાઢીયા (ઉ.વ.રપ) ને સાગર તથા અજાણ્યા શખ્સોએ પાઇપ વડે માર મારતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

(11:34 am IST)