રાજકોટ
News of Saturday, 7th December 2019

રેસકોર્ષ રીંગ રોડ આકર્ષક કલાત્મક લાઇટીંગથી ઝળહળશે : કેવડિયાનો નઝારો

ર૬મી જાન્યુઆરીએ રેસકોર્ષ રીંગ રોડ બ્યુટીફીકેશનના નવા પ્રોજેકટનો થશે પ્રારંભ : પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની ઉજવણીના ભાગરૂપે કોર્પોરેશન યોજશે જુના ગીતોની યાદગાર સંગીત સંધ્યાઃ મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ

રાજકોટ તા. પ : મ્યુ.કોર્પોરેશન દ્વારા આગામી ર૬મી જાન્યુઆરીથી રાજકોટમાં રાજયકક્ષાની ઉજવણીના ભાગરૂપે રેસકોર્ષરીંગ રોડના તદ્દન નવતર પ્રકારના બ્યુટીફીકેશન પ્રોજેકટનું ખાત મુહુર્ત કરવાનું તેમજ આ પ્રસંગે જુનાગીતોની યાદગાર સંગીત સંધ્યાના આયોજન સહિતના કાર્યક્રમોની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ અંગે મ્યુ.કમિશનર ઉદીત અગ્રવાલે વિસ્તૃત માહીતી આપતા જણાવ્યું હતું કે શહેરના હાર્દ સમા રેસકોર્ષ રીંગ રોડની ફરતે કેવડીયા કોલોનીમાં જે પ્રકારે આકર્ષક અને કલાત્મક લાઇટીંગનો અનેરો પ્રોજેકટ સાકાર કરવામાં આવશે.

આ પ્રોજેકટ અંતર્ગત રેસકોર્ષ રીંગ રોડની ફરતી બાજુએ ૯૦ જેટલા કલાત્મક લાઇટીંગ પોલ કાયમી ધોરણે ઉભા કરીને તેમાં રંગ-બે-રંગી કલાત્મક લાઇટીંગનો શણગાર કરવામાં આવશે.

શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે આ કલાત્મક લાઇટીંગ લોકોમાં જબરૂ આકર્ષણ જમાવશે તેનાથી શહેરની સુંદરતા નીખરી ઉઠશે રાત્રે રેકસોર્ષ રીંગ રોડ રંગ બે રંગી કલાત્મક લાઇટીંગથી હઝહળી ઉઠશે ત્યારે હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા કોલોનીમાં રાત્રે જે નઝારો જોવા મળે છે.તેવો નઝારો રેસકોર્ષ રીંગ રોડ પર જોવા મળશે.

આ પ્રોજેકટની ટેન્ડર પ્રક્રીયા-વર્કઓર્ડર વગેરેની ઝડપી પ્રક્રીયા હાથ ધરીને ર૬મી જાન્યુઆરી પછી કાયમી ધોરણે રેસકોર્ષ રીંગ આ કલાત્મક રંગ-બે-રંગી રોશનીથી ઝળહળતો રહે તે પ્રકારનું આયોજન હોવાનું શ્રી અગ્રવાલે જણાવ્યું હતું.

સંગીત સંધ્યા

આ ઉપરાંત ર૬મી જાન્યુઆરીની ઉજવણીના ભાગ રૂપે રેસકોર્ષ મેદાનમાં કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થિયેટર ખાતે જુના ગીતોની યાદગાર સંગીત સંધ્યાનું  પણ શહેરીજનો માટે આયોજન કરાયુંછે

આમ પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી માટે મ્યુ.કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાયાનું શ્રી અગ્રવાલે જણાવ્યું હતું.

(9:19 am IST)