રાજકોટ
News of Friday, 7th December 2018

રાજકોટ જિલ્લા પંચાયતમાં બિનખેતીનો મોટો 'ઘાણવો' નીકળે તે પહેલા સરકાર 'આંબી' ગઈ !

એન.ઓ.સી. પુરા થઈ ગયેલી ૫૦થી વધુ ફાઈલો કલેકટરને હવાલે કરી દેવી પડે તેવા સંજોગો : જસદણની ચૂંટણીની આચારસંહિતાના કારણે કારોબારી બોલાવવામાં વિલંબ થયોઃ આખી સમિતિનું આકર્ષણ જ એક ઝાટકે ઘટી ગયું

રાજકોટ, તા. ૭ :. રાજ્ય સરકારે તાલુકા-જિલ્લા પંચાયતોની કારોબારી પાસેની બિનખેતીની સત્તા છીનવીને કલેકટરને હવાલે કરવાનો નિર્ણય કરતા કારોબારી સમિતિની કામગીરી અને પ્રભાવમાં ધરખમ ફેરફાર આવશે. ઓન લાઈન પદ્ધતિમાં એન.ઓ.સી. ઓન લાઈન મેળવવાના હોય છે અને આખી પ્રક્રિયામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની કોઈ ભૂમિકા રહેતી નથી. રાજ્ય સરકારનો નિર્ણય રાજકોટ જિલ્લા પંચાયતની બહુ ચર્ચાસ્પદ બનેલી કારોબારી સમિતિને પણ લાગુ પડે છે. જિલ્લા પંચાયતમાં દિવાળી પહેલા મળેલી કારોબારી બેઠકમાં ૬૦ જેટલી ફાઈલોનો નિકાલ કરવામાં આવેલ. દિવાળી પછી તૂર્ત નવી કારોબારી બોલાવી બિનખેતીની ફાઈલોનો ઘાણવો કાઢવા હિલચાલ થયેલ એ જ અરસામાં જસદણની પેટાચૂંટણીની આચારસંહિતા લાગુ પડી ગયેલ. ૫૦થી વધુ ફાઈલો એન.ઓ.સી. પુરા થયા સાથે તૈયાર છે. આચારસંહિતા પછી તૂર્ત કારોબારી બેઠક બોલાવવાની વાત ચાલતી હતી ત્યાં જ આજે સરકારે કારોબારી પાસેથી બિનખેતીની સત્તા લઈ લેવાની જાહેરાત કરી છે. સરકારે જેમાં આખરી નિર્ણય ન લેવાયા હોય તે સિવાયની તમામ અરજીઓ કલેકટરના હવાલે કરવાનું જાહેર કર્યુ છે. તેનુ અર્થઘટન એવુ થાય છે કે, જિલ્લા પંચાયતમાં હાલ બિનખેતીની જેટલી ફાઈલો જે તબક્કે છે તે જ સ્થિતિમાં કલેકટરના હવાલે કરવાની રહેશે.  આગળની કાર્યવાહી ત્યાંથી જ થશે. પંચાયતનું તંત્ર જરૂર પડયે આ અંગે સરકાર પાસે વિગતવાર માર્ગદર્શન માગશે પરંતુ હવે કારોબારીના કારોબારમાં ધરખમ કાપ આવી ગયો છે તે હકીકત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા પંચાયતમાં ગયા જુલાઈ મહિનાથી ભાજપ પ્રેરીત કોંગ્રેસના બાગીઓનું શાસન છે. કારોબારીની બિનખેતીની પદ્ધતિ 'પ્રચલિત' છે. સરકારના પારદર્શક વહીવટ માટેના નિર્ણયને કારોબારીના અરજદારો આવકારી રહ્યા છે.

(4:05 pm IST)