રાજકોટ
News of Friday, 7th December 2018

ફરજ નિભાવનારાને 'ફર્જી' ઠરાવવાની મથામણ બંધ કરોઃ કડક પગલા બદલ રૂપાણીને અભિનંદન

લોકરક્ષક દળની પરીક્ષામાં ભ્રષ્ટાચારીઓના ઈરાદા પર રૂપાણી સરકારે પાણી ફેરવ્યું: કોંગ્રેસને અરીસો બતાવતા યુવા ભાજપ પ્રદેશ મહામંત્રી નેહલ શુકલ

રાજકોટ, તા. ૭ :. ગુજરાતભરમાં ભારે ચર્ચાસ્પદ લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં રાજકારણ ગરમાયુ છે ત્યારે ગુજરાત પ્રદેશ યુવા ભાજપે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારને ઝડપી પગલા અને આરોપીને પકડી પાડવા બદલ અભિનંદન પાઠવ્યુ છે.

યુવા ભાજપ પ્રદેશ મહામંત્રી ડો. નેહલ શુકલએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે કે, 'લોકરક્ષક દળ'ની ભરતી પરીક્ષાનું પેપર ફૂટવાની દુઃખદ ઘટના તાજેતરમાં બની અને ગુજરાતના વર્ષોથી વિપક્ષમાં રહેલા કોંગ્રેસના નેતાઓએ તેની ટીકા કરી, ત્યાં સુધી બરાબર હતું પરંતુ પછી કોંગ્રેસના નેતાઓને લાગ્યુ કે આમા સરકાર પર પણ ભ્રષ્ટાચારના આરોપો લગાવીને તેને કઠેડામાં ઉભી રાખીએ અને તેઓ દ્વારા જે નિરાધારા, પાયા વિહોણા આક્ષેપો ચાલુ થયા એટલે તેના સંપૂર્ણ સ્પષ્ટીકરણ અને કોંગ્રેસી મિત્રોને અરીસો બતાવ્યો છે.

નેહલ શુકલે વધુમાં જણાવ્યુ છે કે કોંગ્રેસના અગ્રણીઓ કહે છે કે, ભાજપાના કાર્યકરો આમા સંડોવાયેલા છે માટે ભાજપા જવાબદાર છે ત્યારે તેમને કહેવાનુ કે આ કૌભાંડને ભાજપાની રૂપાણી સરકારે જ દ્રઢ નિશ્ચિય અને ત્વરીત નિર્ણય શકિતથી અટકાવ્યો છે અન્ય કોઈએ નહિ અને ભાજપાના જે કાર્યકરો આમા સંડોવાયેલા છે તેને છાવરવામાં નથી આવ્યા પરંતુ કડક કાયદાકીય પગલા તો લીધા છે સાથોસાથ પક્ષની બહાર પણ કાઢી મુકયા છે.

નેહલ શુકલે જણાવ્યુ છે કે, આ  ઘટનામાં આરોપીઓને ત્વરીત ઝડપી લેવાયા અને મુખ્યમંત્રી પોતે દરેક ઘટનાની માહિતી લઈને પગલા લેવડાવે છે. અન્યથા નીચે કોંગ્રેસી રાજના પેપર લીકની ઘટનાઓ છે જેમાં આરોપીઓ આજ સુધી ઝડપાયા નથી. ૨૦૧૨માં બેંકની ભરતીની પરીક્ષાનું પેપર લીક - પરીક્ષા કેન્સલ - આરોપી પકડાયા નથી. ''ALL INDIA ENGINEERING ENTRANCE''  પેપર લીક - પરીક્ષા કેન્સલ કરી, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર દિવસો - મહિનાઓ સુધી આરોપી પકડાયા નહીં, મેડીકલ એઈમ્સની પરીક્ષાનું પેપર લીક - પરીક્ષા કેન્સલ - આરોપીઓ મહિનાઓ સુધી ન ઝડપાયા. આ સિવાય પંજાબ સરકારમાં એસએસસીના પેપર ફૂટી ગયા છે. કોઈ પણ સરકારે એક પણ વાર કોઈને આવવા જવાના ભાડા સરકાર તરફથી આપવામાં આવશે એવુ કીધુ નથી તેમ છતા મુખ્યમંત્રીએ ૬ જાન્યુઆરીએ ફરીથી લેનારી પરીક્ષાનુ ભાડુ રાજ્ય સરકાર આપશે તેવી સંવેદનશીલતા બતાવી છે. 'ફરજ' ઈમાનદારીથી નિભાવનાર રૂપાણી સરકારને 'ફર્જી' ઠરાવવા મથતા કોંગ્રેસી આ ઘટનાઓ પર પણ પ્રકાશ પાડશે તેવી ઠગારી આશા સાથે નેહલ શુકલએ આકરી ઝાટકણી કાઢી છે.(૩૭.૧૩)

 

(3:52 pm IST)