રાજકોટ
News of Friday, 7th December 2018

રાજારામ સોસાયટી શ્યામનગરમાં યુવતિનું તાવથી મોતઃ સ્વાઇન ફલૂના વધુ બે દર્દી પણ સામે આવ્યાઃ રાજકોટમાં કુલ ૩૮ મોત

રાજકોટ તા. ૬: રોગચાળો માથુ ઉંચકી રહ્યો છે ત્યારે સામા કાંઠે રાજારામ સોસાયટીમાં રહેતી અઢાર વર્ષની યુવતિને આજે તાવ ભરખી ગયો છે. બીજી તરફ સ્વાઇન ફલૂના પણ બે નવા દર્દી સામે આવ્યા છે.

જાણવા મળ્યા મુજબ રાજારામ સોસાયટી શ્યામનગર-૨માં રહેતી પાયલ રાવતભાઇ લોખીલ (ઉ.૧૮) નામની આહિર યુવતિ સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. મૃત્યુ પામનાર પાયલ બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી. તેના પિતા દુધનો વેપાર કરે છે. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યુ હતું કે ત્રણ-ચાર દિવસથી તાવ આવતો હોઇ દવા ચાલુ હતી. આજે તેણીએ દમ તોડી દીધો હતો. હેડકોન્સ. મગનભાઇએ કાર્યવાહી કરી હતી. બીસજી તરફ સ્વાઇન ફલૂના પણ વધુ  બે નવા દર્દી સામે આવ્યા છે. જેમાં મોવા મવા વિસ્તારના ૪૫ વર્ષના મહિલા અને રૈયા રોડ વિસ્તારના ૫૩ વર્ષના મહિલાના રિપોર્ટ પોઝિટીવ જાહેર થતાં બંને ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. અત્યાર સુધીમાં સ્વાઇન ફલૂથી રાજકોટની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં ૩૮ મોત થયા છે. જેમાં રાજકોટ ઉપરાંત બહારગામના દર્દીઓ પણ સામેલ છે. આજના દિવસે ખાનગી હોસ્પિટલોમાં પોઝિટીવ રિપોર્ટ ધરાવતાં ૬ દર્દી સારવાર હેઠળ છે. રોગચાળો વકરી રહ્યો છે ત્યારે આરોગ્ય તંત્ર ઉંઘ ઉડાડે તે જરૂરી છે.

(3:33 pm IST)