રાજકોટ
News of Friday, 7th December 2018

કેવડાવાડીમાં ગમે તેના વાહનો રોકી લુખ્ખાગીરી કરતાં રોશન નેપાળીને પોલીસે 'ખોખરો' કર્યો

રાજકોટ તા. ૬: કેવડાવાડી વિસ્તારમાં કેટલાક દિવસથી ગમે તેના વાહનો રોકી લુખ્ખાગીરી કરતાં નેપાળી શખ્સને આજે પોલીસે જાહેરમાં સરભરા કરી 'કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે' સુત્રની યાદ અપાવી દીધી હતી.

કેવડાવાડી વિસ્તારમાં કેટલાક દિવસોથી યાજ્ઞિક રોડ પર એકતા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેતો રોશન અમરસિંગ સોલંકી નામનો નેપાળી શખ્સ ગતે ત્યારે ગમે તેને અટકાવી લુખ્ખાગીરી કરતો હોવાની ફરિયાદો ઉઠી હતી. ગઇકાલે પણ આ શખ્સે કેવડાવાડી-૨માં ધમાલ મચાવી હતી અને મારામારી કરી હતી. જેમાં તેને પણ ટોળાએ ઢીબી નાંખ્યો હતો. પણ તે ગમે તેમ કરીને ત્યાંથી નીકળી ગયો હતો. બીજી તરફ આ મામલે ભકિતનગર પોલીસને જાણ થતાં એસીપી પ્રદિપસિંહ જાડેજાની સુચના હેઠળ પી.આઇ. વી. કે. ગઢવીની ટીમે રોશનને શોધી કાઢ્યો હતો અને બાદમાં તેને કેવડાવાડી બજારમાં લઇ જઇ આગવી ઢબે કાયદાનું ભાન કરાવ્યું હતું. રોશને હવે પોતે કોઇ દિવસ આ વિસ્તારમાં કે બીજે કયાંય લુખ્ખાગીરી નહિ કરે તેમ કરી હાથ જોડી માફી માંગી હતી. તસ્વીરમાં પી.આઇ. વી. કે. ગઢવી અને સ્ટાફ તથા માફી માંગતો નેપાળી શખ્સ જોઇ શકાય છે.

(3:33 pm IST)