રાજકોટ
News of Friday, 7th December 2018

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહઃ પ૦ હજાર છાત્રોને પદવી અને ૭ર તેજસ્વી વિદ્યાર્થીઓને સૂવર્ણ ચંદ્રક એનાયત

રાજયપાલ ઓમપ્રકાશ કોહલી, શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં યોજાશે કાર્યક્રમઃ કુલપતિ નીલાંબરીબેન દવેના નેતૃત્વમાં તૈયારીને આખરી ઓપ : લાઇવ પ્રસારણ થશે

રાજકોટ, તા. ૭ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પ૩મો પદવીદાન સમારંભ આવતીકાલે સવારે ૧૧:૩૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના  કુલાધિપતિશ્રી ઓમપ્રકાશ કોહલીજીના અધ્યક્ષસ્થાને, ગુજરાત શિક્ષણમંત્રીશ્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ખાસ ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧૪ વિદ્યાશાખાના ૪૯૮૮૮ દિક્ષાર્થીઓને પદવીઓ તથા ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે. આ પદવીદાન સમારંભમાં કુલ ર૮પ૮ વિદ્યાર્થીઓ રૂબરૂ ઉપસ્થિત રહી પદવી મેળનાર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ૩મા પદવીદાન સમારોહમાં ડાયસ પર બિરાજમાન સૌ મહેમાનો ભારતીય પરંપરા મુજબના પરિધાનમાં સજ્જ થઇ પદવીદાન સમારોહમાં ભાગ લેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનારા પ૩માં પદવીદાન સમારંભનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટરના ડાયેકટરશ્રી પીયુશભાઇ ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ વેબકાસ્ટીંગ કરવામાં આવશે જેની લીક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેબસાઇટ www.saurastrauniversity.edu.. પર મુકવામાં આવનાર છે.

જે વિદ્યાર્થીઓ પદવીદાન સમારંભમાં રૂબરૂ હાજર રહી પદવી પ્રમાણપત્ર લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ નથી/કરાવી શકેલ નથી તેવા વિદ્યાર્થીઓ તેમના વાલીઓ તથા સંબંધકર્તાઓને પદવીદાન સમારંભનું ઓનલાઇન વેબકાસ્ટીંગનો લાભ લેવા અનુરોધ છે.

પદવીદાન સમારંભ પૂર્ણ થયા બાદ રૂબરૂ પદવીઓ મેળવનાર વિદ્યાર્થીઓને સરળતાથી પદવીઓ મળી શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાર્યક્રમના સ્થળે ૧૩ ડીગ્રી વિતરણ માટેના કાઉન્ટરો શરૂ કરવામાં આવેલ છે.

સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડીકલ કોલેજના વિદ્યાર્થી ઘાંચી ગજાલા મહોમ્મદ હનીફને થર્ડ એમ.બી.બી.એસ.માં સૌથી વધુ ૯(નવ) ગોલ્ડમેડલ એનાયત થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિશ્રી પ્રો. નીલાંબરીબેન દવે તથા કુલસચિવશ્રી ડો. ધીરેનભાઇ પંડયાના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પરિવાર પ૩માં પદવીદાન સમારોહના કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યરત છે. (૮.૧૪)

(3:31 pm IST)