રાજકોટ
News of Friday, 7th December 2018

મઢી ચોકમાં સાઇડ આપવાનું શરૂ થતા વેપારીઓની માઠીઃ બંધ-સુત્રોચ્ચાર

વર્ષો થયા અહિ ટ્રાફિક સિગ્નલની જરૂર પડી નથી, દરરોજ સવારથી મોડી સાંજ સુધી દૂકાનો આગળ વાહનોની કતારોઃ ગ્રાહકોની અવર-જવર બિલ્કુલ ઠપ્પઃ શાળાના છાત્રો, એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકની અંધાધૂંધીમાં ફસાઇ જાય છેઃ વેપારીઓની હાલત 'જાયે તો જાયે કહાં' જેવી : સીપી-જેસીપીને રજૂઆતઃ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીએ વેપારીઓની રજૂઆત સાંભળી ઉકેલ લાવવાની ખાત્રી આપી : ચોકમાં સાઇડ આપવાનું શરૂ થતાં શેરીઓ ગલીઓમાં ટ્રાફિક સમસ્યા વકરીઃ વાહનોની અવર-જવર રહેણાંક વિસ્તારમાં વધી જતાં રહેવાસીઓમાં સતત અકસ્માતનો ભય

મઢી ચોકમાં સાઇડ આપવાનું શરૂ, વેપાર-ધંધા બંધ...શહેરના હનુમાન મઢી ચોકમાં સિગ્નલો ચાલુ કરી સાઇડ આપવાનું શરૂ થતાં ચારેય તરફ વાહનોની લાંબી કતારો જામતાં રસ્તાને અડીને જ દૂકાનો ધરાવતાં વેપારીઓના વેપાર ધંધાને માઠી અસર ઉભી થઇ છે. સતત વાહનોની કતારો દૂકાનની સામે જ હોવાથી ગ્રાહકોની અવર-જવર ઠપ્પ થઇ ગઇ છે. આ કારણે આજે રોષે ભરાયેલા વેપારીઓએ બંધ પાળ્યો હતો અને 'સાઇડ આપવાનું બંધ કરો, વેપારીઓની લાગણી સમજો' એવા સુત્રોચ્ચાર કર્યા હતાં અને પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નરશ્રી સિધ્ધાર્થ ખત્રીને રૂબરૂ મળી સાઇડ આપવાનું બંધ કરવામાં આવે તે અંગેની વિસ્તૃત કારણો-તારણો સાથેની રજૂઆત કરી હતી. બંને અધિકારીશ્રીઓએ વેપારીઓની આ સમસ્યાના નિવારણની કાર્યવાહી તાકીદે થશે તે માટેની ખાત્રી આપી હતી. તસ્વીરમાં બંધ દૂકાનો, સુત્રોચ્ચાર કરતાં વેપારીઓ, ટ્રાફિકની અંધાધૂંધી અને છેલ્લે આવેદન સ્વીકારતાં શ્રી અગ્રવાલ અને શ્રી ખત્રી જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬: શહેરના હાર્દ સમા રૈયા રોડ હનુમાન મઢી ચોકમાં અચાનક જ ટ્રાફિક સિગ્નલો ચાલુ કરી સાઇડ આપવાનું શરૂ કરવામાં આવતાં ચોકના વેપારીઓમાં દેકારો મચી ગયો છે. સવારથી સાંજ સુધી સતત વાહનોની કતારો જામતી હોવાથી અંધાધૂંધી સર્જાય છે. દૂકાનો આગળ જ વાહનો ઉભા રહી જતાં હોવાથી ગ્રાહકોની અવર-જવર સદંતર ઠપ્પ થઇ ગઇ છે. આ કારણે વેપારીઓના ધંધાને માઠી અસર પડી છે. સાઇડ આપવાનું બંધ કરવાની માંગણી સાથે આજે સવારે મઢી ચોકના વેપારીઓએ બંધ પાળ્યો હતો અને સુત્રોચ્ચાર કરી પોલીસ કમિશ્નર તથા જોઇન્ટ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. બંને અધિકારીઓએ વેપારીઓની સમસ્યાને શાંતિથી સાંભળી હતી અને આ મામલે તાકીદે નિવેડો લાવવા રસ્તો કાઢવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.

મઢી ચોક સમસ્ત વેપારી મંડળે આવેદન પત્રમાં જણાવ્યું છે કે આ ચોકમાં કેટલાક સમય પહેલા સાઇડ આપવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. જે થોડો સમય બંધ રહ્યું હતું. હવે ફરીથી સવારે અને સાંજના સમયે સાઇડ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ કારણોસર ટ્રાફિક સમસ્યા હલ થવાને બદલે વધુને વધુ  વકરી ગઇ છે. હનુમાન મઢી ચોકના ચાર રસ્તા એવા છે જ્યાં આટલા વર્ષોમાં કદી પણ સાઇડ આપવામાં આવી નથી. સ્વચારૂ ટ્રાફિક વ્યવસ્થા આપમેળે જળવાતી આવી છે અને આટલા વર્ષમાં કદી પણ આ ચોકમાં કોઇ અકસ્માતનો બનાવ પણ બન્યો નથી.

સાઇડ આપવાનું શરૂ કરવાને કારણે વાહનોની લાંબી કતારો જામી જાય છે. જેના કારણે ટ્રાફિક જામ સર્જાય છે અને અંધાધૂંધીના દ્રશ્યો ઉભા થાય છે. ખાસ કરીને સવારના દસથી બાર અને સાંજે સાડા પાંચથી આઠ સુધી સાઇડ ચાલુ રાખવાને કારણે વાહનચાલકો અને શાળાના છાત્રો રીતસર ફસાઇ જાય છે. હનુમાન મઢી ચોકના મંગલેશ્વર મહાદેવ મંદિર પાછળની દૂકાનોવાળો રસ્તો એકદમ સાંકડો છે. અહિથી નજીકમાં જ શાળા છે અને સવાર-બપોર-સાંજે છાત્રો સાઇકલ લઇને આવ-જા કરે છે. સાઇડ આપવાને કારણે મોટા વાહનોની વચ્ચે આ છાત્રો ફસાઇ જાય છે. કેટલીક વખત તો છાત્રો રિતસર રડવા માંડે છે.

મોટી સીટી બસો તથા અન્ય ફોર વ્હીલર્સની સતત આવ-જા અહિથી થાય છે. એરપોર્ટ તરફ આવ-જા કરતાં વાહનો પણ અહિથી નીકળે છે. સહિતના વાહનો આ સાંકડા રસ્તા પર છેક છોટુનગર હોલ સુધી લાઇન લગાવે છે. આ કારણે આજુબાજુની શેરીઓના રહેવાસીઓ પણ ફસાઇ જાય છે. દૂકાનો પાસે જ વાહનો ઉભા રહી જતાં હોઇ ગ્રાહકોની આવ-જા સદંતર બંધ થઇ ગઇ છે. આ કારણે વેપાર-ધંધાને માઠી અસર ઉભી થઇ છે.

આ જ રીતે હનુમાનજી મંદિરથી ભગવતી હોલ તરફ જતાં રસ્તા પર પણ સાઇડ આપવાને કારણે અનેક દૂકાનોની આગળ જ વાહનોની કતાર જામી જાય છે.

જેથી આ દૂકાનદારોના વેપાર ધંધા પર માઠી અસર ઉભી થઇ છે. એ જ રીતે અંબીકા પાર્કથી મઢી ચોક તરફ આવતાં અને મઢી ચોકથી નિર્મલા રોડ તરફ જતાં રસ્તા ઉપર પણ સાઇડ આપવાને કારણે વાહનોની લાંબી કતારો જામે છે અને આની સીધી અસર આ રોડના દૂકાનદારોના વેપાર પર પડી રહી છે. ગ્રાહકો દૂકાન સુધી પહોંચી શકતા નથી. કારણ કે સતત સાઇડ અપાતી હોવાથી વાહનો દૂકાનોની આગળ જ ઉભા હોય છે. એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઇ જાય છે. આ ચોકમાં કદી સાઇડ આપવામાં આવી નથી. વારે તહેવારે જરૂરિયાત મુજબ સાઇડ અપાય તે જુદી વાત છે. પણ કાયમી ધોરણે સાઇડ આપવાને કારણે દૂકાનદારોની દૂકાનો સામે જ સતત વાહનોની કતારો જામતી હોઇ ધંધા બંધ થઇ ગયા છે.

આ સમસ્યાને અત્યંત ગંભીર ગણી વેપારી મંડળની સમસ્યાને આપ અધિકારીશ્રીઓ વાચા આપો અને જરૂર પડ્યે ઉચ્ચ કક્ષાએ વેપારીઓનો આ પ્રશ્ન પહોંચાડો તેવી લાગણી, માંગણી અને નમ્ર અરજ છે. હનુમાન મઢી ચોકના વેપારીઓ શાંતિપ્રિય અને કાયદાનું પાલન કરવામાં માનનારા છે. ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય તે માટે વેપારીઓ સતત જાગૃત રહે છે. ત્યારે સાઇડ આપવાનું તાત્કાલીક ધોરણે બંધ કરવામાં આવે તે અત્યંત જરૂરી હોવાનું વેપારીઓએ રજૂઆતના અંતે જણાવ્યું છે.

પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી સિધ્ધાર્થ ખત્રીએ વેપારીઓને શાંતિપૂર્વક સાંભળ્યા હતાં અને ટ્રાફિક બ્રાંચના એસીપી શ્રી ઝાલાને પણ રૂબરૂ બોલાવી સલાહ મસલતો કરી હતી. વેપારીઓની સમસ્યાનું ઝડપથી નિવારણ કરવા કાર્યવાહી થશે તેવી ખાત્રી અપાઇ હતી.

(3:56 pm IST)