રાજકોટ
News of Friday, 7th December 2018

સરકાર કરતા રામ મંદિર વધારે મહત્વનું: રમેશભાઇ શુકલ

રવિવારથી પ્રભાસ પાટણમાં ક્ષત્રિય કારડિયા રાજપૂત સમસ્ત ડોડિયા પરિવાર દ્વારા ભાગવત કથા : હનુમાનજી અંગે યોગીજીથી ભૂલ થઇ હોય તો માફી માંગી લેવી જોઇએઃ રાહુલ ગાંધીએ સોમનાથ મંદિર મુલાકાત વખતે પોતાનો ધર્મ ખ્રિસ્તી લખાવ્યો હતો, હવે ખુદને બ્રાહ્મણ કહે છે... આને કાચીંડાવૃતિ કહેવાય : કથામાં કારડિયા રાજપૂત સમાજનાં ૧૦ હજાર પરિવારો ઉમટશે : તા.૯ના ડોડિયા પરિવાર દ્વારા સોમનાથ મહાદેવની ધ્વજારોહણ થશે : પૂ.રમેશભાઇ શુકલના વ્યાસાસને ૬૫૮મી કથા યોજાશેઃ સોમનાથ ક્ષેત્રમાં તેઓની ૧૮મી કથાઃ કથા પૂર્વે તા.૮ના વિશ્વ હિન્દુ પરિષદની સભાને સંબોધશે

'અકિલા'ના એકઝીકયુટીવ એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રા સાથે પાલીતાણા કાલ ભૈરવ પીઠના પૂ. રમેશભાઇ શુકલ નજરે પડે છે. આ પ્રસંગે જીજ્ઞેશભાઇ કંસારા તથા રામદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહયા હતા

રાજકોટ તા.૭: પાલીતાણા કાલભૈરવ પીઠના પૂ. રમેશભાઇ શુકલના વ્યાસાસને શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત સમસ્ત ડોડિયા પરિવાર દ્વારા ગીર સોમનાથના પ્રભાસ પાટણ ખાતે રવિવારથી ભાગવત કથાનું આયોજન થયું છે.

પૂ. રમેશભાઇ આજે ''અકિલા''ની મુલાકાતે પધાર્યા હતા અને સત્સંગ કર્યો હતો. તેઓ શ્રીએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે કોર્ટમાં કેસ ચાલે છે. સોમનાથ મંદિર ગનીએ તોડયું હતંુ, બાદમાં સરદાર પટેલ નિમિત બનેલા અને સરકારે ભવ્ય મંદિરનો પાયો નાખેલો. આ રીતે અયોધ્યાનું રામ મંદિર બાબરે તોડેલું. હવે સરકારે ''સરદાર'' બનવું જોઇએ. શ્રી શુકલજીએ જણાવ્યું હતું કે, સરકાર જાય તો જાય, સરકાર કરતા રામ મંદિર વધારે મહત્વનું છે.

હનુમાનજીની જાતિના વિવાદ અંગે પૂ. રમેશભાઇએ કહયું હતું કે, યોગી આદિત્યનાથજીથી આ મામલે ભૂલ થઇ ગઇ હોય તો માફી માંગીને પ્રકરણ પુરૂ કરવું જોઇએ.

રાહુલ ગાંધી બ્રાહ્મણ હોવા અંગે પૂ. રમેશભાઇ કહે છે કે, આ માણસે સોમનાથ મંદિરમાં એન્ટ્રી-ડાયરીમાં પોતાનો ધર્મ ખ્રિસ્તી લખાવ્યો છે, હવે ખુદને હિન્દુ-બ્રાહ્મણ કહે છે. આવા માણસોને કાચિંડાવૃતિમાં ગણી શકાય.

પૂ. રમેશભાઇએ કહયું હતું કે, જ્ઞાતિ સંગઠનો જરૂરી છે, પણ જ્ઞાતિવાદનો નશો વિનાશકારી છે. આપણે તેનાથી દૂર રહેવું જોઇએ. હિન્દુ સમાજ ગૌ -ગંગા-ગીતા-ગાયત્રી-ગુરૂ-ગોપાલ અને ગૌરીને ભુલ્યો અન પિત્ઝામાં અટવાયો ત્યારથી પરેશાન થયો છે.

પૂ. રમેશભાઇ આગામી તા.૮ના વેરાવળ ખાતે વિશ્વ હિન્દુ પરિષદની વિરાટ સભાને સંબોધન કરનાર છે. બાદમાં તા.૯થી ભાગવત કથાનું વ્યાસપીઠ શોભાવી ભકિતરસ વહાવશે. પ્રભાસ પાટણમાં રણજિતસિંહજીદાદાના સાનિધ્યમાં બિલ્વવનની બાજુમાં કોડીનાર હાઇવે પાસે વિરાટ કથાનું આયોજન થયું છે. કારડિયા રાજપૂત સમાજના ૧૦,૦૦૦ પરિવારો કથામાં પધારશે. રાજયપાલ વજુભાઇ વાળા પણ ઉપસ્થિત રહેનાર છે.

પૂ. રમેશભાઇના વ્યાસાસને આ ૬૫૮મી ભાવગત કથા યોજાશે. ઉપરાંત સોમનાથ ક્ષેત્રમાં તેઓની ૧૮મી કથા થશે. તા.૧૩મીએ કથામાં ભવ્ય નંદ મહોત્સવ ઉજવાશે. તા.૧૫ના કથા વિરામ થશે. તા.૧૬ના રવિવારે પિતૃ નારાયણ યજ્ઞનું આયોજન થયું છે. તા.૮ના કથા પ્રારંભ પૂર્વે યુવાનોની બાઇક રેલી તથા તા.૯ના ડોડિયા પરિવાર દ્વારા સોમનાથ મંદિરે ધ્વજારોહણ થશે. સમગ્ર આયોજનની તૈયારી ઉત્સાહભેર ચાલી રહી છે.(૧.૨૧)

(3:26 pm IST)