રાજકોટ
News of Friday, 7th December 2018

રેલનગરનો જમીન-મકાનનો ધંધાર્થી અજયસિંહ ઉર્ફ રિસ્કીભાણૂ પિસ્તોલ તથા કાર્ટીસ સાથે પકડાયો

એસઓજીના આર. કે. જાડેજા તથા ક્રિપાલસિંહ અને નરેન્દ્ર ગઢવીની બાતમીઃ પૈસાની લેતીદેતી માટે માથાકુટ ચાલતી હોવાથી ગોંડલ તરફથી લાવ્યાનું રટણ

રાજકોટ તા. ૬: એસઓજીએ વધુ એક ગેરકાયદેસર હથીયાર કબ્જે કર્યુ છે. હેડકોન્સ. આર. કે. જાડેજા સહિતની બાતમીને આધારે રેલનગર સાઇબાબા સોસાયટી સામે ગંગોત્રી પાર્કમાં 'આશાપુરા કૃપા' ખાતે રહેતાં જમીન-મકાનના ધંધાર્થી અજયસિંહ ઉર્ફ રિસ્કીભાણુ કનકસિંહ જાડેજા (ઉ.૨૩)ને રૂ. ૧૦ હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ તથા બે જીવતા કાર્ટીસ સાથે કાલાવડ રોડ શ્રીજી હોટેલ પાસેથી પકડી લેવાયો છે.

અજયસિંહ ઉર્ફ રિસ્કીભાણુ સામે ડીસીબી પોલીસ મથકમાં આર્મ્સ એકટની કલમ ૨૫ (૧) બ-એ મુજબ કોન્સ. બ્રિજરાજસિંહ ઝાલાની ફરિયાદ પરથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આર. કે. જાડેજા, ક્રિપાલસિંહ ચુડાસમા અને નરેન્દ્રભાઇ ગઢવીને બાતમી મળી હતી કે અજયસિંહ કુવાડવા રોડ શ્રીજી હોટલ પાસે હથીયાર સાથે ઉભો છે. તેના આધારે તેને સકંજામાં લઇ તલાશી લેતાં બે જીવતા કાર્ટીસ અને પિસ્તોલ મળતાં ધરપકડ કરી હતી.

પ્રાથમિક પુછતાછમાં આ શખ્સે એવું જણાવ્યું છે કે પૈસા બાબતે કેટલાક શખ્સો સાથે માથાકુટ ચાલે છે અને પોતાને સતત ધમકી મળતી હોવાથી આ હથીયાર સાથે રાખતો હતો. ગોંડલ તરફથી લાવ્યાનું રટણ કરતો હોઇ સાચી વિગતો ઓકાવવા રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના અને પી.આઇ. એસ. એન. ગડ્ડુની રાહબરી હેઠળ પીએસઆઇ ઓ. પી. સિસોદીયા, એચ. એમ. રાણા, આર. કે. જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાણા, મનરૂપગીરી ગોસ્વામી, ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ, નરેન્દ્રભાઇ, બ્રિજરાજસિંહ, યુવરાજસિંહ જાડેજા, અનિલસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ પરમાર, જયંતિગીરી ગોસ્વામી સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

તસ્વીરમાં એસઓજી પીઆઇ એસ. એન. ગડ્ડુ અને ટીમ તથા જપ્ત થયેલુ હથીયાર, કાર્ટીસ અને પકડાયેલો શખ્સ જોઇ શકાય છે.

(11:48 am IST)