રાજકોટ
News of Thursday, 6th December 2018

રૈયાધાર પીપીપી આવાસ યોજનાના ૯મા માળેથી પટકાતા ૬૫ વર્ષના માણસુરભાઇ વાળાનું મોત

વણકર વૃધ્ધે પડતું મુકયું કે અકસ્માતે પડી ગયા? તે અંગે તપાસઃ નીચે પાર્ક કરાયેલી કાર પર પડતાં કારમાં પણ ભારે નુકસાન

રાજકોટ તા. ૬: રૈયાધાર પાસે પીપીપી આવાસ યોજના અંતર્ગત બનેલા બાર માળના  કવાર્ટરમાં નવા માળેથી પટકાતાં વણકર વૃધ્ધનું મોત નિપજ્યું છે. આ વૃધ્ધ નીચે પાર્ક કરાયેલી કારના આગળના ભાગ પર પડતાં કારનો પણ બૂકડો બોલી ગયો હતો. વૃધ્ધે કોઇ કારણોસર પડતું મુકયું કે પછી અકસ્માતે પટકાયા? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવથી વણકર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

બપોરે પોણા ત્રણેક વાગ્યે આ બનાવ બન્યાનું જાણવા મળે છે. મૃત્યુ પામનાર વૃધ્ધનું નામ માણસુરભાઇ હમીરભાઇ વાળા (ઉ.૬૫) છે. તેઓ આ ટાઉનશીપમાં જ બ્લોક એ-માં નવમા માળે રહેતાં હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ૧૦૮ના ઇએમટી સુધીરભાઇ તથા પાઇલોટ પહોંચ્યા હતાં. પણ વૃધ્ધ મૃત્યુ પામ્યાનું જણાયું હોઇ યુનિવર્સિટી પોલીસને જાણ કરી છે.

તસ્વીરમાં જ્યાં ઘટના બની તે બિલ્ડીંગ, વૃધ્ધનો મૃતદેહ, જે કાર પર પટકાયા તે કાર અને એકઠા થયેલા લોકો અને ૧૦૮ જોઇ શકાય છે. (૧૪.૧૩)

 

(4:23 pm IST)