રાજકોટ
News of Thursday, 6th December 2018

બી.પી.એલ. કાર્ડ ધારકોને માહિતી અધિકાર હેઠળની અરજીમાં ફી મુકિત નહિ

બી.પી.એલ. રેશનકાર્ડ માત્ર અનાજ મેળવવા માટે જઃ સરકારનો પરિપત્ર

રાજકોટ તા.૬ : માહિતી અધિકાર હેઠળ માહિતી મેળવવા અરજદાર દ્વારા કરાતી અરજી વખતે બી.પી.એલ. રેશનકાર્ડ ધારક માટેની ફી બાબતે સરકારે સ્પષ્ટતા કરી છે. ગઇકાલે પ ડીસેમ્બરે સામાન્ય વહીવટ વિભાગના સંયુકત સચિવ કે.એસ. પ્રજાપતિએ આ અંગે પરિપત્ર પ્રસિદ્ધ કરેલ છે.

પરિપત્રમાં જણાવાયું છે કે અમુક અરજદારો દ્વારા માહિતીનો અધિકાર અધિનિમય-૨૦૦૫ હેઠળ માહિતી મેળવવા કરાતી અરજીઓ સાથે બી.પી.એલ. રેશનકાર્ડની નકલ જોડવામાં આવે છે અને તેના આધારે અરજી ફી તથા નકલ ફી માંથી મુકિત મેળવવામાં આવે છે. અધિનિયમમાં ફકત ગરીબી રેખા કાર્ડ (બી.પી.એલ.કાર્ડ) ધારક ને જ કોઇપણ પ્રકારની ફી માંથી મુકિત આપવા જોગવાઇ કરવામાં આવેલ છે, જેને કારણે જાહેર માહિતી અધિકારીઓ તથા અરજદારો દ્વિધા અનુભવે છે. આ પ્રકારની રજુઆતોને ધ્યાને રાખી, માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ અન્વયે અરજદાર દ્વારા માહિતી મેળવવા માટે અરજી સાથે બી.પી.એલ. રેશનકાર્ડ રજુ કરે ત્યારે નીચે મુજબની માર્ગદર્શક સુચના ધ્યાન લેવા વિનંતી છે.

'બી.પી.એલ. રેશનકાર્ડ ફકત અનાજ મેળવવાના હેતુસર જ કાઢી આપવામાં આવેલ હોઇ, માહિતી અધિકારી અધિનિયમની જોગવાઇ મુજબ માહિતી મેળવવા માટે કરવામાં આવતી અરજીઓ સાથે ગરીબીરેખા હેઠળના કાર્ડને જ માન્ય ગણવામાં આવેલ હોઇ બી.પી.એલ. રેશનકાર્ડની નકલ જોડેલ હોય તો તેવા અરજદારને કોઇપણ પ્રકારની ફી મુકિતનો લાભ મળવાપાત્ર થશે નહિ. આ ફી મુકિતનો લાભ મેળવવા ઇચ્છનારે ગરીબીરેખા કાર્ડ અથવા તે અંગેનું સક્ષમ અધિકારી દ્વારા કાઢી આપવામાં આવેલ પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અથવા ખરી નકલ રજુ કરવાની રહેશે.'

(4:11 pm IST)