૧૫૬ બોટલ દારૂના ગુનામાં ફરાર શખ્સ અબ્દુલને એસઓજીની ટીમે પકડી લીધો
હત્યાની કોશિષ, રાયોટીંગના ગુનામાં સામેલ અને પાસામાં પણ જઇ આવ્યો છેઃ પરસાણાનગરના નાલા પાસે પોલીસને જોઇ દોટ મુકી પણ ઝડપાઇ ગયો
રાજકોટ તા. ૬: અગાઉ હત્યાની કોશિષ, રાયોટીંગ, દારૂના ગુનામાં સંડોવાઇ ચુકેલા અને પાસાની હવા પણ ખાઇ ચુકેલા તેમજ હાલમાં દારૂના ગુનામાં ફરાર જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતાં અબ્દુલ દાઉદભાઇ લંજા નામના શખ્સને પરસાણાનગર-૬ના નાલા પાસેથી એસઓજીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી લીધો છે.
ગત ૨૪મીએ પોપટપરા નાલા પાસે શાસ્ત્રીનગર રોડ પર પ્ર.નગર પોલીસે દરોડો પાડતાં ૧૫૬ બોટલ દારૂ સાથેની બજાજ ટેમ્પો રિક્ષા રેઢી મુકી એક શખ્સ ભાગી ગયો હતો. તપાસ થતાં આ શખ્સ અબ્દુલ લંજા હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી હતી. દરમિયાન એસઓજી પી.આઇ. એસ. એન. ગડ્ડુની રાહબરી હેઠળ પીએસઆઇ એચ. એમ. રાણા, ઓ. પી. સિસોદીયા, હેડકોન્સ. મનરૂપગીરી, આર. કે. જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાણા, કોન્સ. જયંતિગીરી, ગિરીરાજસિંહ જાડેજા અને ઝાલા બંને, અનિલસિંહ ગોહિલ, નિર્મળસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ, બ્રિજરાજસિંહ, જીતુભા, વિજેન્દ્રસિંહ ઝાલા, ફિરોઝભાઇ અને યુવરાજસિંહની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અબ્દુલ પરસાણાનગરના નાલા પાસે છે. ટૂકડી ત્યાં પહોંચતા અબ્દુલે દોટ મુકી હતી. તેનો પીછો કરી દબોચી લેવાયો હતો.