રાજકોટ
News of Thursday, 6th December 2018

રેસકોર્ષ રીંગ રોડ પર પોલીસ જેવો સ્વાંગ રચેલા શખ્સે વકિલના પિતાને ઠોકરે લીધાઃ ગંભીર ઇજાઓ

અકસ્માત બાદ બાઇક ચાલક શામળ ભરવાડ નામના શખ્સે પોતે અકસ્માત નથી સર્જ્યો એવું પ્રસ્થાપિત કરવા પ્રયાસ કર્યો પણ સીસીટીવીએ ભાંડો ફોડ્યોઃ અકસ્માત સર્જવા ઉપરાંત પોલીસ જેવો સ્વાંગ રચવા સબબ એ-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૬: રેસકોર્ષ રીંગ રોડ પર પટેલ આઇસ્ક્રીમ પાસે એક બાઇક ચાલકે ન્યુ જાગનાથ પ્લોટમાં રહેતાં એડવોકેટના વૃધ્ધ પિતાને ઠોકરે ચડાવી ડાબા પગે ફ્રેકચર તથા  બ્રેઇન હેમરેજ અને બાહ્ય આંતરિક ઇજા પહોંચાડી પોતે પોલીસ ન હોવા છતાં પોલીસ જેવો સ્વાંગ રચી રોફ જમાવતાં એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. આ બાઇક ચાલક ફાયર બ્રિગેડમાં નોકરી કરતો હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.

બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે ન્યુ જાગનાથ પ્લોટ-૨૨ મંગલ જ્યોત એપાર્ટમેન્ટ બી-૧માં રહેતાં અને વકિલાત કરતાં દિનેશભાઇ પ્રમોદચંદ્ર ભટ્ટ (ઉ.૫૪)ની ફરિયાદ પરથી જીજે૩કેએફ-૧૬૮૩ નંબરના બાઇકના ચાલક શામળ લાખાભાઇ બાંભવા (ભરવાડ) (રહે. રામાપીર ચોકડી ફાયર બ્રિગેડ સ્ટાફ કવાર્ટર) સામે ગુનો નોંધ્યો છે. દિનેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પિતા પ્રમોદચંદ્ર ભટ્ટ નિત્યક્રમ મુજબ બુધવારે સવારે સાડા પાંચેક વાગ્યે વોકીંગમાં નીકળ્યા હતાં. તેઓ પટેલ આઇસ્ક્રીમ પાસે પહોંચ્યા ત્યારે ખાખી કલરનું સ્વેટર પહેરેલ અને કપાળે લાલ તીલક કરેલો બાઇક ચાલકે ઠોકરે ચડાવતાં તેઓ ફંગોળાઇ ગયા હતાં.

સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેમને ડાબા પગે ઢીચણ નીચેના ભાગે ફ્રેકચર થતા શરીરે નની મોટી ઇજાઓ થયાનું અને મગજમાં ગંભીર ઇજા થયાનું નિદાન થયું હતું. ખાની સ્વેટર વાળા બાઇક ચાલક વિશે માહિતી મેળવતાં તે શામળ ભરવાડ હોવાનું અને ફાયર બ્રિગેડ સ્ટાફ કવાર્ટરમાં રહેતો હોવાની અને ફાયર બ્રિગેડમાં નોકરી કરતો હોવાની ખબર પડી હતી. આ શખ્સે વાહન માટે પ્રતિબંધીત વોકીગ ઝોનમાં બેફિકરાઇથી વાહન હંકારી અકસ્માત સર્જ્યો હતો. પોલીસ જેવુ ખાખી સ્વેટર તેમજ પોલીસ ધારણ કરે તેવી લાકડી પણ સાથે રાખી હતી. આ શખ્સે અકસ્માત સર્જનાર પોતે નથી તેવું પ્રસ્થાપિત કરવા પ્રયાસો કર્યા હતાં. પરંતુ સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતાં તેનો ભાંડો ફુટી ગયો હતો. તેમ ફરિયાદમાં જણાવાયું છે.

એ-ડિવીઝનના પીએસઆઇ આર. સી. રામાનુજે દિનેશભાઇ ભટ્ટની ફરિયાદ પરથી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

(3:51 pm IST)