રાજકોટ
News of Thursday, 6th December 2018

કોનો ત્રાસ?

વધુ એક સીટી ઇજનેર મ્યુ. કોર્પોરેશનને રામ રામ કરવાના મૂડમાં

રાજકોટ, તા. ૫: મ્યુ. કોર્પોરેશનમાં જાહેર વ્યવસ્થા અંગેની વહીવટી કામગીરી થતી હોય લોકપ્રશ્નો મામલે અવારનવાર અધિકારીઓ અને નાગરીકો વચ્ચે નાના-મોટા ઘર્ષણો - વિવાદો થતા રહે છે ત્યારે અનેક અધિકારી-ઈજનેરોએ ભૂતકાળમાં કોર્પોરેશનની આ કામગીરીથી કંટાળી અને રાજીનામા મુકી દીધાના દાખલા છે, ત્યારે આ પ્રકારે વધુ એક  સીટી ઈજનેરએ રાજીનામું મુકયાનું કોર્પોરેશન કચેરીની લોબીમાં ચર્ચાએ જોર પકડયુ છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ થોડા દિવસ પહેલા મ્યુ. કોર્પોરેશનના સીટી ઇજનેર તથા  ૪ ઈજનેરોએ પોતાના સ્વૈચ્છીક રાજીનામા મુકયા હતા પરંતુ આ રાજીનામા અંગે નિર્ણય નથી આવ્યો ત્યારે હવે સામાકાંઠેનો હવાલો સંભાળતા વધુ એક સીટી ઇજનેર મ્યુ.કોર્પોરેશનને  રામ રામ કરવાનાં મુડમાં હોવાનું લોક મુખે ચર્ચાઇ રહ્યુ છે.

નોંધનીય છે કે, ઈજનેરોને રસ્તા, ગટર, પાણી અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધા બાબતે દરરોજ લોકોની વચ્ચે જવુ પડે છે અને નાના મોટા પ્રશ્નો ઉકેલવા પડે છે ત્યારે ઘર્ષણો અને માથાકુટ થાય છે એટલુજ નહી કચેરીમાં અધિકારી વિંગમાં બેસતા 'સુપર કમિશ્નરો'ની વધુ પડતી 'દાદાગીરી'થી અત્યંત ત્રાસી જઇને અને  કંટાળી જઈ ઈજનેરો પોતાના રાજીનામા મુકી રહ્યાની ચર્ચા કોર્પોરેશન કચેરીમાં જાગી છે.

(4:37 pm IST)