રાજકોટ
News of Thursday, 7th December 2017

વિજયભાઈ - ઈન્દ્રનીલભાઈ પોતાની પ્રતિષ્ઠા બચાવવા ચૂંટણી લડેઃ ગરીબ જનતાની કંઈ પડી નથી

બ.સ.પા.ના રાજકોટ-૬૯ના ઉમેદવાર વિજયભાઈ પરમાર કહે છે બંને નેતાઓ પોતાના હિતની જ વાતો કરે છે : જો હું ચૂંટાઈને આવીશ તો બેરોજગારોને ભરતી, કાયદો વ્યવસ્થા મજબૂત બનાવીશ

રાજકોટ, તા. ૭ : ભાજપ અને કોંગ્રેસના બંને નેતાઓ પોતાની પ્રતિષ્ઠા બચાવવા ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. એક ખૂબ ધનવાન છે તો બીજા મુખ્યમંત્રી છે. આ બંને નેતાઓને જનતાની કંઈ પડી જ નથી. તેમ બહુજન સમાજ પાર્ટીના રાજકોટ વિધાનસભા-૬૯ના ઉમેદવાર શ્રી વિજયભાઈ પરમાર (મો.૯૪૨૯૫ ૦૧૯૭૧)એ જણાવ્યુ હતું.

તેઓએ જણાવેલ કે કોંગ્રેસના ધારાસભ્ય શ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી બંને ધનાઢ્ય છે. બંને પોતાના હિત માટે ચૂંટણી લડી રહ્યા છે. જનતાની કંઈ ફીકર જ નથી. ભાજપ શાસનમાં કાયદો વ્યવસ્થા સાવ કથળી છે. શિક્ષણક્ષેત્રે ફી વાલીઓને પોસાય એવી નથી. જો હું ધારાસભ્યપદે ચૂંટાઈ આવીશ તો યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને બ.સ.પા.ના અધ્યક્ષ માયાવતીજીની જેમ કાયદો વ્યવસ્થા, ટેકસમાં રાહત, બેરોજગારોને ભરતી સહિતના પ્રશ્ને લડત આપીશ.

તસ્વીરમાં બસપાના રાજકોટ-૬૯ બેઠકના ઉમેદવાર વિજયભાઈ પરમાર અને કાર્યકરો જીવણભાઈ પરમાર, દિપકભાઈ પરમાર, દિલીપ નગવાડીયા, પ્રેમજીભાઈ પરમાર, રાજુભાઈ સોલંકી, રફીકભાઈ નેમીયાર, વાલજીભાઈ વાઘેલા, ખીમજીભાઈ સારીખડા, જેમલભાઈ દિનેશભાઈ, પ્રણવ અઘેરા, ભગવાનજીભાઈ ધમર, હસમુખ ચાવડા વિ. નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:03 pm IST)