રાજકોટ
News of Saturday, 7th November 2020

ત્રણ મહિનાની ઓળખનો ગેરલાભ ઉઠાવી વિક્કીએ ૧૫ વર્ષની સગીરાનું સર્વસ્વ લૂંટી લીધું: સકંજામાં

ઘરેથી ઠપકો મળતાં નીકળી ગયેલી બાળાએ ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતાં પરિચિત વિક્કીને ફોન કરતાં તે તુરત આવી ગયો, બાળાને સમજાવી પરત ઘરે મોકલવાને બદલે મામાના ઘરે લઇ ગયો ને દૂષ્કર્મ આચરી તરછોડી દીધી : ચોથી તારીખે સગીરા ઘરેથી નીકળી ગઇ, એ રાતે જ વિક્કીએ બળજબરી કરીઃ બીજા દિવસે પાંચમીએ તેણીને રેઢી મુકી દીધીઃ ઘરે જવાની બીક લાગતાં મંદિરે ગઇ, રેસકોર્ષમાં છુપાઇને રાત ગુજારીઃ છઠ્ઠીએ માતાને ફોન કર્યો, સારવાર માટે દાખલ કરાઇઃ ભાનમાં આવી દૂષ્કર્મની વિતક વર્ણવીઃ યુનિવર્સિટી પોલીસે આરોપી સામે કરી કાર્યવાહી

રાજકોટ તા. ૭: એક ભુલ એક સગીરાને કેવી ભારે પડી ગઇ, ત્રણ મહિનાના પરિચીત ઢગા પર આંધળો વિશ્વાસ મુકવાનું કેવું પરિણામ આવ્યું...તેની વિતક વર્ણવતી એક દૂષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર ૧૫ વર્ષની બાળાના વાલીની ફરિયાદ પરથી કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતાં વીસેક વર્ષના વિક્કી અનિલભાઇ કોળી વિરૂધ્ધ આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ અને પોકસોની કલમો હેઠળ ગુનો નોંધી સકંજામાં લીધો છે. બે દિવસ પહેલા બાળાને ઘરેથી ઠપકો મળતાં તે રિસાઇને નીકળી ગઇ હતી. કયાં જવું એ વિચારમાં તેણે પરિચીત વિક્કીને ફોન કરતાં તે તુરત આવી ગયો હતો અને બાળાને ગાંધીગ્રામ વિસ્તારમાં પોતાના મામાના ઘરે લઇ ગયો હતો. જ્યાં રાત રોકાઇ રાતે બળજબરીથી બાળાનું સર્વશ્વ લૂંટી લીધુ હતું. એ પછી બીજી સવારે તેણીને રેઢી મુકી દીધી હતી. ગભરાયેલી બાળા ઘરે જવાને બદલે રેસકોર્ષ પહોંચી ગઇ હતી અને ત્યાં છુપાઇને રાત વિતાવી હતી. ગઇકાલે ઘરે ફોન કરતાં સ્વજનો પહોંચતા તે બિમાર મળી હતી. દવાખાને સારવાર બાદ સંપુર્ણ ભાનમાં આવી હતી અને પોતાની સાથે જે થયું એ વર્ણવ્યું હતું.

ઘટના એવી છે કે પંદર વર્ષની વય ધરાવતી બાળા તા. ૪/૧૧ના સાંજે સાડા પાંચેક વાગ્યે ઘરમાંથી ગાયબ થઇ જતાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો. આકુળ વ્યાકુળ સ્વજનો સતત બે દિવસથી દિકરીને શોધવા ઘરમેળે દોડધામ કરી રહ્યા હતાં. એ દરમિયાન ગઇકાલે સવારે માતાનો ફોન રણકયો હતો. તેમણે રિસીવ કરતાં જ ગૂમ થયેલી દિકરીએ વાત કરી હતી અને પોતે રેસકોર્ષ છે, આવીને તેડી જાવ તેમ કહેતાં જ સ્વજનો તાબડતોબ પહોંચ્યા હતાં. ત્યાં તે બગીચા પાસે મળી હતી. તે બિમાર જણાતી હોઇ અને ચક્કર આવતાં હોઇ ૧૦૮ બોલાવી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તે બેભાન જેવી થઇ ગઇ હતી.

ગઇકાલે સાંજે તે ભાનમાં આવતાં પરિવારજનોએ શું થયું? કયાં ગઇ હતી? સહિતના સવાલો પુછતાં આ બાળાએ ચોંકાવનારી વિતક વર્ણવી હતી. તેણીે કહ્યું હતું કે ત્રણેક માસ પહેલા બહેનપણીના સગા એવા વિક્કી સાથે પોતાને ઓળખાણ થઇ હોઇ ફોનમાં વાતચીત કરતી હતી અને પ્રેમસંબંધ બંધાઇ ગયો હતો. તા.૪ના રોજ પોતાને ઘરમાં ઠપકો મળતાં રિસાઇને નીકળી ગઇ હતી અને કુવાડવા રોડ ડી માર્ટ સુધી રિક્ષામાં ગઇ હતી. એ પછી શું કરવું શું ન કરવુંની સમજ નહિ પડતાં વિક્કીને ફોન કરતાં તે ટુવ્હીલર લઇને આવ્યો હતો અતે પોતાને ગાંધીગ્રામમાં તેના મામાના ઘરે લઇ ગયો હતો. જ્યાં ઘરે કોઇ નહોતું.

રાત્રીના પોતે અને વિક્કી ત્યાં જ રોકાયા હતાં. જ્યાં રાતે વિક્કીએ પોતાની સાથે બળજબરી કરી હતી. ના પાડવા છતાં ત ે સમજ્યો નહોતો. બીજા દિવસે સવારે તે મુકીને જતો રહ્યો હતો. ઘરે પાછા જવાની બીક લાગતાં પોતે રામનાથ મંદિરે થઇ સાંજે રેસકોર્ષ તરફ આવી હતી. અહિ રાત પડી જતાં બગીચામાં કોઇને ખબર ન પડે એ રીતે છુપાઇને સુતી રહી હતી. છઠ્ઠીએ સવારે જાગીને એક રિક્ષાવાળા ભાઇ ઉભા હોઇ તેનો મોબાઇલ ફોન લઇ ઘરે ફોન કર્યો હતો.

દિકરીની ઉપરોકત વિતક સાંભળી સ્વજનો ચોંકી ગયા હતાં અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવતાં પીઆઇ એ. એસ. ચાવડા, ગિરીરાજસિંહ જાડેજા સહિતે ગુનો નોંધ્યો હતો. આરોપીને સકંજામાં લઇ કોવિડ ટેસ્ટ કરાવવા તજવીજ થઇ રહી છે. ધરપકડ બાદ વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવશે. (૧૪.૭)

રેસકોર્ષના બગીચામાં એકલી અટૂલી બાળા રાતે  કોઇ લેભાગુની નજરે ચડી ગઇ હોત તો?

સગીરાએ જણાવ્યું હતું કે પોતે પાંચમી તારીખની સાંજે રેસકોર્ષ પહોંચી હતી અને એ રાત છાનામુના કોઇની નજરે ન ચડે એ રીતે બગીચામાં છુપાઇને ગુજારી હતી. રાતના સમયે બગીચામાં કોઇ ન રહે તે માટે સિકયુરીટી તૈનાત જ હોય છે. પરંતુ છુપાયેલી બાળા કોઇની નજરે ચડી નહોતી. સદ્દનસિબે કોઇ લુખ્ખા-આવારા-લેભાગુઓથી પણ આ સગીરા બચી ગઇ હતી. ફ્રેન્ડશીપ, લવલફરાના નામે આંધળુકીયા કરતી બહેન-દિકરીઓએ આ ઘટના પરથી ધડો લેવા જેવો છે.

(2:46 pm IST)