રાજકોટ
News of Thursday, 7th November 2019

ગાયકવાડીમાં સતિષને પડોશી સંજયએ પાઇપના ઘા ફટકારી હાથ ભાંગી નાંખ્‍યો

સતિષના ૧૧ વર્ષના દિકરાએ પાણી ઢોળવા બાબતે સંજયના દાદીમાં સાથે બોલાચાલી કરતાં ડખ્‍ખોઃ ૩૧મીએ બનેલા બનાવમાં સમાધાન ન થતાં હવે ફરિયાદ નોંધાવાઇ

રાજકોટ તા.૭: ગાયકવાડીમાં રહેતાં દેવીપૂજક યુવાનને તેના પડોશીએ છ દિવસ પહેલા પાઇપથી હુમલો કરી હાથ ભાંગી નાંખતા તેમજ છરીથી ઇજા કરતાં સારવાર માટે દાખલ કરાયો હતો. સમાધાનની વાત ચાલતી હોઇ તે શક્‍ય ન બનતાં હવે ફરિયાદ નોંધાવાઇ છે.

આ બારામાં રૈયા ચોકડી નજીક અમૃતા હોસ્‍પિટલ પાછળ શિવમ્‌ પાર્ક-૧માં રહેતાં દેવીપૂજક વૃધ્‍ધ  બટુકભાઇ વશરામભાઇ પરમાર (ઉ.૬૨)ની ફરિયાદ પરથી ગાયકવાડી-૫માં રહેતાં સંજય કિશનભાઇ હળવદીયા સામે ગુનો નોંધ્‍યો છે. બટુકભાઇના કહેવા મુજબ મારો નાનો દિકરો સતિષ ગાયકવાડીમાં ખોડિયાર મંદિર પાસે તેના ૧૧ વર્ષના દિકરા આર્યન સાથે રહે છે. સતિષની પત્‍નિ તેનાથી અલગ રહે છે.

 

ગત તા. ૩૧/૧૦ના સાંજે આઠેક વાગ્‍યે મારો દિકરો સતિષ અને પોૈત્ર આર્યન તેના ઘરે હતાં ત્‍યારે તેના પડોશી સંજયએ આવી મારા દિકરા સતિષની ડેલી જોર-જોરથી ખખડાવતાં સતિષે બહાર આવીને જોતાં સંજય ઉભેલો જોવા મળ્‍યો હતો. તેણે ગુસ્‍સે થઇ ‘તારો દિકરો આર્યન મારા દાદીમાને પાણી ઢોળવા બાબતે જેમ તેમ બોલી ગયો છે' તેમ કહી ગાળો દઇ પાઇપથી હુમલો કરતાં મારા દિકરા સતિષને  ડાબા જડબા પર ઘા ફટકારી દઇ તેમજ હાથમાં પણ પાઇપ ફટકારતાં ડાબો હાથ ભાંગી ગયો હતો. આ ઉપરાંત સંજયએ છરીથી પણ મારા દિકરા સંજયને ઇજા કરી હતી.

હુમલા બાદ સતિષ ઇજાગ્રસ્‍ત હાલતમાં મારા ઘરે આવ્‍યો હતો અને વાત કરતાં હું તેને હોસ્‍પિટલમાં લઇ ગયો હતો. અમારે જે તે વખતે સંજય સાથે સમાધાનની વાત ચાલતી હતી. પણ સમાધાન શક્‍ય ન બનતાં અંતે ફરિયાદ કરી હતી. પીએસઆઇ બી. પી. વેગડા અને બાબુલાલે ગુનો નોંધ્‍યો છે.

(4:44 pm IST)