રાજકોટ
News of Thursday, 7th November 2019

બે બંગાળી યુવતિને રાખી ગ્રાહકો બોલાવતોઃ ગ્રાહક પાસેથી બે હજાર લઇ અડધા પોતે ખાઇ જતો, અડધા લલનાને આપતો

કોસ્મોપ્લેકસ સિનેમા નજીક ગ્રીન હિલ ફલેટમાં હિરેન સુથાર સંચાલિત કૂટણખાના પર દરોડો : એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો ડમી ગ્રાહક મોકલી દરોડોઃ હિરેન અગાઉ પણ એક વખત આવા ગોરખધંધા કરતાં ઝડપાયો હતો : હેડકોન્સ. બકુલ વાઘેલા અને કોન્સ. મહમદ અઝહરૂદ્દીનની બાતમી

તસ્વીરમાં પીએસઆઇ અંસારી, એએસઆઇ જે. પી. મહેતા, હેડકોન્સ. બકુલભાઇ વાઘેલા, દિગુભા જાડેજા સહિતની ટીમ અને ઝડપાયેલો શખ્સ હિરેન જોઇ શકાય છે

રાજકોટ તા. ૭: કાલાવડ રોડ પર કોસ્મોપ્લેકસ સિનેમા નજીક રાંદલ માતાજીના મંદિર નજીક આવેલા ગ્રીન હિલ નામના એપાર્ટમેન્ટમાં પહેલા માળે ફલેટ નં. ૧૦૧માં સુથાર શખ્સ બંગાળી લલનાઓને રાખી કૂટણખાનુ ચલાવતો હોવાની બાતમી પરથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડો પાડી સુથાર શખ્સને ઝડપી લઇ ગુનો નોંધ્યો છે.

પીએસઆઇ એમ. એસ. અંસારીની ફરિયાદ પરથી ગ્રીન હિલ ફલેટમાં જ રહેતાં હિરેન જગદીશભાઇ સાપરા (સુથાર) (ઉ.વ.૩૫) સામે ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ ૧૯૫૬ની કલમ ૩,૪,૫,૬ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

સાંજે પીએસઆઇ અંસારી તથા ટીમના એએસઆઇ જે. પી. મહેતા, હેડકોન્સ. બકુલભાઇ વાઘેલા, કોન્સ. મહમદ અઝરૂદ્દીન, કોન્સ. જયપાલસિંહ, મહિલા કોન્સ. તોરલબેન સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે બકુલભાઇ અને મહમદ અઝહરૂદ્દીનને માહિતી મળી હતી કે કોસ્મો સિનેમા નજીક આવેલા ગ્રીન હિલ ફલેટ નં. ૧૦૧માં રહેતો હિરેન સુથાર બહારથી યુવતિઓ લાવી વેશ્યાવૃતિનો ધંધો કરે છે. આથી પીએસઆઇ અંસારીએ એસીપી જે. એચ. સરવૈયાને માહિતી આપતાં તેઓ પણ કટારીયા ચોકડી પાસે પહોંચ્યા હતાં. એ પછી પંચ, લેડિઝ પંચ અને ડમી ગ્રાહક ઉભો કરી દરોડો પાડવામાં આવ્યો હતો.

ગ્રાહકને રૂ. ૫૦૦-૫૦૦ની ચાર નોટો આપીને ફલેટમાં મોકલાયો હતો. તેનો સંકેત મળતાં જ ત્યાં દરોડો પાડતાં અંદર એક શખ્સ હાજર મળ્યો હતો. તેણે પુછતાછમાં પોતાનું નામ હિરેન જણાવ્યું હતું. તેની પાસે એક સ્ત્રી ઉભી હતી. તેણે પણ પોતાનું નામ જણાવ્યું હતું. એ પછી એક રૂમ ખુલ્લો અને બીજો બંધ જોવા મળતાં તે ખખડાવતાં તેમાંથી એક યુવતિ નીકળી હતી, તેની સાથે પોલીસે મોકલેલો બોગસ ગ્રાહક પણ હતો. યુવતિએ પોતે બંગાળની હોવાનું અને હાલમાં અમદાવાદ નરોડાથી પોતાને હિરેન સુથાર લાવ્યો હોવાનું કહ્યું હતું. આ યુવતિએ હિરેન ગ્રાહકો પાસેથી રૂ. ૨૦૦૦ મેળવી પોતાને એક હજાર આપતો હોવાનું અને બાકીના તે પોતે રાખતો હોવાનું પણ જણાવ્યું હતું.

હિરેન સાથે રહેલી યુવતિ પણ બંગાળી હતી. તેણે પણ પોતાને હિરેન વેશ્યાવૃતિ કરાવવા માટે લાવ્યાનું જણાવતાં પોલીસે આ બંને યુવતિઓને સાહેદ બનાવી હિરેન સામે ગુનો નોંધી ધરપકડ કરી મોબાઇલ ફોન તથા ૧૦ હજારની રોકડ કબ્જે કરી હતી. પોલીસના કહેવા મુજબ અગાઉ પણ વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં હિરેન આવા ગોરખધંધા કરવા સબબ પોલીસ ચોપડે ચડી ચુકયો હતો. હાલ જે ફલેટમાં રહે છે તે ચાર-પાંચ મહિનાથી ભાડેથી રાખ્યાનું તેણે રટણ કર્યુ હતું. તેની વિશેષ તપાસ થઇ રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા સહિતના અધિકારીઓએ આપેલી સુચના અંતર્ગત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીએસઆઇ અંસારી અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી આ કામગીરી કરવામાં આવી હતી.

(3:14 pm IST)