રાજકોટ
News of Monday, 7th October 2019

મુખ્યમંત્રી ગરીબનો અવાજ સાંભળોઃ આવાસ યોજનામાં મકાનના ખરા હક્કદારનો પરિવાર ૪ વર્ષથી રઝળે છે

રાજકોટ, તા. ૭ :. આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગરીબોને ઘરના ઘરનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે, ત્યારે આ આવાસ યોજનામાં મકાન મેળવવા માટે છેલ્લા ૪ વર્ષથી કોર્પોરેશન કચેરીના ધક્કા ખાઈ રહેલા વિજયભાઈ દાફડાએ આ બાબતે મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની માંગ ઉઠાવી છે. આ અંગે અરજદાર વિજયભાઈ દાફડાએ રજૂઆતમાં જણાવ્યુ છે કે તેઓએ આવાસ યોજનામાં મકાન માટે જરૂરી તમામ કાગળીયા આધાર-પુરાવા સાથે અરજી કરી છે અને ૨૧ ઓગષ્ટ ૨૦૧૮માં કોર્પોરેશનના તંત્રવાહકોએ તેઓનું મકાન વગર નોટીસે પાડી નાખી બેઘર બનાવી દીધા હતા તેના આધાર પણ રજૂ કર્યા હતા. આમ આવાસ યોજનામાં મકાન માટે તેઓ ખરા હક્કદાર હોવા છતાં અધિકારીઓ તેઓને મકાન ફાળવતા નથી. આ અંગે કલેકટરશ્રી, મેયરશ્રી, મ્યુ. કમિશ્નરશ્રી સુધી રજૂઆતો કરાઈ છે છતા આજે વિજય દાફડા અને તેના પત્ની, ૧ વર્ષની દિકરી અને ૪ વર્ષના દિકરા સહિતનો પરિવાર ઘર વગર રઝળી પડયો છે.

હવે છેલ્લે થાકી હારીને મુખ્યમંત્રી સમક્ષ તેઓએ ન્યાયની માંગ ઉઠાવી છે અને તેઓના હક્કનુ મકાન અપાવવા માંગ ઉઠાવી છે.

(4:11 pm IST)