રાજકોટ
News of Monday, 7th October 2019

રાજકોટ-અમદાવાદ રોડની મરામત ગતિમાં, ૬ માર્ગીય બનાવવાનું કામ પ્રગતિમાં

રાજકોટઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવેને સીકસ લેન બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. જેમાં હયાત ૪૧ મેજર જંકશન / સર્કલની જગ્યાઓ ઉપર ફલાયઓવર / અન્ડરપાસ બનાવવાની તેમજ હયાત નાળા / પુલીયાને પહોળા કરવા અને રીકન્સ્ટ્રકશન કરવાની કામગીરી પ્રગતિમાં છે. કામ પ્રગતિમાં હોવાથી અમુક જગ્યાએ ટેમ્પરરી ડાયવર્ઝન બનાવવામાં આવેલ છે અને તે સ્થાને ડાયવર્ઝનના બોર્ડ લગાવી અને ડામર સપાટીવાળા ડાયવર્ઝન બનાવવામાં આવેલ છે. ચાલુ વર્ષે સખત અને સતત વરસાદ દરમ્યાન ભારે વાહનોની અવરજવરના કારણે ડાયવર્ઝનમાં ચાલુ ચોમાસામાં ખાડા થતા હોય તેને તાત્કાલીક રીપેર કરવામાં આવેલ છે અને સમયાંતરે વરસાદ બંધ થયેલ હોય ત્યારે ડામરથી પણ પેચની કામગીરી કરવામાં આવેલ છે. જૂની સપાટી ઉપર અમુક સ્થળોએ પોટહોલ્સ (ઉંડા ખાડા) અથવા પેચ પડેલ હોય ત્યાં પોટહોલ્સ પુરવાની અને ડામરથી પેચ રીપેર કરવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવેલ છે અને રસ્તા પર સલામતી સાથે ટ્રાફિક અવરજવર કરી શકે છે. છેલ્લા અઠવાડીયાથી વરસાદ ઓછો થતા, જ્યાં શકય હોય ત્યાં મશીનથી ડામરના લાંબા પટ્ટા મારવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. હાલ ચોમાસુ પૂર્ણ થવામાં હોય, રસ્તાને પહોળો કરી સીકસ લેન કરવાની કામગીરી પુરજોશમાં ચાલુ કરવામાં આવશે તેમ માર્ગ-મકાન વિભાગના સૂત્રો જણાવે છે.

(3:52 pm IST)