રાજકોટ
News of Monday, 7th October 2019

આવો રાસ કયારેય નહીં જોયો હોય

બાળાઓ જીપ અને બુલેટ પર ઊભી રહીને રાસ રમે અને એ ગરબી મંડળમાં ગોળ-ગોળ ફરીને રાસ કરે

રાજકોટ,તા.૭:રાજકોટ નજીક આવેલા હડમતિયા બેડી ગામે ગઈ કાલે રાતે અચરજ કહેવાય એવો બુલેટ-જીપ રાસ યોજાયો હતો. નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આયોજિત કરવામાં આવેલો આ રાસ નવરાત્રિના દિવસોમાં માત્ર એક વાર રમાય છે. રાસમાં પાંચ છોકરીઓ અને એટલી જ છોકરીઓ છોકરાના લુકમાં રમે છે. રાસમાં એક પણ ખૈલેયો જીપ કે બુલેટ પરથી ઊતરીને રાસ નથી લેતો, પણ રાસનાં બધાં સ્ટેપ જીપના બોનેટ અને બુલેટ પર જ કરવામાં આવે છે. રાસ ચાલતો હોય એ દરમ્યાન જીપ અને બુલેટ પણ ગરબીના સ્થાને ગોળ-ગોળ ફરતાં રહે અને ફરતી એ જીપ-બૂલેટ પર રાસ પણ ચાલુ રહે. ગરબી મંડળના સભ્ય ધર્મેશભાઈ ગડિયાએ કહ્યું હતું કે 'આધુનિકતાને ધ્યાનમાં રાખીને આ વાહન ઉમેર્યા છે, પણ એમાં માતાજીના ગરબા તો પરંપરાગત છે એ જ ગાવામાં આવે છે. ત્રણ ગરબાનો એક ગરબો બનાવીને આ રાસ રમવામાં આવે છે.'આ રાસ ૧૬ મિનિટથી વધારે લાંબો સમય ચાલે છે અને વન્સમોરને કારણે એવું પણ બન્યું છે કે આ રાસ ૪૦ મિનિટ પણ ચાલ્યો હોય.

(3:50 pm IST)