રાજકોટ
News of Monday, 7th October 2019

સિવિલ હોસ્પિટલના સેલરમાં હજુ વરસાદી પાણી, રસ્તાઓમાં ખાડાઃ વિરોધ પક્ષના નેતા સાગઠીયાની રજૂઆતઃ વન-વે ખુલ્લો કરાવ્યો

તબિબી અધિક્ષક ડો. મહેતાએ કહ્યું- વરસાદી પાણીના નિકાલ માટે દરરોજ રાતે મોટરો ચાલુ કરાય છે, જેટલુ પાણી નીકળે છે એટલુ ફરી આવી જાય છે, પાણી કયાંથી જવે છે તેની પીઆઇયુ પણ તપાસ કરે છેઃ વરસાદને કારણે ખાડાઓ બુરવાનું કામ વિલંબમાં હતું: સેલરમાં જે ભંગાર પડ્યો છે તેનું ટેન્ડર બહાર પાડી વેંચાણ થઇ શકેઃ વન-વે ખોલી નાંખવાથી ખાનગી વાહનોની હેરફેર ફરીથી શરૂ થઇ જશે, જે દર્દીઓના હિતમાં નથી

દર્દીઓની હેરફેર માટે ઇ-રિક્ષાની સુવિધા ઉપલબ્ધ બનશેઃ ડેમો યોજાયો

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ગંદકીનો સામનો કરવો પડતો હોવાની બે દિવસ પૂર્વે રજૂઆત કરનાર મ્યુ. કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા તેમજ કોર્પોરેટર દિલીપ આસવાણી તથા કાર્યકરો આજે અચાનક સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં અને હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વારને વન-વે કરવામાં આવ્યો હોઇ તેની આડશો દૂર કરાવી હતી. તેમજ વન-વેને કારણે દર્દીઓને લાવતા બહાર નીકળતાં વાહનોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડતો હોવાની રજૂઆત કરી હતી. તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાએ જણાવ્યું હતું કે વન-વે ખોલી નાંખવાથી ખાનગી વાહનોની હેરફેર ફરીથી સિવિલમાં શરૂ જશે, એ કારણે ઉલ્ટાની દર્દીઓને જ હાલાકી ભોગવવી પડશે. ખાનગી વાહન ચાલકો પોતાના વાહનો ગમે ત્યાં મુકીને જતાં રહેશે. આવું ન થાય એ માટે વન-વેનો અમલ કરાવવામાં આવે છે. અમે તબિબો પોતે પણ વન-વેના નિયમનું પાલન કરીએ છીએ.

બીજી તરફ વશરામભાઇ સાગઠીયા અને તેમની ટીમ ઓપીડીના સેલરમાં પહોંચી હતી અને ત્યાં વરસાદી પાણી હજુ પણ ભરેલુ હોઇ તેના કારણે મચ્છરો ઉત્પન્ન થતાં હોવાની અને જે માંદા હોય તે વધુ માંદા પડતાં હોવાનું અને સાજા આવે તે રોગ લઇને ઘરે જતાં હોવાની ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ અહિ કિંમતી મશીનરી ધુળ ખાતી હોવાની રજૂઆત કરી હતી. તેમજ સેલરના પાણી લિફટમાં ઘુસી જતાં હોવાથી લિફટ બંધ પડી જતી હોવાનું જણાવી આ સમશ્યાઓનો તાકિદે નિવેડો લાવવા અને જો સત્વરે યોગ્ય ન થાય તો બે દિવસ બાદ ફરીથી આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. આ પ્રશ્નો સામે અધિક્ષક ડો. મનિષ મહેતાએ કહ્યું હતું કે સેલરમાં પાણી દરરોજ રાતે મોટરો મુકીને ઉલેચવામાં આવે છે. પણ ફરીથી પાણી જવે છે અને સેલરમાં આવે છે. નજીકના કૂવામાંથી પાણી આવતું હોવાની શકયતા છે. પીઆઇયુ પણ આ પાણી કયાંથી આવે છે તે શોધી શકયું નથી. લિફટમાં પાણી ન ભરાય તે માટે ત્યાં સિમેન્ટના ઓટા બનાવવાની સુચના અગાઉ આપી દેવામાં આવી છે. આ ઉપરાંત સેલરમાં મશીનરી પડી હોવાનું કહેવાય છે તે મશીનરી નથી પરંતુ જુનો ભંગાર છે, તેનો નિકાલ તાકીદે ન થઇ શકે પણ ટેન્ડરની પ્રક્રિયા બાદ થઇ શકે.

સાગઠીયાએ દવાના પેકેટ સેલરમાંથી મળ્યાનો આક્ષેપ કરતાં ડો. મહેતાએ કહ્યું હતું કે એ માત્ર ખાલી બોકસ હતાં. તેમાં દવાઓ નહોતી. હોસ્પિટલ કમ્પાઉન્ડના રસ્તા પર ખાડા હોવાની રજૂઆત સામે એવું કહેવાયું હતું કે ડ્રેનેજના કામ માટેના ખાડા છે જે સતત વરસાદી માહોલમાં બુરી શકાયા નથી. તેનું કામ હવે શરૂ થઇ જશે. દરમિયાન દર્દીઓને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં મુકવા જવા કે રિપોર્ટ કરાવવા માટે લાવવા-મુકવા માટે ટુંક સમયમાં જ ઇ-રિક્ષાની સુવિધા ઉપલબ્ધ કરવાની છે. આ રિક્ષાનો આજે જ ડો. મનિષ મહેતા સમક્ષ ડેમો યોજવામાં આવ્યો હતો. આવી છ જેટલી રિક્ષાઓ થોડા દિવસોમાં જ શરૂ થઇ જશે તેમ જાણવા મળ્યું છે. સાગઠીયા સાથે કોંગી કોર્પોરેટર દિલીપ આસવાણી, કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ, કાર્યકરો વશરામભાઇ ચાંડપા, નરેશ પરમાર, અરવિંદ મુછડીયા સહિત જોડાયા હતાં. તસ્વીરમાં વન-વેની આડશ દૂર કરતાં સાગઠીયા, સ્ટ્રચરમાં દર્દીને લઇ જતાં સગા પાસેથી માહિતી મેળવી તે, તથા સેલરમાં ભરેલા પાણીમાં પોતે ઉતર્યા તે અને રસ્તા પરના ખાડા બતાવતાં દેખાય છે. નીચેની અન્ય તસ્વીરમાં ઇ-રિક્ષા જોઇ શકાય છે, જેનો ડેમો આજે યોજાયો હતો. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:45 pm IST)