રાજકોટ
News of Monday, 7th October 2019

ધોળકીયા સ્કુલ્સ પ્રાચીન નવરાત્રી મહોત્સવ : આઠમા નોરતે 'મા મહાગૌરી'નો મહોત્સવ

રાજકોટ : ભારતીય સંસ્કૃતિની ગરીમા વધારવા, સ્ત્રી સન્માનની ભાવનાને ઉજાગર કરવા તેમજ બાળાઓમાં રહેલી સુષુપ્ત ભાવનાઓને જાગૃત કરવા રાજકોટ શહેરની શોભારૂપ ધોળકીયા પ્રાચીન નવરાત્રી મહોત્સવના આઠમા નોરતે હિન્દુ ધર્મના પ્રચારક એવા આર્ષ વિદ્યામંદિર (મુંજકા)ના શ્રી સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, રાજકોટના સંદેશ દૈનિકના તંત્રી અને જાણીતા કટ્ટાર લેખક શ્રી જયેશભાઈ ઠકરાર પરિવાર સાથે તેમજ રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઈ પોબારૂ તથા પરિવારે પ્રાચીન રાસોત્સવ નિહાળ્યો હતો. નવરાત્રીના નવે નવ દિવસ સુધી ગુજરાતના લોકો તાલ, સૂર અને શબ્દની સંગાથે ભાનભુલીને ગરબે રમે છે અને નવ દિવસ સુધી માં જગદંબાની આરાધના કરી ભકિત કેરો આનંદ પ્રાપ્ત કરે છે. નવરાત્રી એટલે અસુરોનો નાશ કરી દૈવી શકિતના વિજયનો અણમોલ મહોત્સવ.

સાત - સાત વર્ષથી આયોજીત આ ગરબીનો મુખ્ય હેતુ વિસરાતી જતી પ્રાચીન ચાચર ચોકની ગરબીઓના મુળને ઉજાગર કરવાનો છે. બાર દિવાવાળી થાળી, બાજોટ, મોરપીંછ, છત્રી, તલવાર, ત્રિશુલ, ઘંટારવની બેનમૂન પ્રોપર્ટીઝ તેમજ મુખ્ય સ્ટેજ પરની ભવ્યાતિભવ્ય સાક્ષાત મા જગદંબાની મુરત તૈયાર કરનાર તેમજ લોકોને આકર્ષિત કરે તેવુ સુશોભન કરનાર કૈલાશબેન શિંગાળાની અદ્દભૂત કલા તેમજ અદ્યતન સ્ટેજ, ટેકનોલોજીની સુસજ્જ સાઉન્ડ સિસ્ટમ, ઈફેકટીવ લાઈટનીંગ, ગરબીનું લાઈવ ટેલીકાસ્ટ માટે શાળાના યુવા ટ્રસ્ટી શ્રી ધવલભાઈ ધોળકીયાની કામગીરીને પ્રશંસાપાત્ર ગણી હતી તેમજ આંગણે ઉજવાયેલી ધાર્મિક, સાંસ્કૃતિ પ્રવૃતિના ભારોભારો વખાણ કર્યા હતા.

(3:35 pm IST)