રાજકોટ
News of Monday, 7th October 2019

ગુજરાત સરકાર વાહનોના ડીલરો-પેટ્રોલ પંપોને જ PUC સેન્ટર ફાળવે

જગ્યાની વધુ કિંમત સામે ઓછા વળતરને લઇ લોકો PUC સેન્ટર ખોલવા આકર્ષાયા નથી ત્યારે : વાહન ખરીદયા પછી વર્ષો સુધી વાહન ચાલકો ડીલરના સર્વિસ સ્ટેશનમાં વાહન સર્વિસ કરાવતા હોવાથી સર્વિસ સમયે PUC સર્ટીફીકેટ પણ સરળતાથી મેળવી શકશે. : વાહન ચાલકોને પેટ્રોલ ભરવા સમયે પેટ્રોલ પંપ પરથી પણ PUC સર્ટી કઢાવવામાં અનકુળ રહેેશે. : વાહનના ઓથો.ડીલર તથા પેટ્રોલ પંપ સંચાલકોને PUC સેન્ટર માટે નવી જગ્યા શોધવી નહિ પડે તેના સંકુલમાં જ આ વ્યવસ્થા કરી શકાશે અને વધારાની આવક મેળવી શકશે.

રાજકોટ, તા., ૭: કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એકટમાં સુધારો કર્યા બાદ વાહન સંંબંધીત ગુન્હાઓમાં આકરા દંડની જોગવાઇ કરતા અનેક વાહન ચાલકો વાહનને લગતી જરૂરી કાર્યવાહી કરવા આગળ આવ્યા છે તેમાં એક પીયુસી સર્ટીફીકેટનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતમાં પીયુસી સેન્ટરની સંખ્યા ઓછી હોવાથી વાહન ચાલકો સમયસર પીયુસી સર્ટીફીકેટ મેળવી શકે તેમ ન હોય ગુજરાત સરકારના વાહન વ્યવહારખાતાએ નવા પીયુસી સેન્ટર ખોલવા માટે જાહેરાત આપી તા.૪ ઓકટોબર સુધીમાં ઓનલાઇન અરજીઓ મંગાવી પીયુસી સર્ટીફીકેટ માટે ૧પ ઓકટોબર સુધીની મુદત વધારી આપેલ છે.

હવે નવાઇની વાત તો એ છે કે સરકારે પીયુસી સેન્ટર ખોલવાની જાહેરાત આપવા છતા લોકો પીયુસી સેન્ટર ખોલવા માટે આગળ આવ્યા જ નથી મતલબ કે આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ અરજીઓ આવ્યાનું સરકારના જ માહીતગાર સુત્રોમાંથી જાણવા મળેલ છે.

પીયુસી સેન્ટર માટે લોકો આગળ આવ્યા નથી તેનું એક કારણ એ છે કે પીયુસી સેન્ટર ખોલવા માટે દુકાન લેવી પડતી હોય તેના માટે મીનીમમ સામાન્ય વિસ્તારમાં પણ રૂ. ૧૦ લાખનું રોકાણ કરવુ પડે જયારે મુખ્ય રોડ પર ર૦-રપ લાખ જોઇએ તેની સામે પીયુસી સર્ટીફીકેટ કાઢી આપવાનો ચાર્જ રૂ. ર૦ થી લઇને માંડ રૂ. ૧૦૦ સુધીનો છે જે ખુબ જ ઓછા હોય નવી જગ્યા લઇને પીયુસી સેન્ટર ખોલવુ કોઇ પણ લોકોને પરવડશે નહી.

રૂ. ૧૦ લાખનું રોકાણ કર્યા પછી પણ કોમ્પ્યુટર સેટ તને આનુસાંગીક પાર્ટ સ્ટેશનરી તથા સેન્ટર પર બેસનાર બે માણસનો પગાર અને લાઇટ બીલ નો ખર્ચ ગણવામાં આવે તો પીયુસી સેન્ટરના માલીકને મામુલી આવક થતી હોય પીયુસી સેન્ટર લેતા  પહેલા માણસ અને મુદ્દા વિચારશે.

ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી એ હવે વિના વિલંબે નવી જાહેરાત કરીને ગુજરાતમાં ટુ ફોર વ્હીલરનું વેચાણ કરતા ડીલર અને પેટ્રોલ પંપ સંચાલકોને જ પીયુસી સેન્ટર ફાળવવાની નીતી ઘડવી જોઇએ જો વાહન ડીલરો અને પેટ્રોલ પંપ સંચાલકોને પીયુસી સેન્ટર ફાળવવામાં આવે તો બધા માટે સરળ અને ફાયદારૂપ રહેશે.

ગુજરાતના તમામ ટુ ફોર વ્હીલરનું વેચાણ કરતા ડીલરો પોતાના શોરૂમ પરથી વિમાનું વેચાણ કરે છે. આજીવન ટેકસ સ્વીકારે છે. લોનની કાર્યવાહી કરે છે. પોતાના સર્વિસ સ્ટેશનમાં વાહનોની ફ્રી સર્વિસ પછી પણ કાયમી સર્વિસની સુવીધા આપવાની સાથે વાહનોના સ્પેર પાર્ટસનું પણ વેચાણ કરે છે અને છેલ્લે ગુજરાત સરકારના આદેશથી વાહનોમાં નંબર પ્લેટ પણ હાલ ફીટીંગ કરી આપે છે. તો હવે પછી વાહન ડીલરોના શોરૂમ પર અથવા સર્વિસ સેન્ટર પર જ પીયુસી સર્ટીફીકેટ માટે સેન્ટર ફાળવાય તો વાહન ચાલકોને સર્વિસ કરાવતા સમયે સરળતાથી પીયુસી સર્ટીફીકેટ કઢાવવાની પણ સવલત મળશે અને ડીલરોને વધુ આવક મળશે નવા માણસો રાખવાની જરૂર ન પડે સર્વિસ સેન્ટરના માણસો પણ પીયુસી સર્ટીફીકેટ આપી શકશે આમ બંન્ને પક્ષે ફાયદારૂપ થશે.

આવી જ રીતે જો ગુજરાતના તમામ પેટ્રોલ પંપોને જ પીયુસી સેન્ટર ફાળવવામાં આવે તો તમામ પ્રકારના વાહન ચાલકો મહિનામાં ૩ થી ૪ વખત પેટ્રોલ પુરાવવા જતા હોય ત્યારે પેટ્રોલ પંપેથી પીયુસી સર્ટીફીકેટ મેળવવુ સરળ રહેશે.

પેટ્રોલ પંપ ઉપર બહારની સાઇડ હવા ભરવાના પોઇન્ટ પાસે ૪*૬ ની સાઇઝની કેબીન મુકીને પણ પીયુસી સેન્ટર કાર્યરત કરી શકાય. આથી વાહન ચાલકોને સરળતા રહેશે અને પેટ્રોલ પંપ માલીકોને વધારાની આવક મળશે.

આ પ્રકારની પીયુસી સેન્ટરની વ્યવસ્થા વાહન ચાલકો, વાહન વેચનાર ડીલરો તથા પેટ્રોલ પંપ માલીકોને ફાયદારૂપ  હોય શકય તેટલી ઝડપે રાજયના વાહન વ્યવહાર ખાતાએ આ પ્રક્રિયા હાથ ધરવા આગળ વધવા લોકલાગણી પ્રવર્તી રહી છે.

ગુજરાતના જિલ્લા મથકની RTO  કચેરીમાં પણ PUC સેન્ટર ખોલવા જોઇએ

ફીટનેસ સર્ટીફીકેટ માટે આવતા વાહન ચાલકોની સુવિધા માટે

રાજકોટ, તા., ૭ : કેન્દ્ર સરકાર દ્વારા નવો મોટર વાહન એકટ સુધારા સાથે અમલમાં મુકતા દેશભરમાં અનેક વાહન ચાલકો કોઇને કોઇ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સાથો સાથ સરકાર પ્રત્યે વાહન ચાલકોમાં આકરા દંડની કરેલ જોગવાઇ માટે પણ નારાજગી જોવા મળે છે.

ગુજરાતમાં સૌથી વધુ મુશ્કેલી વાહન ચાલકોને પીયુસી સર્ટીફીકેટ માટે પડવાની છે ત્યારે હજુ તો ગુજરાત સરકાર દ્વારા પીયુસી સર્ટીફીકેટ માટે કેન્દ્રો ખોલવાની વહીવટી પ્રક્રિયા ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે.

આથી જ નવા જ લોકો પીયુસી સેન્ટર માટે આગળ આવ્યા નથી. કારણ કે પીયુસી સેન્ટર માટે જો મુખ્ય રોડ પર દુકાન લેવી હોય તો પણ મીનીમમ ર૦ થી રપ લાખમાં મળે અને ત્યારબાદ બીજા ખર્ચ કરીને પીયુસી સેન્ટરના માણસોનો પગાર વગેરે જો ખર્ચ ગણે તો પીયુસી સેન્ટર હોલ્ડરને ખાસ  કમાણી થઇ શકે નહિ એટલે જ સરકારે જાહેરાત આપ્યા પછી માંડ માંડ ૧૦૦ અરજદારોએ જ અરજી કરી છે.

આવી વિકટ પરિસ્થિતી વચ્ચે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુ તથા વાહન વ્યવહાર ખાતાના અગ્રસચિવ સુનયનાબેન તોમરે ગુજરાતના જિલ્લા મથકની આરટીઓ કચેરીમાં પણ પીયુસી કેન્દ્ર ખોલવા માટે નિર્ણય કરવો જોઇએ.

જિલ્લા મથકની આરટીઓ કચેરીના ગ્રાઉન્ડ વિશાળ હોય છે તે ગ્રાઉન્ડમાં પીયુસી સેન્ટર ખોલવા માટે અરજીઓ મંગાવી આરટીઓ કચેરીમાં પણ પીયુસી સર્ટીફીકેટ મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઇએ.

ખાસ કરીને હેવી કોમર્શીયલ વાહનો રીક્ષા, મેટાડોર, ટેકસી મોટરો, ટ્રક, લકઝરી-મીની બસો, જેવા વાહનો નિયમીત જયારે  આરટીઓમાં ફીટનેસ સર્ટીફીકેટ માટે આવે ત્યારે આરટીઓ કચેરીમાં જ જો પીયુસી કેન્દ્ર હોય તો વાહન ચાલકોને વધુ સુવિધા રહેશે માટે રાજયના મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીએ વાહન ચાલકોના હિતમાં નિર્ણય લેવો જોઇએ.

વાહનોના ડીલરો-પેટ્રોલ પંપ સંચાલકો વાહન સંબંધીત ઘણી સેવાઓ આપે જ છે

રાજકોટ, તા., ૭: વધતા જતા હરીફાઇના યુગમાં ગુજરાત સહીત દેશમાં ટુ-ફોર વ્હીલર વાહનોના ઓથો. ડીલરો વાહનોમાં વેચાણ સમયે અને પછી ઘણી બધી વાહન સંબંધીત સેવાઓ આપે જ છે.

આવી સેવાઓમાં જોઇએ વાહન ખરીદવા સમયે ત્યાં શોરૂમ પરથી જ લોન આજીવન ટેકસ અને વિમાને લગતી સેવા આપે છે. જયારે વાહનના વેચાણ પછી પણ પોતાના જ સર્વિસ સ્ટેશનમાં સર્વિસ, ઓઇલ બદલવુ, સ્પેર પાર્ટસ બદલવાની સેવા પુરી પાડે જ છે. ગ્રાહક ફ્રી સર્વિસ પછી પણ ત્યાં જ સર્વિસ કરાવે એટલા માટે વાર્ષિક સર્વિસ કોન્ટ્રાકટ પણ સ્કીમ સાથે મેળવતા હોય છે.

જયારે પેટ્રોલ પંપ પર પણ હવે હવા ઉપરાંત ઓઇલ બદલવાની સેવા ઉપલબ્ધ બનાવાય છે. આમ બંનેજગ્યા પર વાહન સંબંધીત સેવા પુીર પડાતી હોય જેથી હવે સરકાર પીયુસી સેન્ટર પણ અહી જ ચાલુ કરાવે તો વાહન વેચનાર ડીલર અને પેટ્રોલ પંપ સંચાલકો તથા વાહન ચાલકો માટે ફાયદારૂપ રહેશે. (૪.૧)

બસ ટ્રક જેવા વાહનો માટે હાઇવે પર પેટ્રોલ પંપોને પીયુસી સેન્ટર ફાળવી શકાય : પેટ્રોલ પંપ સિવાય હોટલો અને પંચરની દુકાન માટે પણ વિચારી શકાય

રાજકોટ, તા., ૭: કેન્દ્ર સરકારે મોટર વાહન એકટના નવા નિયમો બનાવ્યા પછી ખાસ કરીને પીયુસી સેન્ટર માટે વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. કારણ કે સરકારે ર૦૦૩ માં પીયુસી સેન્ટર કાર્યરત કર્યા પછી તેમાં નવા સેન્ટરનો ઉમેરો કર્યો જ નથી જેથી રાજયોના જિલ્લા તાલુકા મથકે પીયુસી સેન્ટર ખુબ જ ઓછા છે.

તાજેતરમાં નવા પીયુસી સેન્ટર ખોલવા માટે સરકારે જાહેરાત પણ આપી છે ત્યારે પીયુસી સેન્ટર ખોલવા માટે લોકો આગળ આવ્યા નથી. મતલબ કે ઓનલાઇન અરજીની મર્યાદા પુરી થવા છતા નવી અરજીઓ માત્ર ૧૦૦ સુધી જ મળી છે.

આવી પરિસ્થિતિ વચ્ચે સૌથી વધુ પ્રદુષણની માત્રા નિકળી શકે છે તેવા બસ ટ્રક-ટ્રેકટર જેવા હેવી વાહનો માટે સરળતાથી પીયુસી સર્ટીફીકેટ વાહન ચાલકો મેળવી શકે તો માટે ગુજરાત સરકારે તમામ હાઇવે પરના પેટ્રોલ પંપોને ૧૦-૧૦ કિ.મી.ની મર્યાદા સુધીમાં બંન્ને સાઇડના પેટ્રોલ પંપો પર પીયુસી સેન્ટર ખોલવા જોઇએ જેથી વાહન ચાલકોને હાઇવે પરથી સરળતાથી પીયુસી સર્ટીફીકેટ મળી શકે.

આ ઉપરાંત પેટ્રોલ પંપ સિવાય હાઇવે પરની હોટલો (જયા ટ્રક-ચાલકો જમવા રોકાતા હોય તેવી હોટલો (બસો પણ મુસાફરો માટે રોકાતી હોય તેવી હોટલો તેમજ પંચરની દુકાનો પર પણ પીયુસી સેન્ટર ફાળવવા જોઇએ જેથી હેવી વાહનો માટેના પીયુસી સેન્ટરનો પ્રશ્ન ઉકેલી શકાય.

સરકારે ફોર વ્હીલરો માટે ખાસ હાઇવે પરના જ પેટ્રોલ પંપ સંચાલકો, હોટલ તેમજ પંચર કામ કરતા સંચાલકો પાસેથી જ અરજીઓ મંગાવવી જાહેરાત આપવી જોઇએ. જો અહી લોકો આગળ ન આવે તો પેટ્રોલ પંપો પર ફરજીયાત પીયુસી સેન્ટર ખોલવા સરકારે ફરજ પાડવી જોઇએ તોજ પહાડ જેવી પીયુસી સેન્ટરની જટીલ સમસ્યા ઉકેલાશે.

સંકલનઃ

કિશોર એન. કારીયા

મો.૯૮રપ૮ ૩૦૪૯૯

(3:53 pm IST)