રાજકોટ
News of Monday, 7th October 2019

લોકો ઘરમાં જ ખાતર બનાવી ૪૦ટકા કચરો ઘટાડી શકેઃ ડો.શરદ કાળે

રામકૃષ્ણ આશ્રમ જેવી સંસ્થાઓ લોકોને આ મામલે જાગૃત કરી રહી છે તે અભિનંદનને પાત્ર

રાજકોટઃ પર્યાવરણ જાગૃતિના ઉપલક્ષમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હોલમાં પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), મુંબઈના નિષ્ઠાવાન વૈજ્ઞાનિક ડો. શરદ કાળેએ શહેરીજનો પોતે સ્વચ્છતા સાથે  પર્યાવરણને કઈ રીતે મદદરૂપ થઇ શકે તે વિષે ખુબ ઉપયોગી માહિતી આપી હતી. પોતાના વકતવ્યમાં તેમણે વિદેશની મુલાકાત દરમિયાન વિવિધ દેશોની રહેણી કરણી, પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ, બધી જ બાબત સરકાર પર ઢોળી દેવાને બદલે નાગરિકો દ્વારા જ કઈ રીતે નાનામાં નાની બાબતોનો ખ્યાલ રાખવામાં આવે છે તેની ઝીણવટભરી ચર્ચા કરી હતી.

પોતે સક્ષમ હોવા છતાં એસી વાપરવાને બદલે પંખાનો ઉપયોગ કરે છે, વ્યકિતગત કાર વસાવવાને બદલે ખાનગી ટેક્ષી સર્વિસ કે રીક્ષાનો ઉપયોગ કરે છે.જરાપણ નાનપ અનુભવ્યા વિના સાયકલ ચલાવે છે. જેવા પ્રાથમિક પગલાઓ પગલાઓ કોઇપણ વ્યકિત ભરી શકે છે તે બાબત પર ભાર મુકયો હતો. તેમણે રાજકોટની લાક્ષણિકતા વિષે કહ્યું હતું કે મને જાણવા મળ્યું છે કે ,અહી પ્રત્યેક દ્યરમાં એક કે બે ટુ વ્હીલર અને સાથે સાથે એટલી જ વ્યકિતગત કાર પણ હોય છે. શકય હોય ત્યાં સુધી આપણા દ્વારા કાર્બન ફૂટ પ્રિન્ટમાં ઘટાડો થાય તે વિષે પ્રયત્ન કરવો જોઈએ. અમને વધુ વાહનો પોસાય છે , કે વધુ પૈસા ખર્ચવા અમે તૈયાર છીએ તો તમને શું વાંધો છે?  તેવા વલણમાંથી બહાર આવી માત્ર આપણો નહી, આપણી આવનારી પેઢીઓનો વિચાર કરી તેમના માટે શુદ્ઘ વાતાવરણ પૂરૃં પડવાની જવાબદારી ધ્યાનમાં રાખવાની જરૂર છે. તેવું તેમણે ઉમેર્યું હતું.

ઘર વપરાશના મોટાભાગના કચરાને વર્ગીકૃત કરવાથી ખુબ મોટાપ્રમાણમાં કચરો ઘટાડી શકાય છે. રોજબરોજના શાકભાજી, ભોજન વગેરેને બે અલગ અલગ કચરાપેટીમાં નાળીયેરના છોતરા (જે કોઈ પણ મંદિરની બહારથી મફતમાં મળી રહે છે) પાથરી તેના પર ખાતર મેળવી ફળ, શાકભાજીના છાલ, ડીંટીયા વગેરે પાથરી દેવાથી બે દિવસમાં તેમાંથી ખાતર તૈયાર થઇ જાય છે. જો તેમાં વપરાઈ ગયેલા ફૂલની પાંદડીઓ ઉમેરવામાં આવે તો સુગંધી ખાતર તૈયાર થાય છે. એપાર્ટમેન્ટ,સોસાયટી વગેરે મળીને પોતાના વિસ્તારના કચરાનો આ રીતે ખુબ મોટો નિકાલ કરી શકે સાથોસાથ તેમાંથી મળતા ખાતરનો ફૂલછોડ કે વૃક્ષ ઉછેરમાં ઉપયોગ કરી શકે. ઉપસ્થિત જન મેદનીને ડો. કાળેએ સૂચવ્યા મુજબની પર્યાવરણની જાળવણી માટેની પ્રતિજ્ઞા ડો. વેલેન્ટીનાબેન ઉમરાણીયાએ લેવડાવી હતી.

ફણગાવેલા મગમાંથી બાર વખત પાણી પસાર કરી આલકલાઈનયુકત પાણીનો પ્રોજેકટ રજુ કરતી

૯મા ધોરણની વિદ્યાર્થીની અમી ભૂંડિયા

ધોરણ નવની વિદ્યાર્થીની અમી ભુંડિયાએ આ પ્રસંગે ફણગાવેલા મગમાંથી બાર વખત પાણી પસાર કરીને પોતે બનાવેલા આલ્કલાઇન યુકત પાણીના પ્રયોગનો પ્રોજેકટ રજુ કર્યો હતો. તેને આશીર્વાદ આપતા કાળેએ કહ્યું હતું કે આપણને આવા લોકોની જરૂર છે, જે પોતે જાગૃત છે અને કૈક કરવા માંગે છે. કાર્યક્રમ બાદ ડો. કાળેએ ઉપસ્થિત લોકો સમક્ષ કઈ રીતે ઘરવપરાશના ઘન કચરામાંથી ખાતર બનાવી શકાય તેનું નિદર્શન કર્યું હતું.

(3:39 pm IST)