રાજકોટ
News of Monday, 7th October 2019

લીંબડીના હત્યાના ગુનાના આરોપીએ રાજકોટ જેલમાં મચ્છર અગરબત્તી ખાધી

મચ્છરોને કારણે કેદીઓને ડેંગ્યુ, મેલેરીયા...હવે મચ્છર ભગાડવાની અગરબત્તીને કારણે જેલ ચડી ચર્ચાના ચકડોળેઃ સાથી કેદી સાથે ઝઘડો થતાં આમ કર્યાનું અફરોઝબીનનું રટણ

રાજકોટ તા. ૭: અહિની સેન્ટ્રલ જેલ છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચાના ચકડોળે રહે છે. અગાઉ એક કેદીનું ડેંગ્યુથી મોત નિપજ્યું હતું. એ પછી ત્રણ કેદીને મેલેરીયાની અસર થઇ હતી. એ પહેલા એક કેદીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો અને અન્ય એક કેદીએ ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હવે મચ્છર અગરબત્તીને કારણે ચર્ચા જાગી છે. જેલમાં હત્યાના ગુનાના એક કેદીએ મચ્છર ભગાવડવાની અગરબત્તી ખાઇ લેતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.મુળ લીંબડીનો વતની અફરોઝબીન સૈયદબીન બિનહારી (ઉ.૩૬) હાલ રાજકોટ જેલમાં કાચા કામના કેદી તરીકે છે. તેણે અઢી વર્ષ પહેલા એક હત્યા કરી હોઇ તે અંગે ગુનો નોંધાયો હતો. તેણે રાત્રીના બેરેક નં. ૧૦ સલામતિ વિભાગમાં મચ્છર ભગાડવાની અગરબત્તી ખાઇ લેતાં ઉલ્ટીઓ થવા માંડતાં જેલમાં સારવાર અપાવાયા બાદ સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. અફરોઝબીનના કહેવા મુજબ જેલમાં એક કેદી સાથે ઝઘડો થતાં પોતે અગરબત્તી ખાઇ ગયો હતો. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(11:36 am IST)