રાજકોટ
News of Saturday, 7th September 2019

દારૂ પીધેલી હાલતમાં યુવતિ સાથે પકડાયેલા કમલેશ રામાણીને પાસામાં ધકેલી દેતાં પોલીસ કમિશનર

અગાઉ સતર જેટલા ગુનામાં સંડોવણીઃ વડોદરા જેલ હવાલે કરવા તાલુકા પોલીસ અને પીસીબીએ કાર્યવાહી કરીઃ ગત સાંજે મોટા મવા પાછળ તુલિપ એપાર્ટમેન્ટમાં તાલુકા પોલીસ-ક્રાઇમ બ્રાંચે દરોડો પાડ્યો હતો

રાજકોટ તા. ૭: શહેર ક્રાઇમ બ્રાંચ અને તાલુકા પોલીસે ચોક્કસ માહિતી પરથી ગત સાંજે મોટા મવા પાછળ આવેલા તુલિપ પર્પલ એપાર્ટમેન્ટના ફલેટમાં દરોડો પાડી બિલ્ડર કમલેશ વશરામભાઇ રામાણી (રહે. પેલેડિયમ હાઇટ્સ ફલેટ નં. ૬૦૨)ને દારૂ પીધેલી હાલતમાં પકડી લીધેલ. આ વખતે રૂમમાંથી એક યુવતિ પણ મળી આવી હતી. કમલેશ સામે ગત સાંજે તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી બે મોબાઇલ ફોન રૂ. ૪૦ હજારના કબ્જે લેવાયા હતાં. યુવતિ તેની મિત્ર હોઇ અને મળવા માટે આવી હોવાનું ખુલતાં તેની પુછતાછ બાદ જવા દેવામાં આવી હતી. દરમિયાન જુદા-જુદા વિવાદો સબબ અગાઉ પણ પોલીસ ચોપડે નામ નોંધાવી ચુકેલા કમલેશ રામાણીને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પાસા તળે વડોદરા જેલમાં ધકેલવા હુકમ કરતાં તાલુકા પોલીસે વોરન્ટની બજવણી કરી છે.

ગઇકાલે તાલુકા પોલીસના પી.આઇ. વી.એસ. વણઝારાની સુચના હેઠળ કોન્સ. ફિરોઝભાઇ, નગીનભાઇ ડાંગર, અરજણભાઇ, હર્ષદસિંહ ચુડાસમા, વિરેન્દ્રસિંહ જાડેજા, ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પીએસઆઇ એન. ડી. ડામોરની સાથે તપાસમાં હતો ત્યારે માહિતી મળી હતી કે કમલેશ રામાણી જે અગાઉ હથીયારના ગુનામાં સંડોવાયેલ છે તે તુલીપ એપાર્ટમેન્ટના બ્લોક નં. ૨૦૩માં દારૂની મહેફિલ માણી રહ્યો છે. એ દરમિયાન ડીસીબીના પીએસઆઇ ડી. પી. ઉનડકટ, મયુરભાઇ પટેલ, મિતાલીબેન સહિતના પણ માહિતી મળી હોઇ ત્યાં પહોંચ્યા હતાં.પોલીસે ત્યાં પહોંચી દરવાજો ખખડાવતાં થોડીવાર બાદ રૂમ ખોલાયો હતો. એ પછી અંદરથી કમલેશ રામાણી દારૂ પીધેલી હાલતમાં મળેલ. એક યુવતિ પણ મળી હતી. તે હાલ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી હોવાનું જણાવાયું હતું.

કમલેશ સામે ગુજરાત નશાબંધી વટહુકમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. કમલેશ રામાણી સામે અગાઉ ૯૮ થી ૨૦૧૯ સુધીમાં સતર ગુના નોંધાયાનું પણ ગત સાંજે પોલીસે જણાવ્યું હતું. જેમાં જમીન કોૈભાંડ, બળાત્કાર, જાહેરમાં ફાયરીંગ સહિતના ગુનાઓ સામેલ છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કમલેશને પાસા તળે વડોદરા જેલહવાલે કરવા હુકમ કરી વોરન્ટ ઇશ્યુ કરતાં પી.આઇ. વી.એસ. વણઝારા, પી.આઇ. એસ. એન. ગડ્ડુ, પીએસઆઇ એન. ડી. ડામોર, પીએસઆઇ ડી. પી. ઉનડકટ, અજયભાઇ શુકલા, રાહુલભાઇ ગોસ્વામી, હર્ષદસિંહ ચુડાસમા, નગીનભાઇ ડાંગર, રાહુલભાઇ, અરજણભાઇ, વિરેન્દ્રસિંહ, ભગીરથસિંહ, ઉમેશભાઇ સહિતે વોરન્ટની બજવણી કરી છે.

(11:55 am IST)