રાજકોટ
News of Friday, 7th September 2018

દ્વારકા પાસે સર્જાયેલા અકસ્માતમાં બજરંગવાડીમાં રહેતા અસલમભાઇ શેખનાં મોતથી અરેરાટી

લૌકિક ક્રિયાએ જતી વખતે કાર પલ્ટી જતા ૪ ના મોતથી મુસ્લીમ પરીવારમાં માતમ

પ્રથમ તસ્વીરમાં મૃતક જોરાવર નુરખાન પઠાણ, બીજી તસ્વીરમાં મૃતક અસલમ બશીરભાઇ શેખ, ત્રીજી તસ્વીરમાં ફરાન ઇમરાનભાઇ પઠાણનો ફાઇલ ફોટો તથા ચોથી તસ્વીરમાં જામનગરની હોસ્પીટલમાં સારવારમાં રહેલા નિલોફરબેન ઇમરાન પઠાણ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૪.૧૩)

રાજકોટ, તા., ૭: દ્વારકાના કુરંગા ફાટક પાસે ગઇકાલે મુસ્લીમ પરીવારની કાર પલ્ટી જતા ૪ વ્યકિતના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ અકસ્માતમાં રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતા અસલમભાઇ શેખનો પણ ભોગ લેવાતા મુસ્લીમ પરીવારમાં માતમ છવાયો છે.

પ્રાપ્ત માહીતી મુજબ દ્વારકામાં રહેતા હનીફાબેન નુરમામદભાઇનો પરીવાર ગુરૂવારે સવારે ઇનોવા કાર લઇને રાજકોટ તેમના સંબંધીનું મૃત્યુ થયું હોય લૌકિક ક્રિયાએ આવવા નિકળ્યો હતો. ભાટીયા નજીક ઇનોવા કારમાં પંકચર પડતા સંબંધીને ફોન કરીને સ્કોર્પીયો કાર મગાવી ફરી રાજકોટ તરફ જવા રવાના થયા હતા. ભાટીયાથી થોડે દુર પહોંચ્યા ત્યારે સાડા દશ કલાક આસપાસ સ્કોર્પીયોના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા પલ્ટી મારી જઇ રોડ પર લગભગ ૧પ૦ ફુટ સુધી ઢસડાઇ હતી. આથી હનીફાબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું.

જયારે ત્રણ વ્યકિતને ગંભીર ઇજા થતા રાજકોટ અને જામનગરની હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન હનીફાબેનના દિકરો-દિકરી, પૌત્ર અને ભત્રીજાના મૃત્યુ નિપજયા હતા. અકસ્માતની ઘટના સંદર્ભે પોલીસે જણાવ્યું હતું કે એક મહિલા કારમાંથી ફંગોળાઇ ર૦ મીટર દુર પડી હતી. જયારે ૮ વર્ષનો બાળક લગભગ ૪૦ મીટર દુરથી ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતા અસલમભાઇ બશીરભાઇ શેખ (ઉ.વ.રપ)નું મોત નિપજતા બજરંગવાડી વિસ્તાર તથા મુસ્લીમ સમાજમાં શોક છવાયો છે.

આ અકસ્માતમાં હનીફાબેન નુરખાન પઠાણ (ઉ.વ.પપ) જોરાવરભાઇ નુરખાન પઠાણ (ઉ.વ.૩૭) ફરાન ઇમરાનભાઇ પઠાણનો પણ ભોગ લેવાયો હતો.

જયારે આ અકસ્માતમાં ઇજા થતા નુરખાન ઉમરખાન પઠાણ (ઉ.વ.૬૦)ને રાજકોટની સ્ટર્લીગ હોસ્પીટલમાં સારવારમાં ખસેડાયા છે. જયારે નિલોફર ઇમરાનભાઇ મોગલ (ઉ.વ.૩૩)ને જામનગરની ગોકુલ હોસ્પીટલમાં ખસેડાયા છે. આ ઉપરાંત ઇમરાન નુરખાન પઠાણ (ઉ.વ.૩૦), ફજુ ઇમરાન પઠાણ (ઉ.વ.ર૭) અને રીઝવાન ઇમરાનભાઇ પઠાણ (ઉ.વ.૪) ને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડેલ છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત અસલમ બશીરભાઇ શેખનાં પત્નીને સારા દિવસો હોવાથી તે દ્વારકા ખબર પુછવા માટે ગયા હતા.

(4:39 pm IST)