અનમોલ પાર્કના ઉમેશ ચોૈહાણે જૂગારમાં નાણા ગુમાવતાં ગળાફાંસો ખાધોઃ બેભાન
રિક્ષાચાલક કોળી યુવાન કયાં રમવા ગયો હતો તે અંગે પરિવારજનો અજાણ
રાજકોટ તા.૭: આજીડેમ ચોકડી પાસે અનમોલ પાર્ક-૩માં રહેતાં ઉમેશભાઇ મોહનભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૦) નામના કોળી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં બેભાન હાલતમાં સારવાર હેઠળ છે.
ઉમેશભાઇ રિક્ષા હકારી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેમના સગાએ ટેલિફોનીક વાતચીતમાં કહ્યું હતું કે ઉમેશભાઇ કયાંક જૂગાર રમવા જતાં અમુક રકમ હારી ગયો હતો. આ કારણે ચિંતામાં હોવાની વાત કરી હતી. એ પછી ગત સાંજે તેણે ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનો જોઇ જતાં બચાવી લઇ હોસ્પિટલમાં ખસેડતાં જીવ બચી ગયો છે. જો કે તે હજુ બેભાન હોઇ કયાં જૂગાર રમ્યો, કેટલા હારી ગયો? તે અંગેની વિગતો પરિવારજનોને ખબર નથી.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ વિશેષ તપાસ કરી રહી છે.